છેલ્લા એક વર્ષ દરમ્યાન રાજકોટ અને આસપાસના વિસ્તારની ૩૯ પાંજરાપોળ તથા ગૌશાળાઓમાં ૯૯૮૧૦ મણ ઘાસચારો અર્પણ કર્યો.
રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. પ્રેરિત દેશ-વિદેશમાં વ્યાપી પ૫થી વધુ અર્હમ યુવા સેવા ગ્રુપના હજારો જૈન અજૈન ભાવિકો સદાય નવા-નવા પ્રકલ્પો સાથે માનવ સેવા અને જીવદયાના સત્કાર્યો માટે તત્પર રહે છે. સેવા, સાધના અને સમર્પણતાના ભાવ સાથે હતાશ અને નિરાશ માનવીના ચહેરા પર સ્મિત લાવવું અને અબોલ જીવોને શાતા પમાડવી એ જ એમના પ્રયાસો હોય છે.
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.ની પ્રેરણાથી અહંમ યુવા સેવા ગ્રુપ રાજકોટ દ્વારા કરૂણા ફાઉન્ડેશનના સહયોગથી રાજકોટ અને આસપાસના વિસ્તારની ૩૯ જેટલી પાંજરાપોળ તથા ગૌશાળાઓમાં તા.૧- ૪-૨૧થી તા.૩૧-૩-૨૨ અર્થાત માત્ર એક જ વર્ષમાં ૯૯૮૧૦ મણ ઘાસચારો અર્પણ કરી અબોલ જીવોને આહારની શાતા પમાડવાનો શ્રેષ્ઠ પુરુષાર્થ કર્યો છે.
જીવદયાના આ સેવા કાર્યમાં એસ.કે. શાહ પરિવાર (મલાડ), ગાલા પરિવાર તથા પંચમિયા પરિવાર સાથે અનેક અનુકંપા પ્રેમી દાતાઓનું અનુદાન પ્રાપ્ત થયું છે.છેલ્લા કેટલાક વર્ષોથી અર્હમ યુવા સેવા ગ્રુપનું આ જીવદયા અભિયાન અત્યારે પણ અવિરત ચાલી રહ્યું છે. અબોલ જીવોને નિયમિત રૂપે ઘાસચારો પહોંચાડવામાં આવી રહ્યો છે. જૈન અજૈન કોઈપણ યુવાન આ જીવદયાની સેવામાં જોડાઈને સેવાની અનુભૂતિનો અહેસાસ કરી શકે છે. વધુ જાણકારી માટે (મો. ૯૮૯૮૨ ૩૦૯૭૫) સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *