ભાવનગર મ્યુ.કોર્પોરેશન ધ્વારા અખિલેશ સર્કલ નજીક ઢોરડબાનું સંચાલન કરવામાં આવે છે. આ ઢોરડબામાં ભાવનગર શહેરમાં ફરતા બિનવારસી પ્રાણીઓને રાખવામાં આવે છે. આ ઢોરડબાના પ્રાણીઓ અત્યંત ક્રૂર અને દયનીય હાલતમાં રાખવામાં આવ્યા છે. આ ઢોરડબામાં કાદવ કીચડ જામ્યો છે, જેમાં બિનવારસી પ્રાણીઓ ઉભા રહે છે અને તેને કારણે પ્રાણીઓના અંગો સડી જાય છે, દરરોજ બે થી ત્રણ પ્રાણીઓ આવી હાલતમાં મૃત્યુ પામે છે . આ વાત ધ્યાને આવતા અહિંસા મહાસંઘનાં પંકજ બુચ દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવામાં આવ્યું છે કે,  પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ-૩ મુજબ પ્રાણીનો હવાલો ધરાવનાર દરેક વ્યકિતની તે પ્રાણીની સુખાકારી માટે તમામ વ્યાજબી પગલાં લેવાની અને પ્રાણી પ્રત્યે અનાવશ્યક દુ:ખ અને પીડા નિવારવાની ફરજ નિર્ધારિત કરવામાં આવી છે અને આ કલમનું ઉલ્લંઘન શિક્ષાપાત્ર ગુન્હો બને છે.

આ ઉપરાંત જણાવાયું હતું કે, રાજય સરકારે કૃષિ અને સહકાર વિભાગના તા.૫-૧૧-૨૦૧૪ ના જાહેરનામાથી સ્થાનિક સંસ્થાઓના ઢોરડબાની કામગીરી ઉપર સુ૫૨વીઝન અને જોઈન્ટ મેનેજમેન્ટ કરવાની જવાબદારી જિલ્લા એસ.પી.સી.એ. ને સોંપી છે. જો આ બાબતમાં એસ.પી.સી.એ. સક્રિય રીતે કામગીરી કરે તો અબોલ પશુઓ ની હાલત સુધારી શકાય છે તેમજ જીવ પણ બચાવી શકાય છે.

અગાઉ પણ ભાવનગરના ઢોર ડબાની દયનીય હાલત અંગે તમામ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેશન સંચાલિત ઢોરડબાની હાલતમાં તાત્કાલિક અસરકારક સુધારો ક૨વા તથા તમામ જવાબદારો સામે ગંભીર શિક્ષાત્મક અને કાનૂની પગલાં ભરવા અહિંસા મહાસંઘનાં પંકજભાઈ બુચ દ્વારા વિનંતી કરાઇ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *