દરેક વ્યકિતને પક્ષીને ચણ નાંખવાની ઈચ્છા હોય છે. પરંતુ ખુલ્લા મેદાન મળતા હોતા નથી. તેવા સંજોગોમાં ફળીયામાં કે અગાસી પર ખુલ્લામાં હેરવી – ફેરવી શકાય અને પક્ષીને ચણ નાખવા તથા પક્ષીને પીવાનું પાણી મળી રહે તે માટે કુંડા રાખવાની વ્યવસ્થા યુકત મોબાઈલ ચબુતરો (હેરફેર કરી શકાય તેવો ચબુતરો) નું નિર્માણ શ્રી વાલજીભાઈ ભનુભાઈ પોપટના સૌજન્યથી કરવામાં આવ્યું છે. આ ચબુતરાની ડીઝાઈનમાં નાના મોટા ફેરફાર અને સાઈઝ શકય છે. સૌ કોઈ પોતપોતાનાં ગામ/શહેરમાં પોતાની રીતે પણ બનાવી શકે છે. આ ચબુતરામાં બિલાડી/કૂતરા જેવા પ્રાણીથી પણ પક્ષીને સારું એવું રક્ષણ મળી રહે છે. શ્રી વાલજીભાઈ ભનુભાઈ પોપટના સૌજન્યથી નિઃશુલ્ક રાજકોટનાં મંદિરોમાં આ મોબાઈલ ચબૂતરો આપવામાં આવશે. આ મોબાઈલ ચબૂતરા અંગેની વધુ માહિતી માટે તેમજ રૂબરૂ જોવા માટે કે વ્હોટેસએપમાં ચબુતરાના ફોટા અને વિડીયો મેળવવા માટે મો. ૯૯૨૪૪ ૦૯૯૯૦ નો સંપર્ક કરવા રશ્મીકાંત વાલજીભાઈ પોપટની યાદીમાં જણાવાયું છે. ચબુતરો એ ભારતની એક આકર્ષક પરંપરા છે, ભારતમાં તે ઠેર–ઠેર જોવા મળે છે. ગુજરાતના ગામડામાં વચ્ચોવચ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ પરંપરા નજરે પડે છે. તેનું નામ ચબુતરો છે. ટાવર જેવા ઉંચા મિનારા જેવું બાંધકામ, ઉપરના ભાગે પક્ષીઓને માળા બાંધવા માટેના મોટા હોલ (કાણા) અને તેની તરત નીચે પક્ષીને ચણ ખાવા માટે મિનારાની ફરતે ગોળ છાજલી. મોટા હોલમાં કબુતર અને ચકલા માળો બાંધી શકે અને બચ્ચાં મુકી શકે એવી વ્યવસ્થા હોય છે. એક પીલર પર ઉભો કરાતો ચબુતરાની ઠેઠ નીચે ઓટલો બનાવાયો હોય છે જેના પર બેસી ગામના લોકો ટોળ–ટપ્પાં માર્યા કરે છે. અહીં કોઈપણ પ્રકારના પક્ષી આવીને ચણ ચણીને ઉડી જાય છે. આ ચબુતરો એ વાતનો સંકેત આપે છે કે પક્ષીઓને ચણવા માટે મુકત જગ્યા આપવી જોઈએ. મોટાભાગના ચબુતરા પક્ષીઓના ચણ માટે તેમજ નીચેનો ઓટલો બેસવા માટે બનાવાયો હોય છે. આ ચબુતરો દીવાદાંડી જેવા બનાવાયા હોય છે. જેના પર પક્ષીઓ આરામ પણ કરી શકે છે અને ચણ ચણી શકે છે. એક દંડીયા ચબુતરા તરીકે ઓળખાતા સ્ટ્રકચરની ઉપર ચણની જગ્યા તેમજ પાણી માટે નાનું વાસણ પણ મુકી શકાય એવી વ્યવસ્થા હોય છે. કેટલાક ચબુતરા રૂમ જેટલા મોટા હોય છે તે પથ્થર તેમજ ઈંટોના બનાવેલા હોય છે તેમાં વિવિધ પક્ષીઓ ગોખલામાં બેસીને આરામ કરી શકે એવી વ્યવસ્થા હોય છે. કાબર, કોયલ, કબુતર, મોર વગેરે મોટા ચબુતરાના રૂમમાં ફર્યા કરે છે.
