જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન શ્રી ઉમેશભાઈ મહેતા

છેલ્લા બે વર્ષથી કોરોના નામના જીવલેણ રોગે માણસને ઘણું શીખવ્યું છે. પહેલા ભવિષ્યનું પ્લાનિંગ કરતા લોકો વર્તમાનને અવનવી ઢબે જીવવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. “ કલ હો ના હો ” આ વાતને, વિચારને બધાએ પહેલા કરતા થોડું વધારે જ સીરીયસ લઈ લીધું છે. આવા સમયે જો વ્યક્તિ રીટાયર્ડ થતી હોય અને આવનારી તમામ પળો માત્ર એનાં પોતાનાં જ નામે થતી હોય એવા સમયે તે વ્યક્તિ સ્વને કેન્દ્રમાં ન રાખીને સમાજ માટે કશુંક વિચારે એ અદ્ભુત વાત છે. જીવનનો સૂરજ ડૂબવા આવ્યો હોય ત્યારે સોફા સેટ પર ગોઠવાઈને ટીવી જોવી, ઘરમાં બાળકોનાં કામોમાં દખલગીરી કરવી કે પછી પોતાનાં પૌત્ર પૌત્રીઓને રમાડવામાં કે ઓટલે બેસીને આખા ગામની વાર્તાઓ સાંભળવામાં રસ કેળવવાને બદલે સમાજ માટે લાભદાયી કાર્યો કરવાનો વિચાર ખુબ ઓછા લોકોમાં આવે છે. આવા જ એક ઘર દીવડા છે જન કલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન શ્રી ઉમેશભાઈ મહેતા.
ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ટ બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે. ધારોકે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થાય છે એ પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની આંખો થકી દુનિયાને જોઈ શકે છે. આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, પેન્ક્રીયાઝ વગેરે લઈ લેવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું રીપ્લેસમેન્ટ કરવામાં આવે છે. દેહદાનમાં વ્યક્તિનું સમગ્ર શરીર દાન કરી દેવામાં આવે છે. જે મેડીકલ કોલેજ, યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓને તેનાં પર રીસર્ચ કરી, ભણવામાં કામ લાગે છે.


જન કલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન શ્રી ઉમેશભાઈ મહેતા ૨૦૧૬થી ચક્ષુદાન, અંગદાન, દેહદાનનાં પ્રસારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેઓએ ૩૫ વર્ષ આકાશવાણીનાં સીનીયર એન્જિનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવી છે. ૨૦૧૯માં તેઓ રીટાયર્ડ થયા ત્યારબાદ તેઓ પોતાનો સમગ્ર દિવસ માત્ર આ જ પ્રવૃત્તિ માટે ફાળવે છે. દર અઠવાડિયે તેઓ રાજકોટનાં જુદા જુદા સ્થળોએ પોતાની ટીમ સાથે જન જાગૃતિ હેતુ સ્ટોલ લગાવે છે અને ત્યારે જ કોઈને ચક્ષુદાન, અંગદાન કે દેહદાનનું સંકલ્પ પત્ર ભરવું હોય તો ત્યારે જ તેમને સંકલ્પ પત્ર પણ આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે જે તે વ્યક્તિએ સંકલ્પ પત્ર ભર્યું હોય તેમનું મૃત્યુ નીપજે ત્યારે એ જાતે તેમનાં બેસણામાં જાય છે. પોતાની સાથે જે તે વ્યક્તિનાં શોક સંદેશ અને ચક્ષુદાન, અંગદાન કે દેહદાનનાં સર્ટીફીકેટ તેમનાં પરિવારને સોંપે છે ત્યારબાદ પાંચ મિનીટ ચક્ષુદાન, અંગદાન કે દેહદાન જાગૃતિ પર ચર્ચા કરી, ગાયત્રી મંત્ર અને મૃત્યુંજય મંત્રનાં જાપ કરાવે છે જેથી મૃતકનાં સગા વ્હાલા વ્યક્તિઓમાં પણ આ બાબતે જાગૃતિ આવે. ઉપરાંત ચક્ષુદાન જેવી જટિલ પ્રક્રિયાને માટે તેઓ ૨૪ કલાક પોતાનો મોબાઈલ ચાલુ જ રાખે છે અને આવા કિસ્સામાં રાતના સમયે ૧૧ થી ૫ ની વચ્ચે પણ તેઓએ ૧૫ ચક્ષુદાન સ્વીકાર્યા છે. ઘણા લોકો જન કલ્યાણ મંડળનું પોસ્ટર શબવાહિનીમાં જોઇને પણ તેમનો સંપર્ક કરે છે અને આ રીતે તેમણે ત્રણ ચક્ષુદાન સ્મશાનમાં પણ સ્વીકારેલા છે. ઉમેશભાઈ મહેતાએ સૌપ્રથમ જાતે ચક્ષુદાન, અંગદાન કે દેહદાનનાં સંકલ્પ પત્રો ભર્યા છે ત્યારબાદ તેમનાં પત્ની અને બાળકોએ પણ સંકલ્પ પત્રો ભર્યા છે અને આવી રીતે ૨૦૧૭થી લઈને આજ સુધી ૪૯૬ અંગદાનના, ૬૯૮ ચક્ષુદાનના, ૩૨૫ દેહદાનના સંકલ્પ પત્રો ભરાવવામાં તેઓ સહભાગી રહ્યા છે. આ પૈકી ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા 30 ચક્ષુદાન અને 6 દેહદાન જ્યારે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 123 ચક્ષુદાન અને 12 દેહદાન એટલે કે કુલ 153 ચક્ષુદાન અને 18 દેહદાન થયેલ છે.આ તમામ પ્રવૃત્તિમાં તેમને તેમના પરિવાર અને સમાજનો ખુબ સાથ સહકાર મળ્યો છે.


જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ સતત સમાજ સેવાની અવિરત પ્રવૃત્તિઓ જેવી કે ઝૂપડપટ્ટીનાં રહેવાસીઓને સ્લોપર વિતરણ, બસ સ્ટેન્ડ પર ફરતાં લોકોને છાશ વિતરણ, પદયાત્રી કેમ્પ, તહેવારોમાં ફરસાણ તથા મીઠાઈ વિતરણ, રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન અને દેહદાન અંગે જાગૃતિ ફેલાવવાનાં વિવિધ કાર્યક્રમો તેમજ તેના પ્રચાર પ્રસાર કેમ્પ વગેરે સાથે જોડાયેલું છે.

આ અંગે વિશેષ માહિતી હેતુ ઉમેશભાઈ આર. મેહતા( મો. 9428506011) પર સંપર્ક કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *