ગાય ભારતની સંસ્કૃતિ છે. તેની રક્ષા કરવી દરેક નાગરિકનો ધર્મ છે. ગાયની હત્યા અથવા તેને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવું એ દંડનીય અપરાધ છે. ઉપરાંત ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાનૂની ગૌહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવે છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને સમગ્ર ભારતમાં ગૌ હત્યા અટકાવવા એનિમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી દ્વારા ભારત દેશના દરેક સાંસદોને પત્ર લખીને ગૌ હત્યા પ્રતિબંધના કાયદાને કડક બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ પત્રમાં મિતલ ખેતાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગૌ રક્ષા એ હિન્દુઓનો મૌલિક અધિકાર છે અને દરેક નાગરિકની ફરજ છે કે તે ગાયોનું રક્ષણ અને તેનું સમ્માન કરે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય શાસ્ત્રો, પુરાણો, ધર્મગ્રંથોમાં પણ ગાયનું મહત્વ વિસ્તારથી દર્શાવાયું છે. વિભિન્ન ધર્મો, શાશકો તેમજ નેતાઓ દ્વારા ગૌ રક્ષાની વાત કરવામાં આવી હતી. ભૂતકાળમાં પણ ઘણા મુસ્લિમ શાશકો દ્વારા ગૌ હત્યા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. જેથી ગાયને કોઈ ધર્મ સાથે ન જોડવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતના સવિધાનનાં અનુચ્છેદ ૪૮ માં ગાયનું સવર્ધન અને સંરક્ષણ અંગે જણાવાયું છે.ભારત દેશના ૨૯ રાજયોમાંથી ૨૪ રાજ્યોમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે છતાં ગૌ હત્યાના કિસ્સાઓમાં કોઈ ઘટાડો નોંધાયેલ નથી. હાલમાં જ અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે, જેને ટાંકીને આ પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે, સવિધાનનાં અનુચ્છેદ ૪૮ અને ૫૧(એ) અંતર્ગત ગાયોને વિવિધ અસ્તિત્વ અને સંરક્ષણના હેતુથી સરકાર ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે. આ હેતુથી ભારત દેશના તમામ સાંસદોને આ પત્ર દ્વારા ગાયના રક્ષણ અને સવર્ધનનો મુદ્દો પાર્લામેન્ટમાં લાવવા અનુરોધ મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯) દ્વારા કરાયો છે.
