વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા નવા આવિષ્કારો કર્યા. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી. અનેક શોધો કરી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું, પણ પછી તેના વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતની ઊંઘ હરામ કરી દીધી. આજે વિશ્વના વિકસિત, અવિકસિત બધા દેશોનાં દાર્શનિકો, ચિંતકો અને વૈજ્ઞાનિકો વિશ્વમાં થઈ રહેલા પર્યાવરણનાં વિનાશ અંગે ચિંતિત છે. તેનાથી વિશ્વની સમગ્ર માનવજાત ઉપર જે સંકટનાં વાદળો છવાયા છે તેણે માનવ જાતનાં અસ્તિત્વ સામે ખતરો ઉભો કર્યો છે. 21 મી સદીમાં પર્યાવરણનો વિનાશ એ મોટી વિકરાળ સમસ્યા બની ગઈ છે. આજે સમગ્ર વિશ્વ સતત ભયનાં ઓથાર નીચે જીવી રહયું છે. 21 મી સદીના વિકાસની ગુલબાંગો મારતા આપણે સૌ તેની ભયાનકતાથી થરથરી ઉઠીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસની સાથે વિનાશનાં પણ દ્વારો ખોલી નાખ્યા છે. વિજ્ઞાનનો અમર્યાદ અને સમજણ વગરનો ઉપયોગ આપણને કયાં દોરી જશે તેનો હજુ આપણને “પાશેરામાં પહેલી પૂણી” જેટલો જ લેશમાત્ર અનુભવ થયો છે. પર્યાવરણની અવગણનાનાં કારણે સમગ્ર વિશ્વમાં ન જોયા હોય , ન કલ્પ્યા હોય, ન સમજી શકાય તેવા કુદરતી બનાવો જેવા કે ધરતીકંપ, ત્સુનામી, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઠંડી, ગરમીનું ઉંધુ ચક્ર, હિમશિલાઓનું ઓગળવું, ઓઝોન થરમાં ગાબડા, જંગલોમાં આગ જેવી અનેક આપત્તિઓ આજે સામાન્ય થઈ ગઈ છે. બીજી બાજુ આતંકવાદ, નકસલવાદ, હત્યા, લુંટફાટ, ચોરી, બળાત્કાર, વાયુ અને જળપ્રદુષણ, ખોરાકમાં ભેળસેળ, માનસિક પ્રદુષણ, ન કલ્પી હોય તેવી બીમારીઓ અને દવાઓ તથા કેમીકલ્સની આડઅસરો આ બધુ આપણને વિશ્વ વિનાશની ભયાવહતાનું તાદ્રશ નિરૂપણ કરતી ‘’2012’’ ફિલ્મની યાદ અપાવે છે . 21 મી સદી વિકાસની બની રહેશે કે વિનાશની ? વિનાશ તરફની ગતિ એટલી આગળ વધી જાય અને ત્યાંથી પાછા વળવાની સ્થિતિ જ ન રહે તે પહેલા જાગવું જરૂરી છે. લાખો વર્ષ પહેલાં ભારતનાં ઋષિમુનિઓએ પર્યાવરણનું ગહન ચિંતન કરીને વૈજ્ઞાનિક શોધો કરીને પર્યાવરણનાં રક્ષણ અને પોષણ માટે સચોટ ઉપાયો શોધ્યા હતા. વેદોમાં લખ્યું છે,”પૃથ્વી શાંતિ : અંતરીક્ષ શાંતિ : વનસ્પતયો શાંતિ :” ઋષિમુનિઓ એ પોતાની પ્રાર્થના કદી મનુષ્યો સુધી સીમિત ન રાખતા સમગ્ર બ્રહમાંડનાં કલ્યાણ અને મંગલઅર્થે સમગ્ર જીવ સૃષ્ટિ માટે પણ કરી છે . વર્તમાનકાળનાં વૈજ્ઞાનિકો અન્ય ગ્રહો ઉપર જીવ સૃષ્ટિનાં અસ્તિત્વ માટે સંશોધનો કરી રહયા છે ત્યારે લાખો વર્ષ પહેલાં રચાયેલ વેદોમાં “અંતરીક્ષ શાંતિ :” એટલે કે પૃથ્વી સિવાયનાં અન્ય ગ્રહો ઉપર આવેલ જીવ સૃષ્ટિની શાંતિ માટે પણ પ્રાર્થના કરી છે એટલું જ નહિ, વેદોમાં “વનસ્પતયો : શાંતિ :” ભારતના મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝે કેટલાંક વર્ષો પહેલા શોધ્યું કે વનસ્પતિમાં જીવ છે, એ વાત લાખો વર્ષ પહેલાં ભારતનાં ઋષિમુનિઓએ વેદોમાં લખી છે એટલું જ નહિ વનસ્પતિનાં રક્ષણ, પોષણ અને સંવર્ધન માટે માનવજાતને એક નવી દષ્ટિ અને નવી દિશા આપી છે .
