કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા ‘સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ માટે નાણાકીય અનુપાલન’ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં સેવાકીય સંસ્થાઓને ઇન્કમ ટેક્સનાં કાયદાઓ જેવા કે 80G, કોર્પોરેટ – સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) વગેરે જેવા કાયદાઓ તેમજ અન્ય કાયદાઓ અને નિયમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ વેબીનારમાં મુંબઈથી CA હસમુખભાઈ જોબનપુત્રા મુખ્ય વક્તાની ભૂમિકા ભજવી. હસમુખભાઈ જોબનપુત્રાએ વિવિધ સેવા કાર્યો કરવા માટે ટ્રસ્ટનાં નિર્માણ અંગેનું વિવિધ માર્ગદર્શન આપ્યું. ઘણી વખત સંસ્થાઓમાં પ્રોફેશનલ એપ્રોચ અને એક્સપર્ટીઝની કમી હોય છે તેના કારણે ટ્રસ્ટ કાયદાકીય રીતે કાર્ય કરવાનું ચુકી જતું હોય છે અને પછીથી તેને પેનલ્ટી ભરવી પડે છે. જ્યારે સંસ્થામાં દાન આવે છે ત્યારે સંસ્થાની પોતાની જવાબદારી બને છે કાયદેસર રીતે જે રૂપિયા સેવામાં વાપરી શકાતા હોય એટલા જ્યુડીશલી વાપરવા. ઘણી વખતે જાણકારીનાં અભાવે કે પછી કાયદાકીય નીતિ – નિયમો ધ્યાનમાં ન લેતા દાનની રકમ સેવા કાર્યો માટે વાપરી નાખવામાં આવે છે અને પછી સંસ્થાને પેનલ્ટીનો ભોગ બનવું પડે છે. સૌ પ્રથમ ટ્રસ્ટ બનાવવા ઈચ્છતી સંસ્થાઓને ટ્રસ્ટડીડ બનાવવું પડે છે જેમાં સંસ્થા શું અને કેવું કાર્ય કરવા માંગે છે તે અંગેની વિગતો દર્શાવવામાં આવે છે. જેમાં પ્રોપર્ટી, ઓબ્જેક્ટસ અને ટ્રસ્ટીઓનાં નામની યાદીઓ લખવામાં આવે છે. તે બનાવ્યા પછી 90 દિવસમાં ચેરીટી કમિશ્નર પાસે રજીસ્ટ્રેશન કરવાનું રહે છે પછી તેમની ઇન્ક્વાયરી થાય છે. જેમાં એમનો મુખ્ય ઉદેશ જે તે ટ્રસ્ટનો સેવાકીય હેતુ જાણવાનો હોય છે. એ પછી ટ્રસ્ટ રજીસ્ટર પબ્લિક ટ્રસ્ટ બને છે પછી જ એનું બેંક એકાઉન્ટ ખુલે છે. સંસ્થાઓ માટે પોતાના કાર્યોનાં પ્રૂફ રાખવા સૌથી મહત્વનું છે. જયારે સંસ્થાઓને પૈસે કોઈ પાસેથી ઉધાર લેવા હોય તો ચેરીટી કમિશ્નરની પરમીશનથી જ લઇ શકાય છે. રજીસ્ટ્રેશન પછી સંસ્થામાં કોઈ ફેરફાર થાય છે તો તેને 90 દિવસમાં ‘ચેન્જ રીપોર્ટ’ તરીકે રજીસ્ટર કરાવવું જરૂરી છે. ટ્રસ્ટનાં સંપૂર્ણ એકાઉન્ટ્સ મેઇન્ટેન કરવા પડે છે અને દરેક ટ્રસ્ટે કાયમ એપ્રિલથી માર્ચનું જ ફાયનાન્સીયલ વર્ષ રાખવું પડે છે. વર્ષની શરૂઆત પહેલા જ 28 ફેબ્રુઆરીની પહેલા બજેટ ફાઈલ કરવું પડે છે. ડોનરને ટેક્સ એક્સેપ્શન મળે માટે 80g ફાઈલ કરવું જોઈએ. ટ્રસ્ટને એક Pan અને Tan નંબર ફરજીયાત લેવું પડે છે. દરેક ટ્રસ્ટને એકાઉન્ટ ઓડીટ કરાવવું જોઈએ. જ્યારે કોઈ મોટું દાન આવે છે અને તેને જે – તે સમય વાપરવાને બદલે ભવિષ્ય પર વાપરવાનું મુલતવી રખાય છે ત્યારે ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટને તેની જાણકારી આપવી જરૂરી બને છે. પ્રોપર ટેક્સ પ્લાનિંગ માટે ચેરીટેબલ ટ્રસ્ટ માટે કેટલા એક્ઝમશન્સ મળે છે તો તેની સંપૂર્ણ જાણકારી મેળવવી જોઈએ. સંસ્થાઓએ 10 હજારથી વધુ રોકડ રકમ ન ચૂકવવી જોઈએ અને ચેકથી પેમેન્ટ કરવું જોઈ આવી જ રીતે એમણે 2 લાખથી વધુ કેશ ડોનેશન ન સ્વીકારવું જોઈએ. આવા અનેક નીતિ – નિયમોનું પાલન કરવું જોઈએ. આવી બાબતો હસમુખભાઈ જોબનપુત્રા દ્વારા સમજાવવામાં આવી. આ વેબીનારનું સંચાલન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી અને સદભાવના વૃદ્ધાશ્રમનાં ટ્રસ્ટી ધીરેન્દ્ર કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું. વેબિનાર એનીમલ હેલ્પલાઈનનાં ફેસબુક પર લાઈવ કરવામાં આવ્યો હતો જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા ‘સેવાકીય સંસ્થાઓ, એન.જી.ઓ માટે નાણાકીય અનુપાલન’ વિષય પર વેબિનાર યોજાયો
