આજના ઇન્ટરનેટયુગમાં વર્ષ દરમિયાન આવતાં ઉત્સવોની ઊજવણીઓને સોશિયલ મિડિયા થકી પ્રચાર- પ્રસારને ઘણો વેગ મળેલ છે એમાંય મૂળભૂત પરંપરાગત તથ્યો પર પૂરતાં સંશોધન અને યથાર્થને જાણ્યા વિના, મિથ્યા અને અતિશયોક્તિ પૂર્વકની બાબતો જણાવીને હદ પાર કરી દેવાઇ છે.

ફાગણના અંતમાં અને ચૈત્રની શરૂઆતનો સમયગાળો એટલે લીમડામાં ફ્લાવરીંગની સીઝન, નવા પાંદડા અને પુષ્પો સાથે એ મ્હોરી ઊઠયો છે, લીમડા- આંબા વગેરેનાં ઝીણાં પુષ્પગુચ્છને મ્હોર કહેવાય છે. ગુજરાતીમાં  લીમડો શબ્દ એ  સંસ્કૃતમાં ‘નિમ્બ’ શબ્દનું કંઈક અંશે લોકબોલીમાં થયેલ અપભ્રંશ છે, પ્રાચીનકાળમાં  અંગ્રેજીમાં એને ‘માર્ગોસા’ કહેવાતો. આજે તો અંગ્રેજીમાં પણ ‘નીમ’ જ પ્રચલિત છે. આ લીમડાનું લેટીન, સાયંટીફીક નામ ‘મેલીયા અઝેડીરાકટ ઈન્ડીકા’ છે. સામાન્ય રીતે લીમડાનો ફેલાવો,  દરીયાઇ નજીકની મરૂભૂમીમાં સારો થાય છે.  ગુજરાતની આબોહવા અને જમીન લીમડાનાં વૃદ્ધિ -વિકાસ માટે ઘણી માફક આવી છે, મૂળ પર્શિયન શબ્દ ‘આઝાદ’ અને ઝાડ માટે વપરાતો ‘દરખત’ શબ્દ પરથી સાંયટીફીક નામ અઝેડીરાકટ રાખ્યું છે. લીમડાનો આહાર- ઔષધ તરીકે ઉપયોગ કરાય તો, એ પચવામાં લઘુ એટલે કે હળવો છે, ગ્રાહી છે એટલે કે અન્ય વનસ્પતિઓનાં પાંદડા – સ્વરસ વગેરે વધારે લેવાય તો ઝાડા થાય છે,પણ એવું લીમડામાં થતુ નથી. લીમડો પચ્યા પછી કટુવિપાકી થાય છે.

