મકરસંક્રાંતિના દિવસો દરમિયાન પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઇજા પામતા હોય છે. ઇજાગ્રસ્ત પક્ષીના જીવ બચાવવા પક્ષી બચાવો અભિયાનમાં ભાગ લેનારને ઉપયોગી થાય તેવી માહિતી અત્રે રજૂ કરેલ છે.

(૧) પક્ષી ખૂબ જ કોમળ અને ગભરું જીવ છે. ઇજા થયેલ પક્ષી નજરે પડે ત્યારે સૌ પ્રથમ દૂરથી પક્ષીનું થોડા સમય માટે નીરિક્ષણ કરો. પાંખ લબડવી, લોહી નીકળવું, ડોક નમી જવી, પગ ઉપર વજન ન મૂક્યું વિગેરે ચિન્હો પરથી પક્ષીની સ્થિતિનો ક્યાસ કાઢી શકાય છે. કુદરતમાં વિહરતા પશી મનુષ્યથી દૂર રહેતા હોય, માનવના સંપર્કમાં આવે ત્યારે ખૂબ જ પરેશાન થાય છે અને આઘાત અનુભવે છે. પક્ષીને થયેલ ઇજામાં વધારો ન થાય તે માટે કાળજી રાખવી જરૂરી હોય છે.

(૨) ઇજાગ્રસ્ત પક્ષીને પકડવા સમયે પકડનાર અને પક્ષીની સલામતી ખૂબજ મહત્વની છે. પક્ષીને ગમે તેવી ઇજા થયેલ હોય તો જે પણ તેની શક્તિ મુજબ પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે. પક્ષીને પોતાનો બચાવ કરવા સામાન્ય રીતે ચાંચ મારવી, પગના પંજાના નખ ભરાવા અને પાંખો ફફડાવતા હોય છે. જેથી ઇજા ન થાય તે માટે સજાગ રહો. જળચર પક્ષી અણીદાર ચાંચ દ્વારા આંખ ફોડી શકે છે. માટે તેની ડોક બરાબર પકડો. શિકારી પક્ષીને પકડવા હાથમાં મજબૂત મોજા પહેરવાથી મ્હોરની ઈજામાંથી બચી શકાય છે.

(૩) મોટાભાગના પક્ષીને સમાન રીતે પકડી શકાય છે. માથા અને શરીર પર જાડુ કપડું નાખી ઢાકી દઈને પકડો. પશીના કદ અને જાત મુજબ કપડું પાતળું કે જાડું વાપરી શકાય.

(૪) પક્ષીને ગમે તેવી ચપળતાથી અને સારી રીતે પકડવામાં આવે તો પણ આઘાત અનુભવે છે. પક્ષીને એક બે પ્રયત્નોમાં ન પકડી શકાય ત્યારે અનુભવી અને જાણતલની મદદ લો. પછી પકડવામાં જે સમય વધું લાગે તેમ પક્ષીની પરિસ્થિતિ વધુ બગડે છે. પક્ષીને પકડવા પાછળ ન દોડો.

(૫) ઇજાગ્રસ્ત પક્ષીને પકડયા પછી તળીયે કપડું પાથરેલ અને કાણાં પાડેલ પૂઠાના ખોખા કે પ્લાસ્ટીના બોક્સમાં રાખો. ખોખું કે બાસ્કેટ ખુલ્લુ ન રાખતા કપડાથી ત્રણેય બાજુએથી આવરી લો અને ઉપરના ભાગે ટુવાલથી ઢાંકી દો.

(૬) ઈજાગસ્ત પક્ષી સામાન્યથી ગંભીર આઘાતમાં હોય છે. જેથી પક્ષીને શાંત અને અંધારી જગ્યામાં રાખો. પક્ષીના શરીર પર હાથ ફેરવીને કે પંપાળીને ધરપત આપવાનો પ્રયત્ન ન કરો. પક્ષીને બીનજરૂરી સ્પર્શ કરવાનો કે જોવાનો પ્રયત્ન ન કરો. આ હરકત આઘાતમાં વધારો કરે છે. બહારનો અવાજ, ધૂમ્રપાનનો ધુમાડો અને અતરની સુગંધ પક્ષી માટે યોગ્ય નથી.

(૭) ઇજાગ્રસ્ત પક્ષીની આજુબાજનું વાતાવરણ ૮૦–૯૦ ફે. ગરમ રાખવું જરૂરી છે. પક્ષીને ગરમી લાગે ત્યારે પાંખો ખોલી શરીરથી દૂર રાખે છે અને હાંફે છે. જયારે ઠંડી અનુભવે ત્યારે શરીર સંકોચીને બેસે છે. પાંજરાની બાજુ પર ૬૦–૧૦૦ વોટનો ઇલેકટ્રીક બબ ચાલુ રાખવાથી પક્ષીને તકલીફ વગર હુંફાળું વાતાવરણ પૂરું પાડી શકાય છે. બીમાર પક્ષીને રહેઠાણમાં પૂરતો ગરમાવો મળે તો શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેમજ શરીરમાં સ્ફુર્તિનો સંચાર થાય છે.

(૮) ઈજા પામેલ પક્ષીને આઘાતમાંથી બહાર લાવવું એ સૌ પ્રથમ પ્રાથમિકતા હોય છે. પક્ષીને આઘાતમાંથી બહાર આવવા ૨-૩ ક્લાકનો સમય આપો. પક્ષી ઢળી પડવું, ડોક નાખી દેવી, આંખ અર્ધ બિડેલ રાખવી, શ્વાસોશ્વાસ વધી જવા એ પક્ષી આઘાતમાં હોવાના ચિન્હો છે.

(૯) ઈજા અને આઘાતમાં સરી પડેલ પક્ષીના પરિવહન માટે સામાન્ય કાળજી લેવામાં આવે તો પણ પક્ષીને ઘણી રાહત રહે છે.

(૧૦) પક્ષીને ક્યારેય ખુલ્લુ કે હાથમાં પકડીને ન લઈ જાવ. પક્ષીને પાંજરા કે બોક્સમાં લઈ જવું જોઈએ. પૂઠાનું કાણા પાડેલ ખોખું કે પ્લાસ્ટીકનું બાસ્કેટ પક્ષીને રાખવા ઉપયોગ કરી શકાય. પાંજરાને કપડાથી ઢાંકો, જેનાથી પક્ષીને વાતાવરણ સામે રક્ષણ મળે છે. એકાંત આપે છે. દૃષ્ટિસમિતિ રાખે છે. જેથી તણાવ ઓછો ઉદભવે છે.

(૧૧) વાહન કાળજીથી વાહન ચલાવો. એકદમ વળાંક લેવાનું ટાળો. પરીવહન દરમિયાન બિનજરૂરી ઘોઘાંટ ન કરો. ઋતુ મુજબ એસી કે હિટર ચાલુ રાખો. પક્ષી ને આરામદાયક સ્થિીતમાં રાખવાથી સાજુ થવાની તક વધે છે.

(૧૨) પૂરતી જાણકારી વગર સારવાર આપવાનો પ્રયત્ન કરો. પક્ષીની સારવાર ખાસ કાળજી માંગી લે છે. ડોકટરી સારવારની સગવડ હોય ત્યાં લઈ જાવ/સોપો. પક્ષીને ઘરે રાખવાનો પ્રયત્ન ન કરો. જુદા જુદા પક્ષીની ખાસિયત, ખોરાક અને જરૂરીયાત અલગ અલગ હોય છે.

(૧૩) પક્ષીની સારવાર માટે ક્યારેય ઉતાવળ ન કરો. માત્ર લોહીનો સ્ત્રાવ બંધ કરવા પક્ષીને તત્કાલ સારવારની જરૂરી હોય છે. લોહીનો સ્ત્રાવ ચાલું હોય તો આંગળીના ટેરવાથી કે રૂ કે કપડાનું પૂમડું મુકી દબાવવાથી બંધ થઈ જાય છે. પક્ષીની લોહી ગંઠાવાની શક્તિ ખૂબજ વિશેષ હોય છે. ચામડી પરના કાપમાંથી આવતું લોહી સામાન્ય રીતે પોતાની મેળે બંધ થઈ જતું હોય છે. ભાંગી ગયેલ પીછામાંથી નીકળતું લોહી બંધ કરવા પીછાને મુળમાંથી ખેંચવું જરૂરી બને છે. પક્ષીનું હલનચલન લોહીનો સ્ત્રાવ વધારે છે. ચાંચ અને નહોર કપાવાથી લોહીનો વિશેષ સ્ત્રાવ થતો હોય છે. રૂ નું પૂમડું ૧ મિનિટ પૂરતું દબાવી રાખવાથી બંધ થઈ જાય છે.

(૧૪) બ્રાહય ઈજા ન હોય પરંતુ બેભાન હોય તેવા પક્ષીને મોટે ભાગે નીચે પટકાવા સમયે માથામાં ઈજા થયેલ હોય છે. આવા પક્ષીને એકાંતમાં, શાંત અને હુફાળા વાતાવરણમાં રાખો.

(૧૫) પક્ષીના શરીર પર વીટળાયેલ દોરાની ગુંચ ઉકેલવા કરતાં નાની કાતરથી કાપીને દૂર કરો.

(૧૬) પતંગના દોરાથી પક્ષીને સામાન્ય રીતે પગ કે પાંખ ભાંગી જવી, પાંખ કે ચાંચ કપાવી, પાંખ, જીભ કે ડોક પર કાપો પડવો એ મુખ્ય ઈજા હોય છે.

(૧૭) પતંગના દોરાથી ઈજાનો ભોગ બનનાર પક્ષીમાં કબૂતર, હોલો, પોપટ, કાગડા, કાંકણ, બગલા, ઘુવડ, સમડી, કોયલ મુખ્ય હોય છે.

(૧૮) ઈજાગ્રસ્ત પથી ખોરાક કે પાણી લેતું હોતું નથી. પક્ષીને ખોરાક કે પાણી આપવા અધીરા ન બનો. પક્ષીને ઓછામાં ઓછું હેન્ડલ કરો.

(૧૯) પક્ષી ઉડવા સક્ષમ બને ત્યારે ફરી કુદરતમાં મુક્ત કરી દો.

ડો. એન.જી. મારડીયા (વોટસઅપ નંબર – ૯૧ ૯૬૨૪૦ ૩૨૦૦૯)
માનદ સલાહકાર – શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *