
- અલાહાબાદ હાઇકોર્ટનાં ઐતિહાસિક નિર્ણયમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના સૂચન પર દેશભરમાં આનંદ.
વર્ષ 2019ની શરૂઆતમાં તત્કાલીન નાણામંત્રી પીયૂષ ગોયલજીએ બજેટ રજૂ કરતી વખતે ગાયો માટે અલગ કમિશન બનાવવાની વાત કરી હતી. તે સમયે તેમણે એવું પણ જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય કામધેનુ યોજના શરૂ કરશે અને ગાય માતા માટે અમારી સરકાર ક્યારેય પીછેહઠ નહિ કરે. સરકાર ગાયો માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરશે, જેના માટે રૂ.750 કરોડનું બજેટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો આપણે ગૌવંશનાં સંરક્ષણ અને સંવર્ધનની મહત્ત્વની ભલામણોનું મૂલ્યાંકન કરીશું, તો આપણને એ જાણવા મળશે કે પશુઓ પરના રાષ્ટ્રીય આયોગે પણ ગાયને વિશેષ સંરક્ષણનો દરજ્જો આપવાનો અનુરોધ કર્યો છે.
આ ઘટનાક્રમમાં સૌ પ્રથમ રાજસ્થાન હાઇકોર્ટે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાનું સૂચન કર્યું હતું અને તેના અનુસંધાનમાં, અલાહાબાદ હાઈકોર્ટે હવે તેનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. આ ઐતિહાસિક નિર્ણયથી આજે દેશનાં ખૂણે ખૂણામાં રહેતા લોકોનાં મનમાં ખુશી છવાઈ ગઈ છે. આથી તે ખૂબ મહત્વનું છે કે કેન્દ્ર સરકાર હવે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરે. હું આ બાબતને હું ભારતીય પશુ કલ્યાણ બોર્ડમાં રજૂ કરીશ બોર્ડને કહીશ કે તે સરકાર પાસેથી આની માગ કરે.
અલાહાબાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સૂચવ્યું કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે માન્યતા આપવી જોઈએ. આ આદેશ ન્યાયમૂર્તિ શેખર કુમાર યાદવે સુનાવણી કરીને જાવેદની જામીન નામંજૂર કરતી વખતે આપ્યો છે. અરજી પર સરકારી એડવોકેટ એસ કે પાલ, એજીએ મિથિલેશ કુમારે વિરોધ કર્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું કે, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ અને ગૌરક્ષણને હિન્દુઓનો મૂળભૂત અધિકાર આપવો જોઈએ. અલાહાબાદ હાઈકોર્ટે પૂછ્યું કે શું રાજ્ય સરકાર મદ્રેસાઓ જેવી ધાર્મિક સંસ્થાઓને ભંડોળ પૂરું પાડી શકે? કોર્ટે એમ પણ કહ્યું કે ગાયનું સન્માન અને રક્ષણ કરવું એ દરેક દેશવાસીની ફરજ છે. આ પહેલા રાજસ્થાન હાઈકોર્ટે પણ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનું સૂચન કરેલું છે. રાજસ્થાન હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે જરૂરી પગલાં લે. કોર્ટે કહ્યું હતું કે ગૌરક્ષાનું કામ માત્ર એક જ ધર્મ કે સંપ્રદાયનું નથી. ગાય ભારતની સંસ્કૃતિ છે અને તેને બચાવવાની જવાબદારી દેશના દરેક નાગરિકની છે. આમાં ધર્મ ક્યાંય આડે નથી આવતો, દરેક ધર્મનાં વ્યક્તિએ ગાયનું રક્ષણ કરવું જોઈએ. આ સાથે કોટે કહ્યું કે ગાયને નુકસાન કરનાર કે હત્યા કરનારને દંડ કરવો જરૂરી છે. આવું કામ કરનારા માત્ર એક ખાસ વર્ગની જ નહિ પણ આખા દેશની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે ગાયનું આપણા દેશમાં ઘણું મહત્ત્વ છે. આવી સ્થિતિમાં જ્યારે ગાયનું કલ્યાણ થશે ત્યારે જ દેશનું કલ્યાણ થશે. ગાયને કોઈ ખાસ ધર્મ કે જાતિ સાથે જોડીને નહિ જોવું જોઈએ. તેને દેશની સંસ્કૃતિ તરીકે જોવી જોઈએ અને તેનું રક્ષણ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. કેન્દ્ર સરકારે આ અંગે કાયદો બનાવવો જોઈએ અને તેનું કડકાઈથી પાલન થાય તે જોવું જોઈએ.
ભારતીય શાસ્ત્રો, પુરાણો અને ધર્મગ્રંથોમાં ગાયનાં મહત્ત્વ પર પ્રકાશ ફેંકતા કોર્ટે કહ્યું કે ભારતમાં વિવિધ ધર્મોના નેતાઓ અને શાસકોએ હંમેશા ગૌરક્ષાની વાત કરી છે. ભારતનાં બંધારણનાં અનુચ્છેદ 48માં પણ જણાવ્યું છે કે ગાયની જાતિનું રક્ષણ કરવામાં આવશે અને દુધાળા તથા ભૂખ્યા પશુઓ સહિત ગૌહત્યા પર મનાઈ ફરમાવાશે. ભારતનાં 29માંથી 24 રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે. અદાલતે જણાવ્યું હતું કે ગાયનું રક્ષણ, સંવર્ધનનું કામ માત્ર કોઈ એક મત, ધર્મ કે સંપ્રદાયનું નથી, પરંતુ ગાય ભારતની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિને બચાવવાનું કાર્ય દેશમાં રહેતા દરેક નાગરિકનું છે, તેની જવાબદારી છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનું પાલન કરતો હોય. કોર્ટે કહ્યું કે આપણી સામે એવા ઘણાં ઉદાહરણો છે, જ્યારે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ, ત્યારે વિદેશીઓએ આપણા પર હુમલો કર્યો છે અને આપણને ગુલામ બનાવ્યા છે. આજે પણ, આપણે જો ચેતીશું નહિ, તો આપણે અફઘાનિસ્તાન પર નિરંકુશ તાલિબાનીઓના આક્રમણ અને કબજાને આપણે ભૂલવું નહિ જોઈએ.
રાજસ્થાન હાઇકોર્ટે કહ્યું છે કે ગાય અને વાછરડા જીવંત અને નિર્દોષ પશુ છે અને હિન્દુઓની ગાયમાં ઊંડી શ્રદ્ધા છે. હિન્દુ રાષ્ટ્ર નેપાળે પણ તેના નવા બંધારણમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરી છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં, કૃષિ અને પશુપાલન એ આજીવિકાનું મુખ્ય સાધન છે. તેથી બંધારણનાં અનુચ્છેદ 48 અને 51 A(g) હેઠળ, સરકાર ગાયનાં રક્ષણ અને કાનૂની અસ્તિત્વ આપવા અને રક્ષણ માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરે તેવી અપેક્ષા છે. આજે એ ક્ષણ આવી ગઈ છે જ્યારે કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જો આ બાબતને સંસદમાં લઈ જઈને સર્વસંમતિ મેળવવાની હોય તો પણ સરકારે તેમાં પીછેહઠ નહિ કરવી જોઈએ. હું આ બાબતે ભારતીય પશુ કલ્યાણ બોર્ડની બેઠકમાં બોર્ડને વિનંતી કરીશ કે તે સરકારને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ભલામણ કરે.

ગિરીશ જયંતીલાલ શાહ
મેનેજિંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન તથા
સભ્ય, ભારતીય જીવજંતુ કલ્યાણ બૉર્ડ
ઈમેઇલઃ samastmahajan9@gmail.com
સંદર્ભઃ
5. https://www.patrika.com/jaipur-news/rajasthan-high-court-says-make-cow-the-nationalanimal-2588501/