કામધેનું એટલે ઈચ્છા પૂરી કરનારી ગાયમાતા. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય. કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલાં ચૌદ રત્નમાંનું એક રત્ન છે, જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વ ઈચ્છા પૂરી કરવાની શક્તિ હતી. જેમ દેવોમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ ગાયમાં કામધેનું શ્રેષ્ઠ છે. કામધેનું ગાયની પુત્રી નંદિની પણ તેની માફક વરદાયિની છે. પુરાણો અનુસાર કામધેનુ એ દિવ્ય ગાય છે, જેનું દૂધ અમૃત સમાન મનાય છે. તેના વિષે એમ કહેવાય છે કે આ ગાય બ્રહ્મચારી હોવા છતાં તે દૂધ આપે છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેને દોહી શકાય તેવી વિશિષ્ટતા છે. કામધેનુ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. પરશુરામના પિતા જમદગ્નિના આશ્રમમાં કામધેનુ હતી, જેના પ્રતાપે તેમની પાસે પ્રતાપી શક્તિ હતી. આ કામધેનુનું અપહરણ કરનાર હજાર હોયગાળા સહસ્ત્રાર્જુનનો પરશુરામે સંહાર કરી કામધેનુને આઝાદ કરી હતી. મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં ‘શબલા’ નામની કામધેનું હતી. વિશ્વામિત્રએ કામધેનુની શક્તિ જોઈને તેની માગણી કરી. શિષ્ટ ના પાડતાં યુદ્ધ થયું, જેમાં વિશ્વામિત્ર હાર્યા. રઘુવંશની પ્રગતિના મૂળમાં રહેલ દિલીપરાજા પાસે ‘નંદિની’ નામની કામધેનુ હતી.

ગાયમાં હું કામધેનુ છું એવું શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે. “શ્રી કૃષ્ણલીલા” માં ગૌચરણનું મહત્ત્વ બતાવ્યું છે. શ્રીકૃષ્ણ ભગવાને જાતે ગૌ-પૂજા કરી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો ત્યારે કામધેનુએ પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો હતો.

ચાર પ્રકારની ગાય છે – કામધેનુ, કપિલા, સુરભિ અને કવલી. ગીરગાય, બ્રાઝીલની કામધેનુ સિદ્ધ થઈ છે. વિદેશી જર્સી ગાય કરતાં ભારતીય ગાય વધુ સાત્ત્વિક હોય છે. આજના યુગમાં કામધેનુ ના હોય, પરંતુ ગાય માત્રને કામધેનુ ગણવી જોઈએ. સોલા ભાગવત વિદ્યાપીઠની ગૌશાળામાં રોજ સાંજે ગાયની આરતી થાય છે. દિવાળી અને મકરસંક્રાંતિમાં ગાયને ઘાસ ખવડાવવાનું, તેનું પૂજન કરવાનું એ ગૌસેવાનું મહાત્મ્ય છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે ધાર્મિક, સામાજિક સંસ્થાઓ દ્વારા ગાયનું સંવર્ધન થાય તે ખૂબ જરૂરી છે.

વૈદિક ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે ગાયનું મુખ્ય સ્થાન લોકોનું આંગણું છે અને ત્યાં જ ગાય કામધેનું છે. જેને ઘેર તુલસી ને ગાય તેને ઘેર વૈદ્ય ન જાય. તેના દૂધ દ્વારા પોષક તત્ત્વો મળે છે. તે આરોગ્યનું રક્ષણ કરે છે અને ખેતી માટે બળદ પણ આપે છે. ચરકસંહિતા, સુશ્રુતસંહિતા તેમજ અન્ય ગ્રંથ જેમકે વાગ્ભટ્ટસંહિતા મુજબ ઔષધિઓ બનાવવા માટે પંચગવ્યને મહત્ત્વ આપ્યું છે, તેના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. જ્યારે ગોમૂત્રમાં ભગીરી ગંગા વહે છે. ગાયનાં છાણાને બાળવાથી વાતાવરણ શુદ્ધ થાય છે માટે અગ્નિહોત્રમાં ગાયના છાણાનો ઉપયોગ થાય છે. મહાભારતમાં કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ વિષયનું વાંચન ગાયની પાસે બેસીને કરે તેને તે વિષય આત્મસાત્ થઈ જાય છે, કારણ કે ગાય હંમેશા ભાવ તરંગો છોડતી રહે છે એને લીધે આપણું મન સ્થિર, સંયમમાં રહે છે. ગાય સામે મળે તે શુકન કહેવાય. ગાયની આંખમાંથી નીકળતાં આંસુ અપશુકન કહેવાય. મૃતક પાછળ ગાયનું દાન સર્વશ્રેષ્ઠ ગણાય છે જે મૃતકને વૈતરણી નદી પાર કરવામાં સહાયક બને છે તેવું માનવામાં આવે છે. ગાયના પૂંછડાની પૂજા કરવામાં આવે છે. મૃત્યુ બાદ શબને ગાયના છાણનું લીંપણ કરી, તેની ઉપર સૂવડાવવામાં આવે છે જેથી વ્યક્તિ અનેક પ્રકારના પાપમાંથી મુક્તિ મેળવી દેવલોકને પ્રાપ્ત કરે છે.

કામધેનુ એટલે મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય, યથાર્થ ગીતામાં કહ્યું છે કે, કામધેનું કોઈ એવી ગાય નથી જે દૂધની જગ્યાએ મનપસંદ વાનગી પીરસતી હોય. વસ્તુતઃ ‘ગો’ ઈન્દ્રિયોને કહેવામાં આવે છે. ઈન્દ્રિયો પરનું નિયંત્રણ ઈષ્ટને વશમાં રાખનારમાં હોય છે. જેની ઇન્દ્રિયો ઈશ્વરમાં સ્થિર થઈ જાય છે તેને કશાની જરૂર રહેતી નથી. તે જ સાચા અર્થમાં કામધેનુ છે. પ્રાર્થના કામધેનુ છે. જેનાથી નિર્ભયતા અને આત્મશુદ્ધિ થાય છે. ભક્તિ, વિદ્યા અને કર્મ કામધેનુ સમાન છે, એને દોતા આવડે તો આનંદરૂપી દૂધ મળે છે. ગીતાને કામધેનુ કહે છે. ગીતાનું દોહ્ન કરનારને તમામ સમસ્યાનું સમાધાન થઈને ઈશ્વર પ્રાપ્તિ થાય છે. આપણી ગાયમાતા એ આપણી પરંપરા છે. એંઠવાડો ઉલેચતી અને કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે. ગૌસેવાના દિવડા પ્રગટી, અજવાળાં રેલાય તે જ જરૂરી છે. કામધેનુ સ્વરૂપ ગૌમાતાને આપણાં વંદન.

‘વંદે ગૌ માતરમ્’

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *