• ટ્રસ્ટ દ્વારા 15000 જેટલા અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે – ડૉ. નેહલ કારાવદરા
  • જીવદયા પર થયો અનોખો વાર્તાલાપ

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ’ –  પોરબંદરનાં ડૉ. નેહલ કારાવદરા સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબીનારમાં ડૉ. નેહલ કારવદરાએ ટ્રસ્ટની સ્થાપના, હેતુ અને કામગીરી વિષે વિવિધ માહિતી જણાવી હતી અને પોતાને પશુઓ પ્રત્યે પ્રેમ કઈ રીતે જાગ્યો તેની વાત કરી હતી. “એક કદમ માનવતા ભણી” અનુસાર માનવતા ત્યારે જ સાર્થક કહેવાય જયારે મનુષ્યની સાથે સાથે અન્ય સજીવો પણ એના પૂરા અધિકારથી જીવે. એના અધિકારો છીનવી ન લેવા,પરંતુ એનું રક્ષણ એ જ માનવ ધર્મ છે. ‘ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ’ – પોરબંદર આ જ સિદ્ધાંત સાથે જીવદયા ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. તેમના દ્વારા વન્યજીવ અને અબોલ પશુ –પક્ષીઓનાં  કલ્યાણ અર્થે વૈજ્ઞાનિક પદ્ધતિએ પ્રયાસો થઇ રહ્યા છે. તેમના દ્વારા બિમાર કે ઘાયલ પશુ-પક્ષીઓનાં રેસ્ક્યુ,સારવાર તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ટ્રસ્ટ સંચાલિત ‘ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલ્સ’ નામે એક વર્ચ્યુઅલ ગ્રુપ પણ કાર્યરત છે. જેમાં 500 ઉપરાંત સેવાભાવી સભ્યો સ્વૈચ્છિક રીતે મૂંગા જીવોની સારવાર-ભોજન માટે ખુબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.

ડૉ નેહલ કારાવદરા સરકારી શાળામાં વિજ્ઞાનનાં શિક્ષક છે. તેઓ છેલ્લા 12 વર્ષોથી જીવદયા ક્ષેત્રે વિવિધ કામગીરી કરી રહ્યા છે. બે વર્ષ પહેલા એમના ભાઈ ઉદય કારાવદરાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું અને પછી એમણે ‘ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેમના સેવા કાર્યની શરૂઆત ‘જેકી’ નામનાં એક કૂતરા થકી થઇ હતી. જેકી જ્યારે 15 દિવસનો હતો ત્યારે તે ખુબ જ બીમાર હતો અને તેની સારવાર પોરબંદરમાં ક્યાંય શક્ય થતી નહતી. નેહલજી અને તેમના મિત્રોએ ઘણા પ્રયાસો કરીને જેકીને બચાવ્યો અને અત્યારે એ 12 વર્ષનો થયો છે. એ સમય બાદ તેઓ વિવિધ પશુ, પક્ષીઓની સારવાર કરતા ગયા અને પોતાનું કાર્ય આગળ વધારતા ગયા. પોરબંદર જીલ્લામાં કે આસપાસનાં વિસ્તારમાં ક્યાંય પણ કોઈ પશુ -પક્ષી બિમાર કે ઘાયલ હોય તો ત્યાં સ્થળ ઉપર જઈને તેના બચાવ અને સારવારની કામગીરી કરવામાં આવે છે. સ્થાનિક પશુ ચિકિત્સકની મદદ અને માર્ગદર્શન લઇ પ્રાથમિક સારવાર બાદ જો વિશેષ સારવારની જરૂર જણાય તો જે તે પશુને શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે, જ્યાં તાલીમબદ્ધ સેવકો અને સરકારી અથવા ખાનગી પશુ ચિકિત્સકોની મદદથી તેમના ઓપરેશન સહિતની કામગીરી કરવામાં આવે છે ત્યાર બાદ સ્વસ્થ થઇ જતાં તેઓને મૂળ જગ્યા એ પુનઃ સ્થાપિત કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ટ્રસ્ટનાં શેલ્ટરમાં 70 થી વધુ કૂતરા, 20 થી વધુ બિલાડીઓ અને 80 થી વધુ પક્ષીઓ રહે છે.

ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં તથા ચોમાસા દરમિયાન દરરોજ લગભગ એક હજારથી વધુ અબોલ જીવો માટે લોક સહયોગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પશુધનમાં જયારે લમ્પી રોગ ફેલાયો હતો તે સમયમાં 550 લમ્પીગ્રસ્ત ગૌધનની સારવાર કરવામાં આવી હતી. અત્યાર સુધી ટ્રસ્ટ દ્વારા 15000 જેટલા અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે. ડૉ. નેહલ કારાવદરા એ પોરબંદર અને તેની આસપાસનાં વિસ્તારોમાં ઘણા લોકો ટ્રસ્ટને મદદરૂપ થઇ રહ્યા છે તેમનો આભાર માન્યો હતો. જે કોઈ વ્યક્તિ તન, મન, ધનથી ‘ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ’ સાથે જોડાવા માંગતા હોય તેઓને ડૉ. નેહલ કારાવદરા (મો. 98259 19191) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.   

  • ટ્રસ્ટ દ્વારા 15000 જેટલા અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે – ડૉ. નેહલ કારાવદરા
  • જીવદયા પર થયો અનોખો વાર્તાલાપ

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *