ગુજરાતના ગામડાઓમાં બિનવારસુ પશુઓની સંખ્યા વધુ છે, તદઉપરાંત પશુ દવાખાનાનો તબીબી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારોમાં પશુ કેશ હેન્ડલ કરવામાં દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોય. જેથી ગુજરાતનાં તાલુકાનાં બાકી રહેતા દરેક ૧૦ ગામો દીઠ ૧૯૬૨ પશુ દવાખાનું (એમ્બ્યુલન્સ) તાત્કાલીક શરૂ થાય અને સ્થળ પર બિનવારસુ પશુને સારવાર મળે તેવી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઇન્ડીયાનાં મિતલ ખેતાણી દ્વારા ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ પ્રકારની એનીમલ એમ્બ્યુલન્સ ન હોવાના કારણે અકસ્માતમાં ઘવાયેલા, બિમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ, નિઃશુલ્ક સારવાર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને સારવારનાં અભાવે હજજારો પશુઓ મૃત્યુને ભેટે છે.
તે જ રીતે ગુજરાતનાં ધાર્મિક સ્થળો યાત્રાધામો જેવા કે પાલીતાણા, ગીર–સોમનાથ, દ્વારકા, ચોટીલા, બહુચરાજી, મહુડી, અંબાજી, પાવાગઢ, ડાકોર, સાળંગપુર, બગદાણા, વિરપુર, શામળાજી, દ્વારકા, રતનપર, ઘેલા સોમનાથ, (જિ. રાજકોટ), માટેલ, જુનાગઢ ગીરનાર ક્ષેત્ર વિગેરે ધાર્મિક સ્થળોમાં દર વર્ષે લાખો યાત્રીકો દર્શનાર્થે આવતા હોય છે, આ વિસ્તારોમાં પશુ-પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વિસ્તારોમાં ઘવાયેલા, બિમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ, નિઃશુલ્ક સારવાર માટે કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ (સંપર્ક : ટોલ ફ્રી નંબર ૧૯૬૨) ની પ્રશંસનીય સેવા જયાં બાકી હોય ત્યાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાય તેવી રજુઆત કરાઈ છે.
રાજયના ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં અત્યારે આ સેવાઓ સવારથી સાંજ સુધી કાર્યરત હોય છે. આ પ્રકારની સેવાઓ ખાસ કરીને મહાનગરોમાં ૨૪ કલાક ચાલુ રહે તો બાકીના સમયમાં પણ અબોલ જીવોને સારવાર અને સારવાર થકી જીવતદાનનો લાભ મળી શકે. રાજયના ૪ મહાનગરોમાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ (૧૯૬૨)ની સેવાઓ ૨૪ કલાક, પુરતા સ્ટાફ સાથે તાત્કાલીક શરૂ કરાવવા ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી દ્વારા ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજુઆત કરાઈ છે.