પ્રખર રાષ્ટ્રવાદી તથા સંસ્કૃતિપ્રેમી, શિક્ષણપ્રેમી જૈનાચાર્ય પૂજ્ય જિનપ્રેમવિજયજી મહારાજે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે ૩૧મી ડિસેમ્બરે પધરામણી કરી હતી. યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ તથા કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિએ તેઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. જૈનાચાર્ય પૂજ્ય જિનપ્રેમવિજયજીએ યુનિવર્સિટીમાં ગુરુ કેવો હોવો જોઈએ તે વિશે પ્રેરણાત્મક પ્રવચન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓના મૂલ્યનિષ્ઠ ઘડતર માટે ગુરુજનોને આહવાન કર્યું તેમજ તેજસ્વી ભાવિ પેઢીના નિર્માણમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી.જૈનાચાર્ય પૂજ્ય જિનપ્રેમવિજયજી મહારાજે ગુરુત્વની ચાર લાક્ષણિકતા દર્શાવી હતી. તેઓએ કહ્યું હતું કે, ગુરુના જ્ઞાન અને ચારિત્ર્ય અને તેના વ્યક્તિત્વની ઊંચાઈ એવરેસ્ટ જેટલી હોવી જોઇએ. ગુરુની પહોળાઈ આકાશ જેટલી વિશાળ હોવી જોઈએ. તેના જ્ઞાન અને વ્યક્તિત્વની ઊંડાઈ સાગર જેટલી ઊંડી હોવી જોઇએ. જ્યારે ગુરુની લંબાઈ સમય જેટલી અનંત હોવી જોઈએ. તેઓએ મૂલ્યનિષ્ઠ ઘડતર કેવી રીતે કરી શકાય તે મનનીય રીતે સમજાવીને નવી પેઢીને સંસ્કારલક્ષી શિક્ષણ આપવા માટે આહવાન કર્યું હતું. તેઓએ કહ્યું કે, વર્તમાન પાઠ્યપુસ્તકો તેમજ શિક્ષણપદ્ધતિમાં અનેક મર્યાદાઓ હોવા છતાં પણ જો ગુરુ-શિક્ષક ધારે તો બાળકોને સંસ્કારલક્ષી શિક્ષણ આપી જ શકાય છે. તેમણે કહ્યું કે, ગુરુ-શિક્ષકનું કાર્ય એક સામાન્ય નોકરી કરતાં ઘણું વિશેષ છે. ગુરુ વિદ્યાર્થીના ઘડતર થકી રાષ્ટ્રનું ઘડતર કરે છે. પ્રવચન બાદ જૈનચાર્યજીએ સાથી જૈન સંત અને અન્યો સાથે યુનિવર્સિટીના ગર્ભસંસ્કાર કેન્દ્ર એવા તપોવન કેન્દ્ર તેમજ ટૉયલેબ તથા ટૉય લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. તેઓએ ગર્ભસંસ્કાર થકી તેજસ્વી પેઢીના નિર્માણ અંગે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી જે કામગીરી કરી રહી છે તેને બિરદાવી હતી તેમજ આ કાર્યનો વ્યાપ દેશ-વિદેશમાં ફેલાય તેવી શુભ કામના સાથે આશીર્વચન પાઠવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિપ્રેમી જૈનાચાર્ય પૂજ્ય જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબે ૧૮ વર્ષની યુવા વયે દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષાના પ્રારંભના વર્ષોમાં મૌનપૂર્વક અનેકવિધ ધર્મ દર્શનોના ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો છે. વેદ, ગીતા, રામાયણ, મહાભારત, ગ્રંથસાહેબ, કુરાન, બાઈબલ વગેરે જેવા અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રીના ક્રાંતિકારી, જ્ઞાનવર્ધક અને હૃદયસ્પર્શી પ્રવચનના માધ્યમે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષા માટે યુવાનોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે. પૂજ્યશ્રીએ ૪૦ વર્ષની વયે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્રના વિવિધ વિષયો પર ૫૦૦થી વધુ પુસ્તકો લખ્યાં છે. પૂજ્યશ્રી દ્વારા લખાયેલાં રામાયણ, અષ્ટાવક્ર ગીતા, લવ યુ ડોટર, ગીતાના ટોપ ટેન ક્વોટ્સ, બિફોર યુ ગેટ એન્ગેજ, સંસ્કાર એબીસીડી, માનવતા વગેરે પુસ્તકોથી પ્રેરણા પામી સેંકડો યુવાનોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને ફેશન-વ્યસનનો ત્યાગ કર્યો છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે પ્રખર રાષ્ટ્રવાદી સંત જિનપ્રેમવિજયજી ગુરુની લાક્ષણિકતા વિશે પ્રવચન આપ્યું.
