ચેન્નાઈમાં પ. પૂ. આ. ભ. તીર્થભદ્રસૂરિજીના ચરણોમાં દીક્ષા ગ્રહણ કરનારા રાજુભાઈનો અભિવાદન સમારોહ સમસ્ત મહાજનના નેજા હેઠળ મુંબઈમાં શુક્રવાર 24ડિસેમ્બરે સાંજે સાત વાગ્યે યોજાયો છે.

મુંબઈ, 18 ડિસેમ્બર 2021ઃ પાછલાં અનેક વરસોથી સમાજસેવા, દેશભક્તિ, જીવદયા અને ધર્મલક્ષી કાર્યોને જીવન સમર્પિત કરનારા મુમુક્ષુ શ્રી યોગેશ અમૃતલાલ શાહ ઉર્ફે રાજુભાઈ રાજકોટ સંસાર ત્યજીને જૈન ધર્મ દીક્ષા ગ્રહણ કરશે. જાણીતી સમાજેસવા સંસ્થા સમસ્ત મહાજન સાથે તેઓ પચીસથી વધુ વરસથી સંકળાયેલા છે.

૫. પૂ. આ. ભ. તીર્થભદ્રસૂરિજીના ચરણોમાં તેઓ ચેન્નાઈમાં ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022ના પાવન દિવસે સંસાર ત્યજીને દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા પશ્ચાત્ મુંબઈમાં શુક્રવાર ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તેઓનો અભિવાદન સમારોહ યોજાશે. તેનું આયોજન સમસ્ત મહાજનના નેજા હેઠળ અવસર હોલ, નાના ચોકમાં સાંજે સાત વાગ્યાથી થયું છે.

1963માં જન્મેલા રાજુભાઈએ કરેલાં સેવાકાર્યોની યાદી અત્યંત લાંબી છે. મોરબી પાંજરાપોળની ૨,૨૦૦ એકર જમીન, વઢવાણ મહાજનની ૧,૩૩૦ એકર જમીન, વાંકાનેર પાંજરાપોળની ૫૨૫ એકર જમીનને અતિક્રમણમુક્ત કરીને જીવદયાનાં કાર્યો માટે ઉપલબ્ધ કરાવવી તેમાંનાં અમુક છે. મણિયાર નગર તથા સુરેન્દ્રનગર સ્થિત સી. યુ. શાહ સાધર્મિક આવાસ યોજનાનાં કાર્યોમાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે. વરસો સુધી સમસ્ત મહાજનના કાર્યકર્તા, કમિટી મેમ્બર રહ્યા પછી હાલમાં તેઓ સંસ્થાના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જોકે કોઈ પદલાલસા વિના તેઓએ સદૈવ સેવાકાર્યોને સર્વસ્વ ગણી યોગદાન આપ્યું છે. વરસો સુધી તેઓએ યુગપ્રધાન આચાર્યસમ પૂજ્યપાદ પન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.ના માર્ગદર્શનમાં કલ્યાણકાર્યોને ન્યાય આપ્યાં છે.

ઉત્તરાખંડ પૂર, જમ્મુ-કાશ્મીર પૂર, ગુજરાત ધરતીકંપ, નેપાળ પૂર જેવી અનેક પ્રાકૃતિક વિપદાઓમાં રાજુભાઈએ ઘટનાસ્થળે જઈને દિવસોના દિવસ સુધી નિરંતર સેવા કરી હતી. નેપાળ ધરતીકંપ વખતે તો ત્યાં જઈ અનેક પીડિતોની સેવા કરવા સાથે રાજુભાઈએ સ્થાનિક જીવહિંસા બંધ કરાવવા અસંખ્ય લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી જે પોતાનામાં એક અનન્ય પ્રસંગ હતો.૨૦૨૦ના માર્ચથી શરૂ થઈને લાંબો સમય ચાલેલા કોરોના પ્રેરિત લોકડાઉનના કાળમાં પણ રાજુભાઈએ પોતાની લેશમાત્રચિંતા કર્યા વિના માનવસેવા અને જીવદયાનાં કાર્યોની વણજાર સર્જી હતી. લોકડાઉનમાં નિરાધાર થયેલા બે-પાંચ નહીં પણ ૫૩૫ પરિવારોને રાજુભાઈએ સાચવ્યા હતા!

રાજુભાઈ વિશે વાત કરતાં સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું, “પા સદી સુધી અથાકપણે સેવાકાર્યો કરનારા રાજુભાઈની અનુમોદના કરવા શબ્દો ઓછા પડે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં તેમના હસ્તે જીવદયા, સમાજસેવા, સાધર્મિક ભક્તિ અને ધર્મલક્ષી જે કાર્યો થયાં છે તેની યાદી બેહદ લાંબી છે. સમસ્ત મહાજન માટે રાજુભાઈ અમૂલ્ય સાથી રહ્યા છે. તેમને કામ સોંપીએ એટલે નિશ્ચિતપણે અને ખાતરીપૂર્વક કહી શકાતું કે કામ સિદ્ધ થશે જ. તેઓ દીક્ષા ગ્રહણ કરીને તેઓ ધર્મમાર્ગે આગળ વધી રહ્યા છે. ત્યારે હું અંતઃકરણપૂર્વક સાધુવાદ સાથે ભાવના સેવું છું કે તેઓના શુભ હસ્તે અપ્રતિમ કલ્યાણકાર્યો સંપન્ન થાય.”

સમસ્ત મહાજનના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપવા ઉપરાંત પોતાની વિવિધ સાંસારિક જવાબદારીઓથી મુક્ત થઈને રાજુભાઈ દીક્ષામાર્ગે પ્રસ્થાન કરશે. મુંબઈમાં યોજાનારા તેમના અભિવાદન સમારોહમાં સૌને જોડાવાનું સમસ્ત મહાજને હાર્દિક આમંત્રણ આપ્યું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *