સદભાવના વૃધ્ધાશ્રમના વૃક્ષારોપણ અભિયાનમાં નિવૃત ફોરેસ્ટ અધિકારી ચીનુલાલ વરસાણીની અનન્ય સેવા

૧૪ મિયાવાકી જંગલોનાં નિર્માણ અને દેખરેખમાં નિમિત બન્યા

ચીનુલાલ માધાભાઈ વરસાણી નો જન્મ પિતા માધાભાઈ તથા માતુશ્રી જમકુબેનની કુખે તા.૦૬/૦૧/૧૯૫૫ ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના વતન ગામ પાટીદડમાં પૂરું કરીને ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટની કોટક સાયન્સ કોલેજમાં ૧૯૭૨ થી ૧૯૭૬ સુધી અભ્યાસ કરીને બી.એસ.સી.ની ડીગ્રી પ્રાપ્ત કરીને સને-૧૯૭૬ માં લેવાયેલ જી.પી.એસ.સી. દ્વારા લેવાયેલ આર.એફ.ઓ. ની પરીક્ષા કોઈપણ જાતના ટ્યુશન ક્લાસ કે કોઈના માર્ગદર્શન વગર માત્ર પોતાની જાત મહેનતે સમગ્ર ગુજરાતમાં ૫ માં ક્રમે પાસ કરીને, સને ૧૯૭૭ થી સને-૧૯૭૯ બે વર્ષ ફોરેસ્ટની ટ્રેનીંગ ચંદ્રપુર મહારાષ્ટ્ર ખાતે લઈને ૧૯૭૯–૧૯૯૦ સુધી દક્ષિણ ગુજરાતના સાગના જંગલોમાં વિવિધ રેન્જમાં આર.એફ.ઓ. તરીકે એવી કામગીરી કરી કે આજેપણ જંગલ સંરક્ષણમાં ઉદાહરણ રૂપ છે. આ સમય દરમ્યાન જીવલેણ હુમલાનો ભોગ બનવુ પડયું પણ કુદરતે તેમને હેમખેમ બચાવી લીધા હતા. ત્યારબાદ અમરેલી જીલ્લામાં ૧૯૯૦થી ૧૯૯૫માં એ.સી.એફ.એસ. તથા ૧૯૯૫ થી ૨૦૦૮ દરમ્યાન જામનગર–રાજકોટ જિલ્લામાં એ.સી.એફ. તરીકે નોર્મલ વડી અને જંગલ વિસ્તારોમાં ફરજ બજાવીને રેકોર્ડ બ્રેક દંડની વસુલાતો કરી હતી, રામપરા અભ્યારણના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો તેમજ ઘાસ વાવેતરોમાં સફ્ળતા પૂર્વક કેમ કરવા તેના મોટાપાયે અખતરા કરી અભૂતપૂર્વ સફળતાઓ મેળવી હતી. સને-૨૦૦૮ થી ૨૦૧૩ દરમ્યાન રીટાયર્ડ થયા સુધી ડી.સી.એફ. તરીકે જામનગર-રાજકોટ જીલ્લામાં વાસ્મોના યુનિટ મેનેજર તરીકે ૭૫૦ જેટલા ગામોમાં ઘરે ઘરે નળ દ્વારા શુધ્ધ સ્વચ્છ પાણી પહોંચાડવા નિમિત બન્યા હતા. વન વિભાગમાં સમગ્ર કારર્કિદી દરમ્યાન લાખો વૃક્ષોના સફળ વાવેતરો તથા લગભગ ૭૦૦ પાકા ચેકડેમ બનાવવામાં નિમિત બન્યા છે. વનવિભાગની નોકરીમાંથી નિવૃત થયા બાદ યુ.પી.એસ.સી./જી.પી.એસ.સી. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા, માર્ગદર્શન આપવા માટે ૨૫ કરતા વધારે સેમીનારો સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લામાં તથા તે માટે જુના સાહિત્યનું નિર્માણ અને વિનામુલ્યે વિતરણ કર્યું હતું. ૨૫ કરતા વધારે વિદ્યાર્થીઓને કલાસ-૧, ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને કલાસ–૨ તથા ઘણાબધા વિદ્યાર્થીઓ માટે કલાસ—૩ માટે સચોટ માર્ગદર્શન અને મદદગારીમાં નિમિત બન્યા હતાં. સને-૨૦૨૦ સુધી દર વર્ષે ૫ થી ૧૦ હજાર વૃક્ષો મિત્રો, સગા—સ્નેહીઓ પાસે સફળતાપૂર્વક ઉછેરવામાં મદદ માર્ગદર્શન આપ્યું હતું. સને-૨૦૨૦ થી સદભાવના વૃધ્ધાશ્રમમાં ૧૪ મિયાવાકી જંગલો ઉભા કરવામાં સક્રિય ભૂમિકા દ્વારા ૨ લાખ કરતા વધારે વૃક્ષોનો ખૂબ સારો ઉછેર કરવામાં નિમીત બન્યા હતા. સને–૨૦૨૧ માં અત્યાર સુધીમાં ૬૦ હજાર જેટલા વૃક્ષો જુદા જુદા ૧૪ મિયાવાકી જંગલો વાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે વરસાણી સાહેબ આ પ્રકારનાં ૧૪ મિયાવાકી જંગલોનાં નિર્માણમાં નિમિત બન્યા છે, બનતાં રહે છે. આ મિયાવાકી જંગલની પણ સંપૂર્ણ દેખરેખ વરસાણી સાહેબ જ કરે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું સમગ્ર ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. પ્રથમ તબકકામાં રાજકોટને ગ્રીન સીટી બનાવવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહયું છે. આ અભિયાન હેઠળ આ ચોમાસામાં શહેરમાં ૨ લાખ જેટલા વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર કરવામાં આવનાર છે. સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. રાજકોટને ગીન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃધ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બન્યું છે. શહેરને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયું છે. જેને ખૂબ ટૂંકા સમયમાં ૬,૦૦,૦૦૦ વૃક્ષો વિનામૂલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. વડીલોની અને પર્યાવરણની બંન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. હાલ કોરાનાની મહામારી વચ્ચે પણ સદભાવના વૃધ્ધાશ્રમની ફોજ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ ૭૦ ટ્રેકટર, ૭૦ ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત ૫૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *