ગુજરાત રાજ્યમાં હાલમાં પશુઓમાં લમ્પી નામનો ચામડીનો રોગ ફેલાયો છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે એક પ્રકારનો વાયરલ રોગ છે. લમ્પી વાઇરસ મક્કમ ગતિએ કમનસીબે ફેલાવા લાગ્યો છે. દરરોજ ઘણા પશુઓના મોત થઈ રહ્યા છે આ રોગ હજુ પણ કાબૂમાં આવી શક્યો નથી. આ સમયે અખબારી અહેવાલો દ્વારા પ્રાપ્ત થયેલા સમાચારો અનુસાર ગુજરાતમાં પશુપાલન વિભાગમાં પશુ ચિકિત્સા અધિકારીની જ કુલ મળીને 455 જગ્યા મંજૂર થયેલી જગ્યાઓમાંથી આજેય 315 જગ્યાઓ ખાલી પડી છે. આ કારણે ઘણા બીમાર પશુઓની સારવાર યોગ્ય ઢબે થઈ શકતી નથી જેથી કરીને ઘણા પશુઓ અકાળે મૃત્યુ પામે છે. હજારો પશુઓ અસરગ્રસ્ત છે ત્યારે પશુધન નિરીક્ષક, ડ્રેસરની જગ્યાઓ ખાલી પડી હોય તો પશુઓની સારવારમાં ખુબ જ મુશ્કેલી સર્જાઈ શકે છે. પશુ ડોકટરોની ઉપલબ્ધતા ન હોય તો ચાલુ દિવસોમાં પણ પશુઓની સારવાર કરવામાં તકલીફ પડે છે. પશુઓની સારવાર કરવા માટે ફક્ત હાથના વેઢે ગણી શકાય તેવા પાંચ સાત ડોક્ટર્સ જ ઘણી જગ્યાએ ઉપલબ્ધ હોય છે. જે દરેકે દરેક પશુઓ સુધી પહોંચી શકતા નથી જેના કારણે બીમારીનો ભોગ બનેલા પશુઓની સારવાર યોગ્ય રીતે થઈ શકતી નથી અને કેટલાક પશુઓ તો સારવારના અભાવે અકાળે મૃત્યુ પામે છે. આ કારણે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનનાં મિત્તલ ખેતાણી દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરવામાં આવી છે કે યોગ્ય ચકાસણી કરી આપ જરૂરી પગલાં લઈ આ મહામારીમાંથી વધુમાં વધુ પશુઓને ઉગારી લેવા તેમજ રૂટીનમાં પણ વધુમાં વધુ પશુ, પક્ષીઓનો જીવ બચાવવા પશુ ચિકિત્સા અધિકારી, પશુધન નિરીક્ષક, ડ્રેસર ની જગ્યાઓ તાત્કાલિક ભરવા વિનંતી કરાઈ છે.
પશુ ચિકિત્સા અધિકારી, પશુધન નિરીક્ષક, ડ્રેસર ની જગ્યાઓ ત્વરિત ભરવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરતા મિત્તલ ખેતાણી
