
ગેરકાયદેસર જીવહત્યા અટકાવવા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને રજૂઆત કરવામાં આવી.
અબોલ પશુઓની ગેરકાયદેસર હત્યાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે પશુ કલ્યાણ અંગે તેમજ તેના કાયદાઓ વિષે અધિકારીઓને પૂરતું જ્ઞાન ન હોવાથી ફરિયાદોનો નિકાલ થઈ શકતો નથી. જેથી અબોલ જીવોની હત્યાનાં કિસ્સાઓમાં વધારો થાય છે. ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના મીડિયા ટીમના મેમ્બર મિતલ ખેતાણી દ્વારા દેશના દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને દરેક પોલીસ સ્ટેશનમાં પશુ કલ્યાણની જાણકારી ધરાવતા ઓફિસરની નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવામાં આવ્યું છે કે જો દરેક પોલીસ સ્ટેશનમાં પશુ કલ્યાણ અધિકારીની નિમણૂક કરવામાં આવે તો અબોલ જીવોની ગેરકાયદેસર હત્યાના કિસ્સા પર વધુ ધ્યાન આપવામાં આવશે, જેથી તેમાં ઘટાડો થશે. ઉપરાંતમાં લોકો સરળતાથી આ અંગેની ફરિયાદો નોંધાવી શકશે તેમજ તેના પર ચાલતી કાર્યવાહી અંગે પણ વિગતવાર માહિતી મેળવી શકશે. દરેક રાજ્યોમાં પશુ કલ્યાણ અધિકારી નિમવા મિતલ ખેતાણી દ્વારા અનુરોધ કરાયો છે. આ અંગે દેશના ઘણા રાજ્યોમાં હકારાત્મક પ્રતિસાદ આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે.
