પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર. પાટીલને વિવિધ જીવદયાના પ્રશ્નો અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનના રમેશભાઈ ઠકકર, પ્રતિક સંઘાણીએ રૂબરૂ મળી આવેદન પત્ર આપ્યું હતું. સમગ્ર રાજયમાં પશુઓમાં લમ્પી નામનો ચામડીનો વાઈરસ મકકમ ગતિએ કમનસીબે ફેલાવા લાગ્યો છે. રસીકરણની કાર્યવાહી અત્યંત ઝડપથી શરૂ ન થાય તો રોગચાળો ભયાનક ગતિએ ફેલાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે. જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ રસીકરણની કામગીરી ઝડપી કરવામાં આવે તો લમ્પી રોગ સામે રક્ષણ મળે અને અબોલ પશુઓની જિંદગી જોખમમાં ન મુકાય તાત્કાલીક રસીકરણ કરાવવાથી આ રોગનો ફેલાવો અટકશે અને લાખો અબોલ જીવોનો જીવ બચાવી શકાશે.
તે જ રીતે રાજયની તમામ પાંજરાપોળો—ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જાય છે. રાજય સરકારે જાહેર કરેલી ગૌશાળા–પાંજરાપોળો માટેની કાયમી સબસીડી તાત્કાલીક અસરથી ચુકવવા તથા નવા બાંધકામમાં વોટર હારવેસ્ટીંગ પધ્ધતિ ફરજીયાત કરાવવી વરસાદનું પાણી જમીનમાં ઉતારવા રજુઆત કરી હતી. ગુજરાતના ગામડાઓમાં બિનવારસુ પશુઓની સંખ્યા વધુ છે, તદઉપરાંત પશુ દવાખાનાનો તબીબી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારોમાં પશુ કેશ હેન્ડલ કરવામાં દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોય. જેથી ગુજરાતનાં તાલુકાનાં બાકી રહેતા દરેક ૧૦ ગામો દીઠ ૧૯૬૨ પશુ દવાખાનું (એમ્બ્યુલન્સ) તાત્કાલીક શરૂ થાય, ગુજરાતનાં ધાર્મિક સ્થળો—યાત્રાધામો જેવા કે પાલીતાણા, ગીર–સોમનાથ, દ્વારકા , ચોટીલા, બહુચરાજી, મહુડી, અંબાજી, પાવાગઢ, ડાકોર, સાળંગપુર, બગદાણા, વિરપુર, શામળાજી, રતનપર, ઘેલા સોમનાથ, (જિ. રાજકોટ), માટેલ, જુનાગઢ, ગીરનાર ક્ષેત્ર વિગેરે ધાર્મિક સ્થળોમાં જયાં બાકી હોય ત્યાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાય. રાજયના ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સેવાઓ ૨૪ કલાક ચાલુ રહે તેવી રજૂઆત કરાઈ હતી.