
ભુજનાં જૈન પ્રવિણાબેન ભરતભાઈ કાંતિલાલ વોરાનાં પુત્રવધૂ અને કમલબેન રમેશભાઈ રવિલાલ મહેતા ગાંધીધામનાં સુપુત્રી સ્વ. અર્પણા તુષાર વોરાનાં આકસ્મિક નિધન પછી એમનાં પરિવારે એમની આંખો, બંને કિડનીઓ, લીવર, ફેફસાંનું દાન કરીને સમાજમાં સેવાનો દાખલો બેસાડ્યો છે.
શરીરનાં સામાન્ય રોગથી વ્યક્તિ બચી શકે છે, પરંતુ અસાધ્ય રોગથી બચી શકાતું નથી અથવા તો તેનો ખર્ચ પરવડે તેમ નથી હોતો, ત્યારે કોઈ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય, અને તેનાં પરિવારજનો મૃત્યુ પામનારા સ્નેહીનું અંગદાન કરે તે માત્ર દાન નથી પણ સાચા અર્થમાં સમાજ સેવા છે.

ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નિશ્ચેત બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે. ધારોકે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થાય છે એ પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની આંખો થકી દુનિયાને જોઈ શકે છે. આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, પેન્ક્રીયાઝ વગેરે લઈ લેવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેનાં આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું રીપ્લેસમેન્ટ કરવામાં આવે છે. દેહદાનમાં વ્યક્તિનું સમગ્ર શરીર દાન કરી દેવામાં આવે છે. જે મેડીકલ કોલેજ, યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓને તેનાં પર રીસર્ચ કરી, ભણવામાં કામ લાગે છે.
અર્પણાબેનનાં પતિએ જણાવ્યું હતું કે, ગત શુક્રવારે માત્ર માથું દુખવાની ફરિયાદ બાદ બીજે દિવસે દાક્તરી તપાસમાં બ્રેઈન સ્ટ્રોક થયો હોવાનું જણાતા વધુ સારવાર અર્થે મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મેજર ઓપરેશન કર્યા બાદ પણ બચાવી શક્યા ન હતા. શુક્રવારે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા ત્યારે વોરા પરિવારે અંગ દાનનો નિર્ણય લીધો હતો.