• હોળી રમવા માટે ગાયના ગોબરથી બનેલા રંગોનો ઉપયોગ કરીને કેમિકલ યુક્ત રંગથી થતા ચામડીના રોગોથી બચો

હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર પ્રાણી માનવામાં આવ્યું છે. ગાયનાં છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આજે પણ ભારતનાં ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયનાં સુકા છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તદુપરાંત ગાયનાં છાણથી ધૂળેટીમાં વપરાતા રંગો પણ બનાવી શકાય છે આ રંગો કેમિકલથી મુક્ત હોય છે. સામાન્ય રીતે ધૂળેટીનાં તહેવારમાં જાતજાતના કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોય છે આ પ્રકારના રંગો શરીર તથા ચામડીને તો નુકસાનકારક છે જ સાથે સાથે તેનાથી વાતાવરણ પણ પ્રદુષિત થાય છે, વળી કેમિકલયુક્ત રંગોથી કુદરતી વસાહતો તેમજ પાણીનો પણ બગાડ થાય છે આવું રસાયણોયુક્ત પાણી જમીનમાં ભળવાથી જળસ્ત્રોતો પર પણ હાનિકારક અસરો પેદા થતી હોય છે. કેમિકલયુક્ત રંગોમાં જુદા જુદા હાનિકારક પદાર્થો હોય છે. લાલ રંગમાંનો મરકયુરિ સલ્ફેટ ત્વચાનું કેન્સર, સિલ્વર કલરમાં એલ્યુમિનિયમ બ્રોમાઈડ કેન્સરજન્ય અને કાળા રંગમાં લેડ ઓકસાઈડ આંખોને નુકસાન પહોંચાડે છે. આવા રંગોનાં બદલે જો ગાયનાં છાણથી બનેલા રંગોનો ઉપયોગ કરવામાં આવશે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નીવડશે. ગાયનાં ગોબરથી બનેલા ગોમય રંગોને ઘરે પણ બનાવી શકાય છે આ માટે સૌ પ્રથમ ગાયનું સુકું ગોબર લઈ, બારીક ચારણીથી ચારી નાખો ત્યારબાદ તેમાં લીક્વીડ ફોર્મમાં ઉપલબ્ધ ફૂડ/ખાદ્ય કલર ઉમેરો અને ગોબરને બંને હાથેથી મસળી મિકસ કરો ત્યારબાદ તેમાં મનગમતા સુગંધિત દ્રવ્યો જેમ કે ચંદન, સુખડ જેવા પદાર્થો ઉમેરી કલરને તૈયાર કરી શકાય છે. જો ફૂડ કલરનો ઉપયોગ ન કરવો હોય તો જુદા જુદા રંગો બનાવવા માટે જુદી જુદી વસ્તુઓ પણ વાપરી શકાય છે જેમકે, પીળો રંગ બનાવવા માટે ગાયના છાણમાં હળદર ઉમેરી શકાય, કેસરી રંગ માટે કેસુડાંનાં ફૂલો નો ઉપયોગ કરી શકાય જે શરીર માટે ફાયદાકારક છે, ગુલાબી રંગ માટે ગુલાબની પાંદડીઓ જેનાથી સૌમ્યતા અને સુગંધ પણ મળી શકે છે તેમજ લાલ રંગ માટે બીટરુંટને ક્રશ કરીને ઉમેરી શકાય. આ દરેક સામગ્રી પ્રકૃતિ તેમજ માનવ સ્વાસ્થ્ય ને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતી નથી તેમજ નાના ભુલકાઓ અને પરિવાર સાથે ધૂળેટી રમવાનો અનેરો આનંદ માણી શકાય છે. આ રીતે પ્રકૃતિ સંરક્ષણ અને ગાય માતાની મહિમાનું પણ ઉદ્ગમ થાય છે. સૌને ગૌમય રંગથી હોળી રમીને પર્યાવરણ બચાવવા માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ,ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતા સહિતનાઓએ અપીલ કરી છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *