- કીડીયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે
ચૈત્ર મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે. આપણે બીજે કશે ન જઈ શકીએ, પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે, પોચી માટીમાં તો કીડીયારું પુરવાનું પુણ્યકાર્ય તો કરી જ શકીએ છીએ . બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, સફેદ તલ અને થોડું ઘી ઉમેરીને કીડીયારું બનાવવામાં આવે છે. કરિયાણાની દુકાનવાળા પણ આ મિક્સચર બનાવી આપે છે. એક મુઠ્ઠી કીડીયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે.

સૂકા નાળિયેર લઈ તેમાં અડધે સુધી એક હોલ કરી તેમાં ભેજ વગરનો ગોળ,ખાંડ, ઘી મિક્સ વાળો લોટ ભરી જ્યાં કાંટાવાળા વૃક્ષો હોય તેમાં સુરક્ષિત ઊંધા તેમજ ઊંચા ટિંગાળીને પણ કીડિયારું પૂરવાનું સત્કાર્ય કરી શકાય છે. કહેવાય છે કીડીની કીડીયારું પુરવાથી કરજ ઓછુ થાય અને સાત પેઢી શ્રીમંત બને છે. નાળિયેરનાં કીડીયારાને કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે. નાળિયેરમાં ઉપરથી હોલ પાડીને કોપરામાં કીડીયારું ભરવામાં આવે છે બાદમાં વૃક્ષની બખોલમાં મૂકતા કીડીઓ તેની અંદરથી ખોરાક તો લે છે, પણ ચોમાસામાં વરસાદથી બચવા આશરો પણ તેમાં લે છે. આપણે કોઈ પણ વ્યક્તિને ભોજન આપીએ તો તે અંતરથી આપણને આશિર્વાદ આપે છે. તો તેવી જ રીતે કીડીઓને કણ નાખવામાં આવે તો તે પણ આપણને આશિર્વાદ આપે છે. આપણી દરેક મુશ્કેલીમાં એ આશિર્વાદ આપણને બચાવે છે, પરંતુ કીડીઓને કણ નાખવાને લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડીયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે. ગામડાઓમાં વ્રત-તહેવારે બાળાઓ કીડીયારુ પુરતી જોવા મળે છે કેમ કે કીડીયારું પૂરવું તે ખુબ જ પુણ્યનું કામ કહેવાય છે. તેનાથી વ્રત ફળે છે.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)