હિન્દુ ધર્મશાસ્ત્રોનાં ચિંતનમાં સમગ્ર પર્યાવરણનાં બધાં જ તત્વો જેવા કે તુલસી, પીપળો, વડ વગેરે વૃક્ષોની પૂજા કરીને વનસ્પતિનાં મહત્વને ધર્મ અને માનવ જીવનની દૈનંદિન પ્રવૃતિ સાથે વણી લીધા છે . “સાદુ જીવન ઉચ્ચ વિચાર” વાળી વિકેન્દ્રીત , સ્થાનિક, કુદરત આધારિત , સ્વાવલંબી જીવન પધ્ધતિ તરફ પાછા વળવાનો સમય પાકી ગયો છે . ભારતીય જીવન પધ્ધતિમાં વ્યક્તિથી માંડી પરમેષ્ટી સુધી જીવ માત્રના કલ્યાણની “વસુધૈવ કુટુંમ્બકમ “ની સર્વજીવ હિતાવહ, સર્વ મંગલકારી, સર્વ કલ્યાણકારી આદર્શ વ્યવસ્થા હતી જે માનવીની સમગ્ર જીવ સૃષ્ટિ અને પ્રકૃતિ સાથેના તાદાત્મ્યવાળી ઉચ્ચ જીવન શૈલી હતી. પુન : આ વ્યવસ્થાને વર્તમાન સમયને અનુરૂપ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં વિવેકપૂર્ણ ઉપયોગ સાથે અને ધર્મ, નૈતિક મૂલ્યો, આહાર – વિહાર અને સામાજીક, આર્થિક પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી એક શ્રેષ્ઠ જીવન પધ્ધતિ – સમાજ વ્યવસ્થાનાં નિર્માણ માટે કાર્ય યોજના કરવાનો સમય પાકી ગયો છે . પર્યાવરણ રક્ષા એટલે જમીન , જળ , જંગલ , જાનવર અને જીવની રક્ષા.
ગૌમાતાનું જીવન જ પર્યાવરણ રક્ષાનું ઉતમ દ્રષ્ટાંત છે. ગૌમાતાનું વૈજ્ઞાનિક મહત્વ સમજીશું તો તેનું મૂલ્ય સમજમાં આવશે . ગૌમાતાનું પંચગવ્ય – દૂધ , દહીં , ઘી , ગૌમૂત્ર અને ગોબર અને સમગ્ર શરીર પર્યાવરણ રક્ષા માટે જ છે. ગાયનું દૂધ અમૃત છે. ગાયનાં છાશ, દહીં, માખણ અને ધી શ્રેષ્ઠ અને ગુણકારી છે. શ્રેષ્ઠ આહાર છે. ઉત્તમ ઔષધિ છે તેના સેવનથી એટલી દવા અને કેમીકલની આડઅસરો ઘટશે અને ઉતમ સ્વાશ્યની પ્રાપ્તિ થશે. ગાયનું ઘી અને પંચામૃત જે યજ્ઞ- હવનમાં ઉપયોગમાં લેવાય છે , તે એક જાતનું “ ફ્યુમીગેશન ” જ છે , “ હવાઈ સ્પ્રે ” જ છે . જર્મનીનાં વૈજ્ઞાનિક ડો. ઉલરીચ બર્કે “હોમા થેરાપી”નાં પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે કે ગાયનાં પંચગવ્યમાં એન્ટીબેક્ટરિયલ, એન્ટીફંગલ, એન્ટિવાયરસ પ્રોપર્ટી છે . ધી ના પ્રજવલનથી એસીટીલીક એસિડ, ફોર્માલ્ડીહાઇડ જેવા અનેક વાયુઓનું ઉત્સર્જન પર્યાવરણને શુદ્ધ કરે છે. ગૌમૂત્ર એન્ટી બેકટીરીયલ, એન્ટી વાઈરલ, એન્ટી કેન્સર, એન્ટી ઓકસીડન્ટ ગુણો ધરાવે છે. ગૌમૂત્રનો છંટકાવ ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખે છે . ગૌમૂત્રનો પેસ્ટીસાઈડ , કીટનાશક તરીકેનો ઉપયોગ ઓર્ગેનીક ફૂડ માટે શ્રેષ્ઠ હોવા ઉપરાંત કેમીકલ દવાઓની ઝેરી અસરોથી બચાવી કરોડો જીવને આરોગ્ય પ્રદાન કરે છે. જમીનની ઉર્વરા શકિત વધારે છે. ગાયનું ગોબર ઉત્તમ ફર્ટીલાઇઝર-ખાતર છે તે આપણે સૌ જાણીએ છીએ. ગોબરમાંથી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવતા વર્મીકમ્પોસ્ટ, પ્રવાહી જીવામૃત, ઘન જીવામૃત અને હ્યુમસ જમીનની ઉર્વરા શક્તિ વધારે છે. કેમિકલ અને પેસ્ટીસાઈડથી જમીનને બચાવે છે. ઉપયોગી માઇક્રોફલોરાની વૃદ્ધિ કરે છે. તંદુરસ્ત વૃક્ષ છોડની વૃદ્ધિમાં સહભાગી થાય છે. એલન સેવરી નામના વૈજ્ઞાનિકે ગાયોને જંગલમાં ચરવાથી જંગલોનો નાશ નહીં પરંતુ જંગલની વનસ્પતિ સંપદામાં વૃદ્ધિ થયાનું પ્રતિપાદિત કર્યું છે. ગાયનાં ગૌમુત્ર અને ગોબરથી જમીનની ઉર્વરા શક્તિ વધવાથી આમ બન્યાનું તેનું તારણ છે. ફેકટરીઓનું પ્રદૂષણ ઘટે, કરોડો જીંદગી આરોગ્યમય રહે, વક્ષો અને અન્ય જીવને નુકશાન ન થાય એટલું જ નહીં જમીન પર પડતા ગૌમૂત્ર અને ગોબરથી અનેક વૃક્ષો અને વનસ્પતિથી હરીયાળી છવાઈ રહે છે . અબજો રૂપિયાના ડીઝલની આયાત બંધ થઈ જાય . હુંડીયામણ બચે. ગોબર વિકિરણોનું શોષણ કરી જીવ માત્રનું રક્ષણ કરે છે માટે જ આપણે ત્યાં ગોબરથી ઘર-આંગણામાં લીપણની પધ્ધતિ વિદ્યમાન હતી. બળદ આધારિત ખેતી અને ટ્રાન્સપોર્ટ દ્વારા કરોડો રૂપિયાનાં ડીઝલની બચત ઉપરાંત ડીઝલનો ધુમાડો બંધ થતા પર્યાવરણ શુદ્ધિ થશે. સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે. ગાયના ગોબરમાંથી બાયોગેસ , સીએનજી બનાવવાથી પ્રદૂષણ અટકશે. કરોડો રૂપિયાનું હૂંડિયામણ બચે છે. ગાયનાં ગોબરમાંથી પર્યાવરણ રક્ષક ગણેશ લક્ષ્મી અને અન્ય દેવ-દેવીઓની તેમ જ મહાન પુરુષોની મૂર્તિ, રોપાના કુંડા, દીવા, ધૂપબતી, પેન સ્ટેન્ડ, ટેબલ પીસ, ફોટો ફ્રેમ, કી ચેઇન, નેઈમ પ્લેટ, રાખડી, ધડિયાલ, ધૂળેટીના કલર, રંગોળી, ટાઇલ્સ, બ્રીક અને પેઇન્ટ જેવા અનેક ઘરગથ્થુ આર્ટીકલ્સ બનાવવાનું શરૂ થયું છે. જેથી મહિલા અને યુવા રોજગારીનાં નવા દ્વાર ખુલ્યા છે. ગોબરમાંથી બનાવેલી લાકડીઓ આજકાલ સ્મશાનમાં અગ્નિદાહ માટેના ઈમારતી લાકડાનાં વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ થયું છે. જેથી વૃક્ષોનું છેદન અટકશે અને પર્યાવરણ રક્ષણ થશે. ગાયનાં મુત્યુ બાદ ગાયનાં શબને જમીનમાં સમાધિ આપીને સમાધિ ખાતર બનાવાય છે જે ખૂબ જ પૌષ્ટિક છે, ઓર્ગેનિક ખેતી માટે લાભદાયક હોવા ઉપરાંત ખેડૂતોને વિદેશી ફર્ટિલાઇઝરનાં ખર્ચામાંથી બચાવી શકે છે . ગાય – બળદનાં મૃત્યુ બાદ તેના શીંગડામાંથી બનતા “ શિંગ ખાતર ” તો એટલું મૂલ્ય છે કે તેની કિંમત લાખોમાં આંકી શકાય ! આ ખાતર ખેતરમાં છાંટી દેવાથી જમીનની ઉર્વરા શક્તિ અનેકગણી વધી જાય છે.
ગાયની ઓરા વાતાવરણને પવિત્ર અને શુધ્ધ રાખે છે. ગાયનું સાનિધ્ય વાતાવરણની શુધ્ધતા ઉપરાંત પ્રેમ, કરૂણા, વાત્સલ્ય, દયા, મનની શાંતિ અને પવિત્રતા વધારવાનું તથા નકારાત્મક વિચારો અને વાઈબ્રેશનને રોકવાનું કાર્ય કરે છે. એ વ્યક્તિ, કુટુંબ, ગ્રામ, સમાજ અને વૈશ્વિક બંધુત્વની ભાવનાને સાકાર કરવાનું માધ્યમ છે.
વર્તમાનકાળમાં ગાયનું મૂલ્ય સમજવામાં આપણે થાપ ખાધી છે ત્યારે રખડતી, નિરાધાર ગાયોનાં ઉપરોક્ત ઉપયોગ દ્વારા પર્યાવરણ રક્ષા થશે, સ્વાસ્થ્ય રક્ષા થશે, જમીન રક્ષા થશે, સાથે ગૌરક્ષા થશે.

  • ડો . વલ્લભભાઈ કથીરિયા (મો. 9099377577)
    પૂર્વ ચેરમેન , રાષ્ટ્રીય કામધેનુ આયોગ,
    પૂર્વ કેન્દ્રીયમંત્રી – ભારત સરકાર .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *