ગોદરેજ કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવતું ગ્લુ પેડ કે જે ઉંદર પકડવા માટે વપરાશમાં લેવાય છે, આ ઉત્પાદનનું પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ વેચાણ અને ઉત્પાદનની મંજૂરી આપી શકાય નહીં, આમ છતાં તેનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાની વાત જીવદયા પ્રેમી મિતલ ખેતાણી અને પ્રતિક સંઘાણીનાં ધ્યાનમાં આવતા તેમણે ગોદરેજ કંપનીનાં ગ્લુ પેડનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા પત્ર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. મિતલ ખેતાણી અને પ્રતિક સંઘાણી દ્વારા આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉંદરોને પકડવા માટે વપરાશમાં લેવામાં આવતું આ પેડ અને અન્ય આવા જ ઉત્પાદનો તેમને બિનજરૂરી પીડા પહોંચાડે છે. જે કાયદાકીય રીતે પ્રાણીઓ માટે ક્રૂરતા નિવારણ અધિનિયમ,૧૯૬૦ની ખાસ કરીને કલમ ૧૧ની વિરૂદ્ધનું કાર્ય છે.ઉંદરોનો ઉપદ્રવ ઘટાડવાના અન્ય રસ્તાઓ પણ ઉપલબ્ધ હોવા છતાં આ ગ્લુ પેડ વપરાશકર્તા દ્વારા વારંવાર અને ટૂંકા સમયનાં અંતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે પીસીએ અધિનિયમ,૧૯૬૦ (PCA ACT,1960)ની કલમ ૧૧(૧)નું સીધું ઉલ્લંઘન છે. જે તે વ્યક્તિને આ કાયદાના ભંગ બદલ રૂપિયા એક સો નો દંડ અથવા ત્રણ માસની જેલ થઈ શકે છે. કાયદાનો ભંગ વારંવાર થતાં દંડ અને સજા બંને મળવાપાત્ર છે. આ પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, એનિમલ વેલફેર બોર્ડ ઑફ ઈન્ડિયા દ્વારા તા. ૦૪/૦૮/૨૦૨૧નાં રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં આ પેડનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને ટાંકીને ગોદરેજ કંપનીને અનુરોધ કરવામાં આવ્યો હતો કે ગ્લુ પેડનું ઉત્પાદન અને વેચાણ તાત્કાલિક બંધ કરવું. ગ્લુ પેડના વપરાશ દ્વારા ઉંદરોને પકડવા એ કાયદાકીય દ્રષ્ટિની સાથે સાથે માનવીય દ્રષ્ટિની પણ વિરુદ્ધ છે. ગ્લુ પેડના કારણે ઉંદરોને બિનજરૂરી વેદના વેઠવી પડે છે અને તેમનું મૃત્યુ પણ થાય છે. જેથી તેનું ઉત્પાદન અને વેચાણ બંધ થાય તે હેતુથી સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે તેવું મિતલ ખેતાણી (૯૮૨૪૨૨૧૯૯૯), પ્રતિક સંઘાણી(૯૯૯૮૦૩૦૩૯)ની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *