• બકરીના દૂધના ગુણો અને તેનું આરોગ્યની દૃષ્ટિએ મહત્વ
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ બકરીના દૂધનું મહિમાગાન કરેલ.

બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રકતપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉઘરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડું પીએ છે અને પરિશ્રમ (ચાલવું,દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી અને નિર્દોષ ગણાય છે. ગાયના દૂધ કરતાં બકરીનું દૂધ જલ્દી પચે છે. તેથી નાના બાળકો માટે તે બહુ અનુકૂળ છે. બકરીના દૂધનું ફીણ વાત, પિત્ત અને કફનો નાશ કરનાર, રૂચિ ઉપજાવનાર, બળને વધારનાર જઠારાગ્નિ વધારનાર, મૈથુનશક્તિ વધારનાર, અમ્લપિત્ત (એસીડીટી), જૂના તાવ વગેરેમાં લાભદાયક છે. બકરીનું દહી ઉત્તમ, ઝાડાને રોકનાર, હલકું, ત્રણેય દોષને હણનાર, શ્વાસ, ઉધરસ, હરસ, ટી.બી. રોગમાં, તથા દુબળાપણામાં વખણાય છે. બકરીનું ઘી આંખ અંગે હિતકારી, બળને વધારનાર, શ્વાસ, ટી.બી., ઉધરસ વગેરે પર હિતકારી છે. પાંડુરોગ, અમ્લપિત્ત શોષ, પેટના રોગો, ઝાડા, બળતરા, સોજામાં બકરીના દૂધનો ઉપયોગ હિતકાર છે.સ્ત્રીઓને યોનિના રોગો, શુક્ર સંબંધિ રોગો, મૂત્રના વિકારો, મળ ગંઠાઈ ગયો હોય, વાયુ ના વિકારો, પિત્તના વિકારોમાં પણ હિતકારી છે. બકરી સામાન્ય રીતે જે પાલો ખાય છે તેમાં ફેરફાર કરવાથી તેની દૂધની ગુણવત્તામાં ફેરફાર આવશે. રાત્રે પશુ હેરફેર ઓછું કરતું હોવાથી સવારે દોહવાતું દૂધ દિવસ દરમ્યાનના દૂધ કરતાં પચવામાં ભારે પડે છે.

બકરીનું દૂધ એ કુદરતી રીતે એકરસ અને સરળતાથી તુર્ત જ પચી જાય છે, બકરીનું દૂધ માત્ર વીસ મિનિટમાં જ પચી જાય છે. બકરીના દૂધમાં રહેલા ચરબીના બે માઈક્રોન જેટલા નાના કણોને લીધે એકરસ લાગે છે. રાયબોફ્લેવીન અને બાયોટીન, પેન્ટોથેનિક એસીડ, વિટામીન ડી અને પોટેશિયમ માટે બકરીનું દૂધ એ ઘણું ઉત્તમ છે. બકરીનું દૂધ ઓછો કોલેસ્ટ્રોલ, વધારે કેલ્શીયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી ધરાવે છે. બકરીના દૂધ દ્વારા વજનમાં વધારો, લોહીમાં વિટામીન, લોહતત્વોનો વધારો અને શરીરીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળેલ છે. બાળકોના દુગ્ધ આહાર માટે બકરીનું દૂધ ખૂબ જ અગત્યતા પ્રતિપાદિત કરેલ છે. બકરીના દૂધનું દહી નરમ છે. દૂધમાંથી સ્વાદિષ્ટ ચીઝ બને છે, જે લોકો ખૂબ પસંદ કરે છે. ઘણાં સંશોધન દ્વારા નોંધપાત્ર ઠરેલ છે કે બકરીનું દૂધ એ હૃદય, આંતરડાને તથા ખોરાકની પાચકતા અને પોષણ સંબંધિત રોગોના દર્દીઓની સારવારમાં ખૂબ જ મહત્વનું પુરવાર થયેલ છે. બકરાં પાલનમાં મુખ્યત્વે ઘાસચારા અને ખાણ–દાણનો ખર્ચ થાય છે. જ્યારે બકરીઓનું દોહન, સાફસફાઈ, ચરણમાં લઈ જવી વગેરે માવજતના કામ કૌટુંબિક સભ્યો, સ્ત્રીઓ, બાળકો વગેરે કરતા હોવાથી મજૂરી ખર્ચ ચઢતો નથી. દૂઝણી બકરી દીઠ વાર્ષિક ખર્ચ સરેરાશ રૂા. ૬૦૦-૭૦૦ થાય છે. જ્યારે દૂધ, બકરાંનું વેચાણ, ખાતર વગેરે મળી અંદાજિત આવક રૂા. ૧૩૦૦–૧૫૦૦ થાય છે. આમ બકરી દીઠ ચોખ્ખો નફો રૂા. ૭૦૦-૮૦૦ થાય છે. બકરીના દૂધમાંથી દહી, ચીઝ જેવી બનાવટો બનાવી શકાય છે. શહેરી વિસ્તારના ઉપયોગ માટે માવો, ઘી, મસ્કો બનાવવામાં આવે છે. આ દૂધમાંથી સંદેશ નામની વાનગી તથા પનીર પણ સારા બને છે. આ દૂધને ૧૦ થી ૨૫%ની માત્રામાં ભેંસના દૂધ સાથે ભેળવી ચીઝ બનાવવામાં આવે તો સુંદર પ્રકારનું ચીઝ દસ મહિનાને બદલે ચારથી છ મહિનામાં જ તૈયાર થઈ શકે છે. ભેંસ અને બકરીના દૂધની એકસરખી માત્રાના મિશ્રણથી સુંદર ગણવત્તાવાળું મોનોરેલા ચીઝ (જે પીઝા બનાવવામાં વપરાય છે.) તે સારી બની શકે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ નિયમીત બકરીનું દૂધ પીતા અને તેમણે પોતે પણ બકરીના દૂધ પીવાનું સૌને સારો એવો પ્રચાર-પ્રસાર કર્યો હતો.

“ચાલો બકરી બચાવીએ, એકો ફ્રેન્ડલી બકરી ઈદ ઉજવીએ”

માહિતી સંકલન : મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯) (માનદ સલાહકાર-નેશનલ એડવાઇઝરિ કમિટી,પશુપાલન અને ડેરી મંત્રાલય,ભારત સરકાર)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *