

ગુજરાતના મૂર્ધન્ય લોકકવિ શ્રી દાદ બાપુ ને લોક સાહિત્ય અને લોક સંગીત જગતના લોકપ્રિય કલાકારો તારીખ. ૩૦ એપ્રિલ ૨૦૨૩ ના રોજ કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે શ્રદ્ધાંજલિ અર્પશે.
‘કવિશ્રી દાદ’ નો જન્મ હાલના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગામ ઈશ્વરીય (ગીર) ખાતે ઈ.સ.૧૯૪૦ માં ખેડૂત પરિવારમાં થયેલ. આ ગામ આજથી પોણા બસો વર્ષ પહેલા જુનાગઢ રાજ્ય દ્વારા કવિશ્રીના પૂર્વજોને રાજકવિ દરજ્જે જાગીરમાં મળેલ. ‘કવિશ્રી દાદ’ ના પિતાશ્રી અવસાન થયું ત્યારે કવિશ્રી ની ઉંમર માત્ર બાર વર્ષની હતી. આથી ખુબ નાની વયે કુટુંબના નિર્વાહ ની જવાબદારી તેઓ ઉપર આવી પડેલ હતી. કવિતાના સંસ્કાર તેઓને જન્મજાત મળેલા. તેઓના દાદીમા પૂજ્યશ્રી મનુબામાં ખુબ સારા કવયિત્રી હતા. કવિશ્રીને કાવ્ય રચનાની પ્રેરણા તથા આશીર્વાદ દાદીમાં મનુબામાં પાસેથી મળેલા. આમ માત્ર બાર વર્ષની ઉંમરે એક ખભે હળ અને બીજા ખભે કાગળ કલમ નો ખડિયો લઇ કવિશ્રી એ કાવ્યયાત્રા શરુ કરી હતી. તેમનું કાવ્ય “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું” ખુબ યુવાન વયે લખાયેલું. જેની પ્રસિદ્ધિ હરિદ્વારમાં સ્વામીશ્રી આનંદ સુધી પહોંચેલી. સ્વામી આનંદે પત્ર લખી કવિશ્રી સાઈ મકરંદને પુછેલ કે આ રચનાના કવિ કોઈ દાદલ નામના સંત છે તેમનો સંપર્ક આપો. જવાબમાં કવિ મકરંદે જણાવેલ કે આ કોઈ સંત મહાત્મા નથી, પરંતુ નાવયુગનો ચારણ કવિ છે. આમ અજાણતા જ કવિશ્રી ના પગમાં સંત “દાદલ” ના નામની બેડીઓ પડી ગયેલ. ઇશ્વરિયાના વસવાટ દરમ્યાન જ ગીત “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો” રચાયું જે વિશ્વના સીમાડા વળોટી ગયું.
સન ૧૯૬૫ માં નિયતિક્રમે તેઓએ ઇશ્વરિયા ગામ છોડ્યું અને તેઓ પડધરી તાલુકાના મોસાળના ધુનાનાગામ ખાતે ખેતીની જમીન ખરીદ કરી સ્થાયી થયા. આમ હાલર ભૂમિના આ વસવાટ દરમ્યાન તેઓની કલમ પુરબહારે ખીલી. આજ અરસામાં તેઓના કાવ્યસંગ્રહો “ટેરવા” , “બંગ બાવની” વગેરે રચાયા. ૧૯૭૧ ના યુધ્ધના વીરોના સાહસ અને સંઘર્ષની કથા આલેખતી “બંગ બાવની” રચનાનું એક લાખ નકલો વહેચાય. જેનું ભંડોળ કવિશ્રી એ બાંગ્લાદેશના નિરાશ્રીતોને અર્પણ કર્યું.

આ સિવાય કવિની રચના “લછનાયન”,”ચિતહર” નું ગીત તથા “ટેરવા” સંગ્રહના ભાગ બે અને ત્રણ પણ રચાયા. કવિશ્રી પોતે પણ લોક ડાયરાના ફોરમેટમાં પ્રસ્થાપન કરનારા અગ્ર કલાકાર હતા. અને ડાયરાની દુનિયામાં એમને મંચ પરથી શ્રોતાઓને ડોલાવ્યા હતા.
કવિ દાદનું પ્રદાન ફિલ્મ ક્ષેત્રે પણ હતું અને અને તેમણે સોળ જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખેલા અને શ્રેષ્ઠ ફિલ્મ ગીતકારનો એવોર્ડ પણ મેળવેલ. આ સિવાય તેઓને પ્રતિષ્ઠિત કવિ કાગ એવોર્ડ, લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ,ગુજરાત ગૌરવ સન્માન વગેરે રાજકીય તથા સામાજિક સન્માનો મળેલ અને સન ૨૦૨૧ માં કવિશ્રી ની હયાતીમાં ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો.
સન ૨૦૨૧ના વિકરાળ કોરોના કાળમાં કવિશ્રી ના યુવાન પુત્ર મહેશનું અવસાન થતા તેના આઘાતમાં અન્નજળનો ત્યાગ કરી તેરમાં દિવસે તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ કવિ દાદ એ દેહત્યાગ કરેલો.
કવિ દાદની સ્મૃતિમાં રાજ્ય સરકારે પડધરી સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજને કવિ દાદનું નામ આપ્યું. આ ઘટનાના ઋણ સ્વીકાર માટે કવિશ્રી દાદ પરિવાર દ્વારા “શબદ સંભારણા” નામથી શ્રધાંજલિ લોક ડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ-પડધરી ખાતે તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૩નાં રોજ સાંજે પડધરી કોલેજ ખાતે કરવામાં આવેલ છે. આ તકે કોલેજની લાઈબ્રેરીમાં કવિશ્રી ના જીવન પર આધારિત પ્રદર્શનનું ઉદ્ઘાટન તથા કવિશ્રી ની પ્રતિમાનું અનાવરણ મહાનુભાવોના હસ્તે થશે. આ કાર્યક્રમ માં પૂ. મોરારીબાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભારત સરકારના ડેરી અને પશુપાલ વિભાગના કેન્દ્રિય મંત્રી પુરસોતમ રૂપાલા તથા યુવક સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ કેબેનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા ધારાસભ્યો શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી સંજય કોરડીયા વગેરે મહેમાનો હાજરી આપશે.

શ્રદ્ધાંજલિ લોકડાયરાના કાર્યક્રમમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી શાહ્બુદીન રાઠોડ, શ્રી બિહારી હેમુ ગઢવી, શ્રી કીર્તીદાન ગઢવી,શ્રી ધીરુભાઈ સરવૈયા,શ્રી રાજભા ગઢવી,શ્રી હરેશ ગઢવી, શ્રી દેવરાજ ગઢવી,શ્રી અનુભા ગઢવી,શ્રી પ્રદીપ ગઢવી,શ્રી રાજુભાઈ ગઢવી તથા કવિશ્રી દાદ ના સુપુત્ર જીતુ “દાદ” ગઢવી કવિ દાદ ના કાવ્યો થકી લોકડાયરા સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કવિશ્રી દાદ પરિવારનું જાહેર જનતાને નિમંત્રણ છે.
