- સાધારણ સ્થિતિનાં પરિવારનું ખૂબ જ મોટું અનુદાન
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 450 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 170 વડીલો તો પથારીવશ (ડાઇપર વાળા) છે.
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમમમાં ખુશાલ અશોકભાઇ સિતાપરા દ્વારા પોતાના તેરમાં જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમના વડીલો સાથે સેવામય ઉજવણી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ખુશાલ અશોકભાઇ સિતાપરાનાં માતા રેખાબેન અશોકભાઇ સિતાપરા અન્યોનાં ઘરે ઘરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આમ છતાં પોતાની આવકનો મોટો હિસ્સો પોતાના બાળકનાં જન્મદિવસ નિમિતે સદભાવના વૃદ્ધાશ્રમમાં આપીને સેવામય ઉજવણી કરી હતી. જે સમાજના દરેક વ્યક્તિને સેવા અને સત્કાર્યનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે ખુશાલએ પોતાના જન્મદિવસે વડીલો સાથે સમય પસાર કરીને ઉજવ્યો હતો અને દરેક વર્ષે આ જ રીતે સેવામય ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો હતો.