1919 માં ભારતીય વનસ્પતિ વૈજ્ઞાનિકો એ લીંબોળીના તેલમાંથી એક કાર્યકારી તત્વ શોધી કાઢયું જેને ‘માર્ગોઝાઈન એસીડ’ નામ આપ્યુ પછી 1920 માં કોલકતા કેમીકલ્સ કંપનીએ લીમડા સાબુ બનાવ્યો જેનું નામ માર્ગો રાખ્યું. ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાંથી મળતાં લીમડાનાં સાબુ જેવી જ પદ્ધતિ અને ગુણકર્મ ધરાવતો આ ‘માર્ગો સોપ’ 1988 માં વિશ્વના ટોપ પાંચ સાબુઓની બ્રાન્ડમાંનો એક હતો. છેક ઋગ્વેદકાળથી અત્યાર સુધી ચર્મવિકારોમાં લીમડો વપરાતો આવ્યો છે. આયુર્વેદિકચિકિત્સાશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઇએ તો, આચાર્ય ભાવમિશ્રે જે લીમડા ના ગુણકર્મ વર્ણવેલ છે એમાં, “નિમ્બ: શિતો, લઘુ:, ગ્રાહી, કટુ-પાકો, અગ્નિવાતાનુત, અહ્ર્દ, શ્રમહ્ર્દ, કાસ જ્વર અરુચિ કૃમિ પ્રણુત નિમ્બપત્રમ સમૃતમ નેત્રયમ” લીમડાનાં પાંદડા પાતળા હોય છે એટલે બાષ્પીભવન વધુ કરે છે, વધુ બાષ્પીભવન થવાથી આસપાસની હવામાં ઠંડક પ્રસરે છે આથી ધોમધખતા તાપમાં લીમડાની છાયા શિતલ લાગે છે. લીમડાનાં સેવનથી વાયુનો પ્રકોપ અને પિત્ત એટલે કે દાહ થતી હોય તો રાહત મળે છે. લીમડો સ્વાદે અને ગંધે કડવો હોય છે એટલે અહૃદ – મન ને ગમતો નથી, પણ શ્રમહર છે. કડવો હોવાથી જ અરૂચી, તાવ અને કૃમિ તથા કફજ અને પિત્તજ ખાંસી ને પણ દૂર કરે છે લીમડો એ આંખ માટે ઉત્તમ છે, કેમ કે આંખના રોગ પિત્ત અને કફનાં સંચયથી થતાં હોય છે, જેને લીમડો દૂર કરે છે. ગુજરાતના જ પ્રખર કર્માભ્યાસુ વૈદ્ય શોઢલ પોતાના નિઘંટુ માં લખે છે કે,  “નિમ્બવૃક્ષસ્ય પંચાગ રક્તદોષહરં, પિત્તમ, કણ્ડૂં વ્રણમ દાહમ કૃષ્ઠમ ચ એવ વિનાશ્યતિ” યોગરત્નાકરમાં લખ્યું છે કે, “ફાલ્ગુને ચૈત્રમાસે ચ જન્તુપીડાકરો મત:, શીતલ અમ્બુ સમુદ્દભૂત: શ્લેષમા રાજા પરકીર્તત:”  ફાગણ – ચૈત્રમાં  શિતલ જળથી ઉત્પન્ન થનાર કફદોષ નામનો રાજા સર્વ પ્રાણીઓને પીડનાર તરીકે માનવામાં આવે છે. ચૈત્ર પછી આવતો વૈશાખ જેઠ માં પાછો આ રીતે  પિત્તદોષ ને રાજા કહેવાય છે. આરોગ્યશાસ્ત્રનાં દ્રષ્ટિકોણથી વસંતમાં  શરીરમાં સંચિત થયેલો કફ, પ્રસાર અને પ્રકોપ પામે છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની ભૌગોલીક સ્થિતિ પ્રમાણે આબોહવાને લઇને વસંતઋતુ ફાગણ-ચૈત્રની ગણાય છે. હોળીની આસપાસ ઑરી – અછબડાંના દરદી વધવા લાગે છે, પ્રાચીનકાળમાં શિતલાદેવી સાથે નિમ્બપત્ર  પણ દર્શાવેલ છે, એટલે વસંતઋતુ, કફનો પ્રકોપ અને લીમડાના પાંદડાનો ઔષધિય પ્રયોગ એ ત્રણે અસર પરસ જોડાયેલાં છે. આ સમયગાળામાં ભુખ જ ના લાગવાની ફરિયાદો સાથે દરદીઓ વધવા લાગે છે, આ વસંત ઋતુ માં જો સંચિત થયેલ કફને વમનકર્મ દ્વારા બહાર કાઢી લેવાય તો અરૂચી, ખંજવાળ, ગુમંડા આદીથી શરીર સુરક્ષિત રહે  છે. એ મૂળ ચિકિત્સા સિદ્ધાંત આધારીત લોક વૈદકમાં લીમડાંના ત્રણ – ચાર નવ પલ્લવીત પાંદડા તથા ત્રણચાર ફુલમંજરીઓની ડાળીઓ એકસાથે લસોટી એના એક ગ્લાસ પાણીમાં બનાવેલ મિશ્રણમાં જરીક સૈંધવ નમક નાંખી ને પ્રાતઃ પીવાય તો સંભવતઃ વમન થઇ જાય છે જેથી સંચિત કફ બહાર આવી જાય છે અને આ પ્રક્રિયા  સાત દિવસ પ્રતિદિન કરાય છે. જે વ્યક્તિઓને  ગ્રીષ્મમાં પિત્તનો પ્રકોપ રહેતો હોય એમને 10 ગ્રામ જેટલાં  લીમડાં નવા તાજા  પાન  10 ગ્રામ સાકર સાથે ચાવી ને ખાઇ લેવાં આ પ્રયોગ પણ ચૈત્ર સુદ એકમથી સાત દિવસ જ કરવો. મહારાષ્ટ્રમાં ‘ગુડી પૂજન’ બાદ આજ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. દક્ષિણ ભારતનાં કેટલાક રાજયોમાં જે ચૈત્રમાસમાં નવ વર્ષની ઉજવણીનો ઉગાડી તહેવાર મનાવાય છે એમાં બનતી ખાસ વાનગી ‘પચડી’માં લીમડાનાં પુષ્પો નખાય છે, એ પણ આરોગ્યતાનો સંદેશ આપે છે. વૈજ્ઞાનીક સંશોધન બતાવે છે કે, કફ અને મેદ ના કારણે થતાં કૃષ્ઠ થી કેન્સર સુધીના વિકારોમાં લીમડાનાં પાંદડા ઉપયોગી છે, પણ લીમડાનું અતિસેવન મનુષ્યોના શુક્રાણુઓનો નાશ કરે છે. ઊંટ નો પ્રિય ખોરાક  લીમડો છે, પણ કુદરતી રીતે  ઊંટના શરીરમાં વીર્યાશય એટલે કે  ‘સેમીનલ વેસીક્લ્સ’ હોતું જ નથી. આથી એના વીર્યમાં રહેલ શુક્રાણુઓ લીમડાનાં અતિસેવન થી નાશ પામતાં નથી.લીમડનો જંતુનાશક તરીકે ઉપયોગ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલ છે, એનાં પાંદડા તથા લીંબોળીનાં તેલનાં ઉપયોગથી ખેતપેદાશમાં પણ જંતુઓથી રક્ષણ માટે ઉપયોગી તો છે જ, શ્વેત ચંદન જેને સુખડ પણ કહે છે એની ખેતીમાં લીમડાનું યોગદાન સારુ છે. એક શ્વેતચંદનની આસપાસ જો લીમડા વવાય તો ચંદન સારી રીતે વિકસે છે, સુખડમાં સુંગધ અને શિતળતા છે, પણ લીમડામાં શિતળતા અને આરોગ્યતા પણ છે.  લીમડાનો સ્વાસ્થ્ય રક્ષા તરીકે કે દેખાદેખીમાં શરીર પર વધુ અને જરૂરીયાત વિના પ્રયોગ કરવો હિતાવહ નથી. લીમડાનું વાવેતર અને સંવર્ધન દરેક માટે જરૂરી છે. લીમડો એ આજના સમયમાં કલ્પવૃક્ષ છે. જે ઇચ્છો એ આપે છે. નવકારશી આવે પછી કડવા લીમડાંનું ઓષધ લેવાનું છે.

– સંકલન : અતુલ શાહ

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *