પર્વાધિરાજ પર્યુષણનું આગમન થવાને છે. આ પર્વ જૈનોની કુળદેવી જીવદયાનું પર્વ છે. જીવદયા કેવી રીતે કરવી? સૌથી શ્રેષ્ઠ જીવદયા કઈ?

કોઈપણ જીવ અકાળે મૃત્યુ પામે નહીં તેવી વ્યવસ્થા કરવી એ છે સર્વશ્રેષ્ઠ જીવદયા. આપણી આસપાસ આપણે દ્રષ્ટિપાત કરીએ તો સમજાઈ જાય છે કે પરિસ્થિતિ બેહદ દયનીય છે. આજે લાખો-કરોડો પશુપક્ષીઓ અકાળે મૃત્યુ પામી રહ્યાં છે. કારણ? આ પશુપક્ષીઓનો ઉપયોગ વિદેશીઓના પેટ ભરવા માટે થઈ રહ્યો છે. આ પશુપક્ષીઓની કતલથી માંસાહાર વેચીને નાણાં કમાવવાનો ઉદ્યમ મોટા પાયે વિકસ્યો છે. આ બર્બરતા અને ક્રૂરતા તરત બંધ થાય એ જોવાની ફરજ આપણી છે. એના માટે તમામ જૈનોએ જાગૃત થઈને નક્કર કાર્ય કરવું જોઈએ. આ માટે સરકારને સમજાવવી જોઈએ. એવું થાય ત્યારે સમજવું કે સાચી પર્યુષણ આરાધના થઈ શકી. એકતાની શક્તિ અને ધર્મની રાહ આપણને આ દિશામાં આગેકદમ કરવાને સતત પ્રેરે છે. જૈનોએ સદીઓથી અહિંસાના સિદ્ધાંતને અનુસર્યો છે. વિશ્વ આખું એ વાતની સાક્ષી પૂરે છે કે જીવવાની સાચી રીત અને તમામ જીવો માટે કરુણા દર્શાવવાના મામલે જૈનો શ્રેષ્ઠ છે. આવા જૈન ધર્મના આપણે અનુયાયી અને આવા મહાન ધર્મમાં આપણને મળેલો જન્મ એટલે પરમાત્માની અણમોલ ભેટ. એનો ખરો ઉપયોગ ત્યારે જ થઈ શકશે જ્યારે આપણે માત્ર જીવવા માટે નહીં પણ સહુને જીવતા રાખવા માટે પણ કર્તવ્ય કરીએ. આપણાં અસંખ્ય ગામોમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. સાધનોના અભાવે, આવકના અભાવે ગ્રામજનો તેમના અબોલ જીવોની સારસંભાળ લઈ શકતાં નથી. તેમની મદદ કરવાનો ધર્મ આપણે નિભાવી શકીએ. અગત્યનું કાર્ય એ કરીને કે ગામેગામનાં અબોલ જીવો માટે આપણે ભોજન-પાણીની વ્યવસ્થા કરવામાં યોગદાન આપીએ. પશુપક્ષીઓને પેટ ભરીને ખાવા મળે એ માટે ગામેગામ ગૌચર તૈયાર થવાં જોઈએ. તેમને પીવા માટે પાણી મળે એ માટે ગામેગામ વરસાદી જળનો સંગ્રહ થવો જોઈએ. આ પ્રકારનાં કાર્યોથી પાકા પાયે પરિણામ મળી શકશે. કોઈપણ ગામમાંથી એકપણ પશુપક્ષી કતલખાને જાય નહીં એ દિશામાં આગેકૂચ થઈ શકશે. કોઈપણ પશુપક્ષી ચારા કે પાણી વિના ટળવળે નહીં તે માટે વ્યવસ્થા આ કાર્યોથી થઈ શકશે. આપણે બસ આ માટે ગામેગામ માનવશ્રમ થકી, આર્થિક સહયોગ પૂરો પાડીને અને બીજી જે પણ રીત જડી આવે તે અનુસાર પુરુષાર્થ ખેડવાનો છે. આપણે ચારાપાણી જેવી પાયાની જરૂરિયાતોની વ્યવસ્થા કરવાની છે. એ પછી કોઈ ગ્રામજન એવું નહીં ઇચ્છે કે એનાં પશુપક્ષી કતલખાને પહોંચી જાય અથવા રઝળતાં મૂકી દેવાય. સમગ્ર ભારતમાં 19,500 પાંજરાપોળો તથા ગૌશાળાઓ છે. આ સંસ્થાઓ પૂર્ણ શક્તિથી કામ કરી શકે તે માટે આપણે સહયોગ આપવાનો છે. એમની જરૂરિયાતોને પહોંચી વળવામાં આવે તો પર્વાધિરાજ પર્યુષણમાં આપણે ઉત્તમ કર્મ કર્યું એમ ગણાશે. આ કાર્યમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર પણ સહયોગ આપે તે માટે આપણે સરકારને જાગૃત કરવાની છે. ઘણીવાર સરકાર કહે આ તો તમે સમાજસેવા કરો છો, એમાં સરકારની ભૂમિકા કેવી રીતે આવે? સરકાર તમને શા માટે મદદ કરે? આ દલીલ પાયાવિહોણી છે. વાસ્તવિકતા એ છે કે પાંજરાપોળોમાં જે અબોલ જીવો સચવાયાં છે એ બહુ ઉપજાઉ છે. આ અબોલ જીવો કુદરતની અનન્ય ગોઠવણનો એક અવિભાજ્ય હિસ્સો પણ છે. પશુઓના છાણ તથા મૂત્રથી માંડીને અનેક પદાર્થો બહુમૂલ્ય દ્રવ્ય છે. આપણા પૂર્વજોએ આ દ્રવ્યોનો અસરકારક ઉપયોગ કરીને પ્રગતિ સાધી હતી, અને ગ્રામ્ય જીવન વ્યવસ્થાને ઉત્કૃષ્ટ બનાવી હતી. ટેક્નોલોજી અને ભૌતિક પ્રગતિ પાછળ આપણે આંધળી દોટ મૂકીને એ વાતોને તડકે મૂકી દીધી એમાં વાંક આપણો. અબોલ જીવો થકી મળતા આ દ્રવ્યોનો ઉપયોગ વિવિધ ઉત્પાદનો માટે તથા નૈસર્ગિક ખેતી માટે થઈ શકે છે. એમાંથી નૈસર્ગિક ખાતર પણ બને છે. સરકારે આ પશુઓની ઉપયોગિતા સ્વીકારવી જોઈએ. સરકારે પાંજરાપોળોમાં સચવાયેલા દરેક પશુદીઠ રૂપિયા 50ની આર્થિક મદદ આપવી જોઈએ. પાંજરાપોળો આ નાણાંનો ઉપયોગ ઘાસચારાથી માંડીને તેમની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે કરી શકે. અબોલ જીવો થકી જે છાણ ઉપલબ્ધ થાય તેમાંથી જે નૈસર્ગિક ખાતર બને એ આસપાસનાં ખેતરોમાં વહેંચવામાં આવવું જોઈએ. એનાથી ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન મળશે. પ્રાકૃતિક ખેતી થકી પાક પણ સારા લણી શકાશે. તેનાથી લોકોનાં સ્વાસ્થ્ય પણ સુધરશે. સામા પક્ષે રાસાયણિક ખાતરો માટે થતા તોસ્તાન ખર્ચ પર પણ કાબૂ મેળવી શકાશે. દાનવીરો તો પેઢીઓથી પાંજરાપોળો જેવી સંસ્થાઓના આર્થિક વહનમાં યોગદાન આપે છે. જો સરકાર પણ સાથ આપે તો અબોલ જીવોરૂપી જે ધન આપણી પાસે છે એ વૃદ્ધિ પામશે અને દેશને પણ લાભ થશે. આપણે જૈન ધર્મના જે સિદ્ધાંતો થકી વિશ્વને અહિંસાનો જે ઉપહાર આપ્યો છે એની મહત્તા પણ વિશ્વને વધુ સચોટતાપૂર્વક સમજાશે. પર્યુષણ પર્વનું બીજું અગત્યનું કર્તવ્ય છે સાધર્મિક ભક્તિ. કોઈપણ સાધર્મિક પેટ ભરવા માટે વલખાં મારે નહીં એ સુનિશ્ચિત કરવાનું કાર્ય આપણું છે. પર્વાધિરાજ પર્યુષણ વખતે આપણો સંકલ્પ હોવો ઘટે કે સાધર્મિક વ્યક્તિ માનભેર જીવી શકે તેની વ્યવસ્થા કરવાની જવાબદારી હું ઉઠાવીશ. આપણે આ જવાબદારી સુપેરે નિભાવવી જોઈએ. આપણા સંઘોએ, સંપન્ન પરિવારોએ આ જવાબદારી ઉઠાવવામાં સૌથી આગળ રહેવું જોઈએ. જે કોઈ સંપન્ન હોય તેમણે પોતાના કુટુંબમાં તપાસ કરવી જોઈએ કે કોઈ સાધર્મિક નબળી પરિસ્થિતિને લીધે દુઃખી તો નથી. કુટુંબમાં કોઈ દુઃખી ન હોય તો દ્રષ્ટિ વધુ વિશાળ કરીને સમાજ તરફ નજર કરવી જોઈએ. એનાથી પણ આગળ વધીને પોતાના સંઘનો વિચાર પણ વ્યક્તિ કરી શકે. દરેક સાધર્મિક શ્રેષ્ઠ બની જાય અને તેણે ક્યારેય હાથ લાંબો કરવાનો વખત આવે નહીં તેવી ભાવના આપણા સૌમાં પ્રબળ થવી જોઈએ.

ભારતભરમાં 22,500 સંઘો અને જિનાલયો છે. આ તમામ જો એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવીને એકત્વ સાથે કામ કરે તો બહુ મોટું પરિવર્તન આવી શકે. આપણે સુખી અને સાધર્મિક દુઃખી તો સમજી લેવાનુ કે આપણે પરમાત્માની શીખને આત્મસાત્ કરવામાં ક્યાંક ઊણા ઊતરી રહ્યા છીએ. આવું ના થાય એ સુનિશ્ચિત કરવાનો સમય એટલે પર્વાધિરાજ પર્યુષણ.

આવો, સાથે મળીને આપણે આ પર્વાધિરાજ પર્યુષણને સુવર્ણાક્ષરે અંકિત થનારા એક પરિવર્તનનો સાક્ષી બનાવીએ. આપ સૌના સહયોગ અને સેવાભાવ થકી આપણે જિનશાસનને વધુ જાજવલ્યમાન બનાવીએ તેવી પરમાત્માને પ્રાર્થના.

                        –  ગિરીશ જયંતીલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન  (મો. 98200 20976)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *