પ્રધાનમંત્રી કાર્યાલયમાં આ અંગે ફરિયાદ કરાઇ તેમજ આ અંગે આરટીઆઇ પણ કરવામાં આવી.
ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થતાં કાર્યક્રમ પર નિયમન આવ્યું હોવા છતાં હજુ ગંદી ગાળો,અશ્લીલતા અને વ્યભિચાર, માંસ મટન આરોગતા દ્રશ્યો, સુરુચિ ભંગ થાય તેવા દ્રશ્યો, સનાતન સંસ્કૃતિ વિરુદ્ધના દ્રશ્યો વિ. સતત દર્શાવવાંમાં આવે છે. આ મુદ્દો ધ્યાનમાં આવતા યુવા સેવાભાવી અગ્રણી મિતલ ખેતાણી દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરાઇ તેમજ આ અંગે આરટીઆઇ પણ કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસાર થતાં અમુક કાર્યક્રમો માતા-પુત્ર, સસરા-વહુ, દિયર-ભાભી, શિક્ષક-વિદ્યાર્થીના પવિત્ર સંબંધને વ્યભિચારના સ્વરૂપે દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. આ ઉપરાંત આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિના માનસ પર વિકૃત અસર થાય છે. ઓટીટી પર પ્રસારિત થતાં કાર્યક્રમની નવી ગાઈડલાઇનમાં ગંદી ગાળો અને અશ્લીલતાઓને શબ્દશઃ મંજૂરી આપવામાં આવી છે,જે ચિંતાનો વિષય છે. ઓટીટીનાં કારણોસર દેશમાં હિંસા, વ્યભિચાર, નારી હિંસા, ઘરેલુ હિંસા, યૌન શોષણ, તલાક જેવા કિસ્સાઓમાં વધારો થયો છે. જ્યાં નારીને પૂજવાની વાત કરવામાં આવે છે ત્યાં વ્યભિચાર દર્શાવીને તેનું ઓટીટી દ્વારા અપમાન કરવામાં આવે છે. જે રેગ્યુલેશન ટીવી ચેનલો પર લાગુ પડે છે તે જ ‘કોડ ઑફ એથિક્સ’નાં સ્વરૂપમાં જનરલ પ્રિન્સિપલ તરીકે ઓટીટી પ્લેટફોર્મ પર લાગુ પાડવાનું અનુરોધ કરવામાં આવ્યો છે. ટીવી ચેનલ માટે ‘કેબલ ટેલિવિઝન નેટવર્ક,૧૯૯૫ની ધારા ૬માં તેમને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનાં નિયમોમાં ઓટીટીને લગતી ગાઈડલાઇન અને નિયમોને સમાવિષ્ટ કરવા અનુરોધ કરાયો છે. ઓટીટી પ્લેટફોર્મ પરથી અશ્લીલતા અને નગ્નતાને દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે આ અંગે નજીકના સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો જાહેર હિતની અરજી કરીને કાનૂની લડત પણ આપવામાં આવશે તેવું મિતલ ખેતાણી (મો. 9824221999)ની યાદીમાં જણાવાયું છે.

