- દેશી કુળના વૃક્ષો વાવીને સંસ્કૃતિની જાળવણી કરીએ
ભારત દેશમાં શહેરીકરણ અને ઉદ્યોગીકરણનાં કારણે લીલા જંગલો કપાતા જાઈ છે અને તેના સ્થાને કોન્ક્રીટ કે સિમેન્ટના જંગલો ઊભા થયા છે. જેમ કોઈ પણ ક્રિયાની પ્રતિક્રિયા હોય તેમ આપણા સમાજમાં વૃક્ષ છેદન કરનારની સામે વૃક્ષોનું વાવેતર અને પર્યાવરણનું જતન કરનારો જાગૃત વર્ગ પણ જોવા મળે છે. પરંતુ ઘણી ખરી વાર પૂરતા જ્ઞાનનાં અભાવને કારણે અજાણતા જ પર્યાવરણનું રક્ષણ કરવાના હેતુથી કરેલું કાર્ય જ પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે.
ભારતમાં હાલમાં જ કોનોકાર્પસ નામનું વૃક્ષ ખૂબ જ ચર્ચામાં છે. શુશોભન માટે વપરાતું આ વૃક્ષ મૂળ પશ્ચિમી એશિયામાં જોવા મળે છે. ઝડપથી વૃદ્ધિ કરતું આ વૃક્ષ શોભામાં ચોક્કસપણે વધારો કરે છે પરંતુ તે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે તેવું પર્યાવરણવિદોનું કહેવું છે. કોનોકાર્પસ લેન્સિફોલિઅસ (Conocarpus lancifolius) સુશોભન માટેનું વૃક્ષ છે. તે કોમ્બ્રેટેસી (Combretaceae) કુળની વનસ્પતિ છે. લેન્સલીફ બટનવુડ (Lanceleaf Buttonwood), દમાસ ટ્રી (Damas Tree), વગેરે જેવા સામાન્ય નામોથી ઓળખવામાં આવે છે. તે પશ્ચિમી એશિયા (યમન)નું મૂળ વતની છે. તે સદાહરીત વૃક્ષ છે, જે 20 મીટર ઊંચું વધે છે. વાવેતર કરેલ વૃક્ષ મોટાભાગે એક જ પ્રકાંડવાળું પરંતુ જ્યાં કુદરતી રીતે ઊગે છે તેવા વૃક્ષોમાં ઘણી બધી શાખાઓ હોય છે. પાંદડા સરળ અને ચળકતા, 10 સે.મી. લાંબા, લેન્સ આકારના, આધાર પાસે સાંકડા અને ગાઢ સર્પાકારમાં ગોઠવાયેલ હોય છે. ફૂલો પીળાશ પડતાં લીલા, શાખાઓ પર ગોળાકાર હેડ આકારના અને થોડા સુગંધીદાર. ફળ શુષ્ક, ગોળાકાર, લીલા રંગના, કોન જેવા જે ભીંગડા જેવા નાના ઘણા સખત બીજ ધરાવે છે. સુશોભન માટે ઉપયોગી એવું આ વૃક્ષ માત્ર દેખાવ માં જ સારું છે. ખરેખર આ વૃક્ષ પર્યાવરણની સાથે સાથે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. આ વૃક્ષ મોટે ભાગે દરિયાકિનારે વાવવામાં આવતું હતું પરંતુ આજ શહેરની શોભા વધારવા શહેરી વિસ્તારમાં આ વૃક્ષ વવાઈ રહ્યા છે. આ વૃક્ષ જમીનમાંથી બહોળા પ્રમાણમાં પાણી ખેચી લે છે જેથી ભવિષ્યમાં જમીનનાં પાણીની સપાટી ખૂબ જ નીચી જવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. ગુજરાત રાજ્યના અમુક શહેરોમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સંશોધન દ્વારા જાણવા મળે છે કે કોનોકાર્પસ વૃક્ષથી દરેક વ્યક્તિનાં સ્વાસ્થ્યને અલગ અલગ અસર જોવા મળે છે. તેની રજથી વ્યક્તિનાં ફેફસા પર વિપરીત અસર પડી શકે છે. કેટલાક વ્યક્તિઓને આ વૃક્ષના કારણે ચામડીની એલર્જી અને શ્વસન પ્રક્રિયા પર આડઅસરો તેમજ કફ, ખાંસી જેવી તકલીફો જોવા મળે છે. તબીબી ભાષામાં જેને એલર્જીક બ્રોન્કાઇટીસ કહે છે. આ વૃક્ષ કોઈ પણ ઋતુમાં ખૂબ જ ઝડપથી વિકાસ પામતું હોય છે, ઉપરાંત તે છાંયડો આપે છે માટે લોકો તેની નીચે બેસવાનું પસંદ કરે છે. પરંતુ આ વૃક્ષના પરાગરજો હાનિકારક હોવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આવું વૃક્ષ વાવવાને બદલે ભારતનાં દેશી વૃક્ષો વાવીને આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીએ અને કોનોકાર્પસને જાકારો આપીએ.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)