• વૃક્ષો જેમ છાયો આપે એમ વડીલો પણ વાત્સલ્યનો છાયડો આપે છે – પ.પૂ. મોરારીબાપુ

વિશ્વભરમાં રામનામની આહલેક જગાડનાર પ્રખર રામાયણી પ.પૂ. મોરારીબાપુએ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા દ્વારા પૂ.બાપુની સાથે આગામી મહિનાઓમાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ૨૦૦૦ જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તે પ્રકારનું વૃધ્ધાશ્રમ ૩૦ એકર જગ્યામાં નિર્માણાધીન છે તે તમામ બાબતોની ઝીણવટ ભરી ચર્ચા-વિચારણા કરી માહિતગાર કર્યા હતા. પ.પૂ. મોરારીબાપુએ વૃદ્ધાશ્રમની મુલાકાત સમયે આશિર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, ‘વૃક્ષો જેમ છાયો આપે એમ વડીલો પણ વાત્સલ્યનો છાયડો આપે. એમનામાં આપણા જેવી ચતુરાઈ, આપણા જેવો સ્વાર્થ નથી. વડીલો એમના બાળકો પાસે રહે એમાં તો એ ખુશ જ રહે પણ તેઓ પોતાના પરિવાર સાથે કોઈ પણ કારણોસર નથી રહી શકતા ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ કદાચ એમના બાળકો કરતા પણ એમની વધારે સેવા કરે છે. સંસ્થાના શ્રેષ્ઠ કાર્યો માટે સાધુવાદ.’  

પ.પૂ. મોરારીબાપુની શુભેચ્છા મુલાકાત સમયે સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, ફુલછાબનાં જનરલ મેનેજર નરેન્દ્રભાઈ ઝીબા, પ્રતાપભાઈ પટેલ, ધિરેન્દ્ર કાનાબાર, મિતલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર મનીષભાઈ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહયાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *