• જીવદયા વિષે પ્રેરક વાતોનું આદાન પ્રદાન થયું
  • મનુષ્યની જેમ પશુ, પક્ષી, પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે – અમીબેન ગણાત્રા

પ્રસિદ્ધ લેખિકા, વક્તા, યોગ પ્રશિક્ષક, IIM નાં ભૂતપૂર્વ વિદ્યાર્થિની સુશ્રી અમીબેન ગણાત્રા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન – રાજકોટની મુલાકાતે આવ્યા હતા. સુશ્રી અમીબહેને જીવદયાને લગતી અવનવી વાતો કરી સાથે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેમજ અર્થશાસ્ત્રમાં જીવદયાનું શું મહત્વ છે એ જણાવ્યું હતું.

આપણી સંસ્કૃતિમાં જે સ્થાને માણસ છે એ જ સ્થાને બધા પશુ,પક્ષી, પ્રાણી છે. માણસ ઉપર અને બાકી બધા નીચા સ્તરે નથી.  મહાભારતનાં સમયે જયારે પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો એ સમયે પાંડવો જે વનમાં રહેતા હતા ત્યાં ઘણા લોકો તેમને ત્યાં મહેમાન થઈને આવતા હતા. તેમને સાચવવા, ભોજન કરાવવા માટે બળતણ, લાકડા અને અન્ય ઘણી ચીજવસ્તુઓ જોઈતી હતી. જેનાં કારણે જંગલની જીવ સૃષ્ટિને ઘણું નુકસાન થઇ રહ્યું હતું. આ કારણે ધર્મરાજ યુધિષ્ઠિરનાં સ્વપ્નમાં એક વખતે જંગલનો એક હરણ આવ્યો અને તેણે ધર્મરાજ યુધિષ્ઠિરને થોડા સમય માટે તેમની સંતતિ જળવાય રહે તે માટે જંગલ છોડીને જવા વિનંતી કરી અને ફક્ત એક સ્વપ્ન પર તેમણે પોતાના ભાઈઓ અને પત્ની દ્વૌપદી સાથે એ વન છોડી દીધું અને બીજે રહેવા ચાલ્યા ગયા. એવી જ રીતે અર્થશાસ્ત્રમાં ચાણક્ય એ કહ્યું છે કે જયારે કોઈ વિના વાંકે પશુ, પક્ષી, પ્રાણીઓને હાનિ પહોંચાડે છે તો તે દંડને પાત્ર છે. પહેલાનાં સમયમાં કોઈ પોતાના ઘરમાં ગાય રાખે છે અને એ ગાય જો પાડોશીનાં ઘરમાં જતી રહે છે તો પાડોશીને જે તે પશુને પોતાના ઘરથી બહાર કાઢવાનો પણ હક મળતો ન હતો. તેનાં માલિકને બોલાવીને ખુબ જ શાંતિથી પશુ ને કોઈ પણ જાતની ઈજા કર્યા વગર પોતાના પશુને લઈ જવું એવું કેહવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા વિષે લખ્યું છે અને આજે પણ લોકો એ કરે છે. આવી જ જીવદયાને લગતી અનોખી વાતો અમીબહેને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ સાથે કરી હતી. તેમણે જે લોકો ખુબ જ ખંતથી જીવદયા કરે છે તેમને અભિનંદન આપ્યા હતા અને જેઓ જીવદયા નથી કરતા તો કમ સે કમ અહીં સૃષ્ટિમાં જેમ માણસ જીવે છે તેમ અન્ય જીવોને પણ સાથે રહેવાનો અધિકાર છે તેથી તેમને હેરાન તો ન જ કરવા જોઈએ એવો સંદેશ આપ્યો હતો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *