સદભાવના વૃધ્ધાશ્રમના સથવારે આ ૧૦,૦૦૦ વૃક્ષોનું મીયાવાકી જંગલ બનશે.
ખોડલધામ ટ્રસ્ટનાં સ્વપ્નદૃષ્ટા તથા સ્થાપક પ્રમુખ, સદજયોત ટ્રસ્ટનાં સેવાવ્રતી ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસની સીમાચિન્હ સ્વરૂપી ઉજવણી થઈ હતી. સમગ્ર ગુજરાતમાં ૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સફળતા પૂર્વક ઉછેર કરી રહેલા અને ગુજરાતનાં સૌથી મોટા વૃધ્ધાશ્રમ (૨૭૫) વડીલો એવા સદભાવના વૃધ્ધાશ્રમનાં પ્રમુખ અને ગુજરાત સરકારનો ‘વન પંડિત’ એવોર્ડ વિજેતા વિજયભાઈ ડોબરીયાનાં સથવારે નરેશભાઈ પટેલે ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી, તેમજ આગામી વર્ષોમાં મિયાવાકી જંગલ સ્વરૂપે રંગપર ખાતે આ વૃક્ષોનાં ઉછેરની પણ સંપૂર્ણ જવાબદારી લીધી હતી. નરેશભાઈ પટેલે થોડા વૃક્ષોનું પ્રતિકાત્મક વાવેતર પણ કર્યું હતું. આ અંગે સંપૂર્ણ તકનીકી માર્ગદર્શન નિવૃત ફોરેસ્ટ અધિકારી વરસાણી સાહેબનું પ્રાપ્ત થઈ રહયું છે. ઉલ્લેખનીય છે કે વરસાણી સાહેબ આ પ્રકારનાં અનેક મિયાવાકી જંગલોનાં નિર્માણમાં નિમિત બન્યા છે, બનતાં રહે છે. આ મિયાવાકી જંગલની પણ સંપૂર્ણ દેખરેખ વરસાણી સાહેબ જ કરવાનાં છે. આ પ્રસંગે નરેશભાઈનાં પરીવારજનો ડો. ડાયાભાઈ પટેલ, શિવરાજ નરેશભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરીયા, પ્રકાશભાઈ પીપળીયા વગેરે પણ ઉપસ્થિત રહયાં હતાં. ઉલ્લેખનિય છે કે, હજારો યુવાનોએ સમગ્ર ગુજરાતમાં રકતદાન કરી નરેશભાઈ પટેલનાં જન્મદિનને ફુલડે વધાવ્યો છે. સોમનાથ દાદા અને માં ખોડલ સેવાવ્રતી નરેશભાઈ પટેલની હરકોઈ મનોકામના પરિપૂર્ણ કરે અને એમનું જીવન સુખમય અને મંગલમય ભર્યું રહે અને નિરોગી તથા દીર્ઘાયું રહે અને સમાજને એમની સેવાનો લાભ મળતો રહે એવી સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારે શુભકામના પાઠવી હતી. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટને ગ્રીન સીટી બનાવવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહયું છે. આ અભિયાન હેઠળ આ ચોમાસામાં શહેરમાં ૨ લાખ જેટલા વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર કરવામાં આવશે. સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. ઉપરાંત આ વર્ષે નવો અભિગમ શરૂ કરાયો છે જેમાં તમામ સરકારી કચેરીઓ, સરકારી કે ખાનગી શાળાઓમાં સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ આવીને વિનામુલ્યે વૃક્ષારોપણ કરી જશે.રાજકોટને ગ્રીન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃધ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બન્યું છે. ગુજરાતનું સૌથી મોટું સદભાવના વૃધ્ધાશ્રમ નિરાધાર ૨૭૬ વડીલોને આશ્રય આપવાની સાથે શહેરને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયું છે. જેને ખૂબ ટૂંકા સમયમાં ૫,૦૦,૦૦૦ વૃક્ષો વિનામુલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું ‘ધ ગ્રીન મેન’ તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બંન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. હાલ કોરાનાની મહામારી વચ્ચે પણ વિજયભાઈ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ફોજ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ ૭૦ ટ્રેકટર, ૭૦ ટેન્કર, ૪૦૦ વ્યક્તિઓના સ્ટાફ વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અત્યાર સુધીમાં કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજય સરકારે ‘ધ ગ્રીન મેન’ વિજયભાઈ ડોબરીયાનું ‘વન પંડીત’ એવોર્ડથી સન્માન પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *