ચૌદ વર્ષનાં વનવાસ પછી ભગવાન શ્રી રામનું અયોધ્યા પુનરાગમન એટલે દિવાળી. ભગવાન શ્રી રામનાં સમયને ભલે યુગો વીતી ગયા હોય પણ દિવાળીની રોનક કાયમ વધતી જ રહી છે. આ દિવસને ધામધુમથી ઉજવવાની પરંપરા હજુ પણ જીવંત છે અને એ જે પ્રકારે હજુ સુધી જીવંત જણાય છે એ જોતા લાગતું નથી કે હજુ પણ યુગો સુધી એનું મહત્વ જરા પણ ઓછું થાય.
દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ”. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે. તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે, વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ, આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા તેમજ રંગોળી કરીને પણ ઉજવવામાં આવે છે. ‘રંગોળી’ તો સ્વચ્છતા, શોભા અને સ્વાગતનું પ્રતીક છે. દિવાળી આખરે તો લક્ષ્મીની પૂજાનો તહેવાર છે. ‘લક્ષ્મી’ શબ્દનો અર્થ જ શોભા-સુંદરતા થાય. લક્ષ્મીજીની પધરામણી થાય તે માટે આંગણું સ્વચ્છ-સુંદર રાખવું પડે. દિવાળીની રાતે લક્ષ્મીજીનાં આગમનની વાત બાબતે એવું કહેવાય છે કે બ્રહ્મપુરાણમાં જણાવ્યું છે કે દિવાળીના દિવસે મધ્યરાત્રિના સમયે દેવી લક્ષ્મીજી વિહાર કરવા નીકળે છે અને જેમનું આંગણું સ્વસ્છ, સુશોભિત અને દેદીપ્યમાન હોય તેમના ઘરમાં સ્થિર થઈ વાસ કરે છે, આનો અર્થ એ થયો કે સાફ ઘરમાં જ લક્ષ્મી વસે છે. વળી લક્ષ્મીજી તો શોભા અને સૌંદર્યની દેવી છે. જે ઘર શોભાયમાન અને સુંદર હોય તેમાં જ લક્ષ્મીનો પ્રેવેશ થાય છે. ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ – આ ન્યાયે જ્યાં સ્વસ્છતા હોય ત્યાં જ દિવ્યતા પ્રગટે છે. દિવાળીનાં દિવસ સાથે જોડાયેલી અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમકે મહારાજા પૃથુએ પૃથ્વીનું દોહન કરીને દેશને ધનધાન્યથી સમૃદ્ધ બનાવ્યો, સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધમાં વિજય મેળવ્યો, ભગવાન વિષ્ણુએ રાજા બલિને પાતાળમાં મોકલીને તેની કેદમાંથી લક્ષ્મીજી અને અન્ય દેવોને મુક્ત કર્યા વગેરે કથાઓ મળે છે.