કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા વિસર્જન નહિ નવસર્જન – ગરબાને ચકલીનાં માળા બનાવવા માટેનાં વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં કરુણા – ચંદ્ર – અશોક – સોમ સંસ્થા, સુરતનાં ધરણેન્દ્ર પી. સંઘવી, પ્રકૃતિ ધ યુથ સોસાયટી, પોરબંદરનાં ડૉ. નૂતન ગોકાણી, લાભુભાઈ ત્રિવેદી કોલેજનાં પ્રિન્સિપલ ડૉ. ભરત એમ. રામાણી અને કોલજનાં પ્રોફેસર કુશલ વાળા અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં રમેશભાઈ ઠક્કર જોડાયા હતા. આ વેબિનારમાં ગરબાને વિસર્જન કરવાને બદલે ચકલીનાં માળા બનાવી તેનું નવસર્જન કરીને ઘરે મૂકી શકાય તે વિષય પર મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. આ માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે. એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો બનાવી ખુદ ચકલી માતાજી(ઉડતાં ભગવાન)ને આપણા ઘરમાં જ તેમનુ ઘર આપીએ તો ખૂબ સારૂ પર્યાવરણ અને જીવદયાનું કાર્ય થઈ શકે. નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં કરીએ છીએ તે ગરબાને દસમે દિવસે મંદીરમાં મૂકવા જવાની પૌરાણીક શ્રદ્ધા છે. તેવા સમયે ગરબાની ગરીમા અને પવિત્રતા સાથે ચકલીનાં માળા માટે મૂકવામાં આવે તો ચકલી પણ સુરક્ષિત ઘર મેળવી શકે. ઘર એક મંદિર છે તો ગરબો મંદિરે મૂકવાને બદલે ચકલીનુ ઘર બનાવીએ. ગરબાની બાંધણી પક્ષીના માળા માટે ઉપયોગી છે. જૂના જમાનાનાં મકાન હવે નહિ રહેતા ચકલીને માળો બનાવવો મુશ્કેલ છે, તેવા સમયે ગરબાને છતમા ટિંગાડવામાં આવે તો તેનો ઉપયોગ ચકલી ઉછેર માટે આશીર્વાદરૂપ બનશે અને ગરબાની ગરીમાં પણ જળવાઈ રહેશે. ચકલી પોતાનો માળો જાતે બનાવી શકતી નથી અને દિન-પ્રતિદિન વધતા જતા પ્રદુષણયુકત વાતાવરણમાં આમતેમ વલખા મારી પોતાનો જીવ ગુમાવી બેસતી હોઈ છે, ત્યારે આવા અબોલ જીવની સુરક્ષા અને તેઓને સારો આવાસ આપવાનાં હેતું  ગરબાનો સદુપયોગ તે ખૂબ મોટુ સત્કાર્ય થશે. આ વિષે જાગૃતિ લાવવાનાં હેતુથી જ આ આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેબીનારમાં પ્રકૃતિ ધ યુથ સોસાયટી, પોરબંદરનાં ડૉ. નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે જીવને સાચવવા એ તો મનુષ્યની નૈતિક જવાબદારી છે. માટીનાં ગરબા એ ચકલીઓ માટે ઓર્ગેનિક થઇ રહે છે, કારણ કે તે ઠંડા હોવાથી ચકલીઓ તેમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે મોટા ગરબા હોય તો તેમાં પોપટ, મેના જેવા મોટા પક્ષીઓ પણ રહી શકે છે. ગરબામાં નીચે કાણું(હોલ) હોય છે જેથી ચકલીનાં બચ્ચાઓ પણ સુરક્ષિત રહે છે. ગરબામાં ઢાંકણું પણ હોય છે માટે તેમાં ચકલીઓ માટે ચણ પણ મુકવામાં આવે છે. લાભુભાઈ ત્રિવેદી કોલેજનાં પ્રિન્સિપલ ડૉ. ભરત એમ. રામાણી એ જાણાવ્યું હતું કે ચકલીઓ સમગ્ર ઇકો સીસ્ટમમાં ખુબ જ મહતવની છે. જો આપણે પશુ, પંખીઓને બચાવીશું તો એ પણ આપણી રક્ષા કરશે. રામાણીજી પોતાની સમગ્ર કોલેજ અને વિદ્યાર્થીઓની ટીમ સાથે ગરબાને ચકલીનાં માળા બનાવવાની પહેલને આગળ વધારી રહ્યા છે. ગયા વર્ષે જ તેમની ટીમે ગરબામાંથી 10 હજાર જેટલા ચકલીનાં માળા બનાવડાવ્યા હતા તેમજ સાયક્લોન ઈફેક્ટેડ વિસ્તારોમાં સાઈકલોનને કારણે ચકલીઓ લુપ્ત થઇ રહી હતી તેથી ઘરે ઘરે જઈને ગરબાનાં માળા લટકાવ્યા હતા. ‘સેવ બર્ડ્સ એન્ડ સેવ એન્વાયર્મેન્ટ’નાં સંકલ્પ સાથે તે પોતાની સમગ્ર ટીમ સાથે સતત કાર્યરત રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમની જ કોલેજનાં પ્રોફેસર કુશલ વાળા એ જ તેમની સમક્ષ આ નવો વિચાર મુક્યો હતો. કુશલ વાળા એ પોતાને આવો વિચાર કેવી રીતે આવ્યો તે વિશેની વાત કરી હતી. તેમણે સૌપ્રથમ 2017 માં 6 ગરબામાંથી હાથેથી કાંણા પાડીને ચકલીનાં માળા બનાવ્યા હતા ત્યારબાદ તેમણે 26 વિદ્યાર્થીઓ સાથે મળીને 501 ગરબામાંથી માળા બનાવ્યા. એ પછી 2018માં રાજકોટ મહાનગર પાલિકા , બોલબાલા ટ્રસ્ટ, શ્રીજી ગૌશાળા અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને ચેનલ મેનેજમેન્ટ થકી રાજકોટથી ઊના સુધી 1600 જેટલા ગરબાનાં માળનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચકલી એ નાના જીવો એટલે કે ઝેરી મચ્છર, ઈયળને ખાય છે એટલે ઇકો સીસ્ટમનું બેલેન્સ જળવાય રહે છે. કરુણા – ચંદ્ર – અશોક – સોમ સંસ્થા, સુરતનાં ધરણેન્દ્ર પી. સંઘવીએ જણાવ્યું હતું કે એમણે એક વખત રસ્તામાં એક નિ:સહાય ચકલીને જોઈ હતી જેને એક અન્ય પશુ પોતાનો આહાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું પણ એ ચકલી રોડની સાઈડમાં પડેલા એક ગરબાની માટલીમાં જતી રહી અને એ પછી કુતરા કે બિલાડી પણ ત્યાં આવ્યા તો તેને નુકસાન કરી શક્યા નહીં. તેમણે આ ઘટનાને એક કુદરતી વ્યવસ્થા તરીકે લીધું અને તેમણે ઘણી મહેનત કરીને ગરબામાંથી ચકલીનાં માળા બનાવ્યા એ પછી તેમણે આ પહેલ સતત શરુ રાખી. તેમનું કહેવું છે કે, ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારની સાથે હંમેશા પર્યાવરણને પણ સાથે રાખવું જોઈએ. આપણે વિકાસને વિનાશનાં માર્ગે ન લઇ જવું જોઈએ. વર્તમાન સમયમાં તેમના દ્વારા આ વર્ષે ગરબામાંથી માળા બનાવવાનું અભિયાન શરુ કરી દેવાયુ છે. જેલમાં કેદીઓ પણ ગરબાનાં માળાઓ મુકે છે જેથી ત્યાનું વાતાવરણ પણ પવિત્ર થાય. તેમના પ્રયાસો થકી આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા આઠથી નવ હજાર ગરબાનું માળા બનાવવા માટે એકત્રીકરણ કરવામાં આવશે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આપણે હંમેશા પ્રકૃતિને સાથે રાખીને ચાલવું જોઈએ. ‘રામ કી ચીડિયા રામ કા ખેત ; ખાઓ ચીડિયા ભર ભર પેટ’ સિદ્ધાંત સાથે ફક્ત ચકલીઓ માટેનાં ઘરનું જ નહિ પરંતુ તેમનાં માટે ચણ અને પાણીની વ્યવસ્થા પણ કરવી જોઈએ. વર્તમાન સમયમાં ડીજીટલ તરંગોને કારણે ચકલીને ખુબ જ નુકસાન થઈ રહ્યું છે ત્યારે ચકલીની રક્ષા કરવી ખુબ જ આવશ્યક છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દર વર્ષે 3 લાખથી વધુ માળાનું વિતરણ કરે છે. તેમના સંસ્થા વતી સર્વે મહેમાનો અને દર્શક મિત્રોનો  આભાર પણ માન્યો હતો.   આ વેબીનારનું જીવંત પ્રસારણ સમગ્ર વિશ્વના હજારો લોકોએ ફેસબુક પર નિહાળ્યું હતું.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *