• પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ પશુ આયુર્વેદ ચિકિત્સાઅંગે પોતાનું  માર્ગદર્શન આપ્યું.

આયુષ મંત્રાલય, ભારત દ્વારા વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC)ની શરૂઆત વર્ષ 2002માં કરવામાં આવી છે. આયુર્વેદ સાથે સંકળાયેલ વ્યક્તિ , સંસ્થા , ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને જનતાને એકબીજા સાથે જોડી, વિચારોનું આદાન પ્રદાન કરી આયુર્વેદ સેક્ટરનો વિકાસ માત્ર ભારત માં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થાય તેવો ઉમદા ઉદેશ્ય છે. પ્રથમ કોન્ફરન્સનું આયોજન કેરાલાનાં કોચિ ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC)નું આયોજન ભારતનાં અલગ અલગ શહેરોમાં કરવામાં આવે છે. આ વર્ષે 9મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC)નું આયોજન તા. 8 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર સુધી પંજીમ, ગોવા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 4500થી પણ વધારે ભારતીય પ્રતિનિધિઓ, 400થી વધારે અન્ય દેશોના પ્રતિનિધિઓ અને 45થી પણ વધારે દેશોએ ભાગ લીધો હતો. 9મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC)ની થીમ ‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ હતી. ‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ની થીમ દ્વારા વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસે (WAC) પ્રાણી, પર્યાવરણ અને માનવ પરના આરોગ્ય જોખમોને સંબોધવા માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડયુ છે.  સ્થાનિક, રાજકીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આયુર્વેદ દ્વારા રોગનું નિદાન, નિરાકરણ, દેખરખ ધ્યેય સાથે આ ચાર દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેમિનાર તેમજ માર્ગદર્શિય સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુર્વેદની આરોગ્ય અને પર્યાવરણ પર અસરો, આયુર્વેદ દ્વારા રોગનું નિરાકરણ, આયુર્વેદની સંશોધન પદ્ધતિઓ, આયુષ આહાર, આયુર્વેદિક ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન લક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ, GCCI (ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ)નાં સ્થાપક ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા એ “પશુ આયુર્વેદ ચિકિત્સા”  અંગે પોતાનું  માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથેના પ્રતિનિધિ મંડળમાં રાજકોટથી ભારત સરકારના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિતલ ખેતાણી અને દિલ્હીથી GCCIનાં જનરલ સેક્રેટરી પુરીશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ડો.વલ્લભભાઈ કથિરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવનારા 25 વર્ષ આઝાદીના અમૃતકાલને ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે, આ વર્ષોમાં ભારતની સંસ્કૃતિ, વારસો, યોગ, આયુર્વેદ, બૌધિક સંપદા, જીવ વૈવિધતા અને આધ્યાત્મિકતા વિશ્વ મંચ પર ઉજાગર કરીને વિશ્વને ભારતના મહાત્મ્યથી માહિતગાર કરવાના છે. જેમાં દરેક ભારતીયનું યોગદાન ખૂબ મહત્વનું છે. ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિને વિશ્વ મંચ પર લઈ જવા માટે આપણી સંસ્કૃતિને ઓળખીને અપનાવવાની જરૂર છે. આયુર્વેદની વિવિધ શાખાઓને જાણીને આયુર્વેદને માનવમાં વનસ્પતિ અને પશુ ચિકિત્સામાં વિકસાવવાની જરૂર છે. જેના માટે ભારતમાં બનેલા આયુર્વેદિક સંશોધન કેન્દ્રને એકબીજા સાથે જોડવાની જરૂર છે.

આ સાથે, આપણે આયુર્વેદ ક્ષેત્રના વિકાસ સાથે તમામ મંત્રાલયોને જોડીને આયુર્વેદમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકીએ છીએ. પશુ આયુર્વેદ નીતિ વિશે માર્ગદર્શન આપતા ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે આ બાબતે આપણે આપણી રૂઢીગત માન્યતાઓ અને લઘુગ્રંથી બદલવાની જરૂર છે. આયુર્વેદના ક્ષેત્રના વિકાસ માટે સંશોધનને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભારતીય કોઠાસૂઝ અને દેશી પરંપરાગત પદ્ધતિઓને પંચગવ્ય અને આયુર્વેદ સાથે મળી પશુઓ અને ગૌમાતાના આરોગ્યની સંભાળ, સામાન્ય બીમારોની સારવાર અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની અદભુત સમતા છે. આ પદ્ધતિઓ સરળ, સુલભ, લોકભોગ્ય અને સસ્તી પણ છે. વિવિધ આયુર્વેદ ફાર્મા કંપનીઓને પણ પશુઓ માટે પશુ આયુર્વેદ દવાના મેન્યુફેક્ચરીંગ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. તેમના માર્ગદર્શનના અંતે તેમણે કહ્યું કે આપણે આપણા દેશે આપણા માટે શું કર્યું તે ન પૂછવું જોઈએ, પરંતુ આપણે આપણા દેશ માટે શું કર્યું તે વિચારવું જોઈએ.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *