• પ્રાણીઓના એકસપોર્ટમાં અનિયમિતતા દૂર થાય અને ગેરકાયદે થતા એકસપોર્ટને રોકવા પંકજભાઈ બુચ દ્વારા ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત

ગુજરાતમાંથી અન્ય રાજયોમાં દૂધાળા પ્રાણીની નિકાસ કરવા પર સરકારે તા. ૨૨-૧૦-૨૦૧૩ના રોજ પ્રતિબંધ મૂકયો છે. આ પ્રતિબંધ અમલમાં હોવા છતાં રાજય સરકાર ખાસ પ્રાણીના એક્સપોર્ટ માટે મંજૂરી આપે છે અને ત્યારબાદ મામલતદાર એકસપોર્ટ માટેની પરમીટ કાઢી આપે છે.

મામલતદાર તરફથી આપવામાં આવતી પરમીટનું ચોકકસ ફોરમેટ સરકારે પ્રસિધ્ધ કરેલ નથી. પરિણામે મામલતદારો તરફથી અલગ અલગ રીતે લખાણ કરીને પરમીટો આપવામાં આવે છે અને તેમાં મહત્વની જોગવાઈઓ જણાવવામાં આવતી નથી.  ઉપરાંત મામલતદાર સિવાયના અધિકારીઓ પણ પરમીટ કાઢી આપે છે, તેના પર કોઈ નિયંત્રણ નથી. આ વાત ધ્યાન પર આવતા અહિંસા મહાસંઘ સંસ્થાના પંકજભાઈ બુચ દ્વારા ગુજરાત રાજ્ય પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં લઈ જવાતા પ્રાણીઓ માટેની પરમીટનું કોઈ ચોક્કસ ફોરમેટ નથી તેથી તેમાં એકસૂત્રતા જળવાતી નથી. તેમજ પરમિટ કયા કાયદા હેઠળ આપવામાં આવ્યું છે અને ટ્રાન્સપોર્ટ સબંધિત કયા કાયદાનું પાલન કરવાનું રહેશે તે પણ દર્શાવવામાં આવતું નથી. પરમિટ કેટલા દિવસ સુધી વેલીડ રહેશે અને કઈ શરતોનું પાલન કરવાનું રહેશે તે પણ દર્શાવવામાં આવતું નથી. આ પરમિટ મોટા ભાગે ગુજરાતીમાં લખવામાં આવે છે, બહારના રાજ્યો માટે આ પરમિટ અંગ્રેજીમાં લખવા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. અહિંસા મહાસંઘનાં પંકજભાઈ બુચ દ્વારા આ રજૂઆતમાં પરમિટ ઇસ્યુ કરતાં પહેલા આર.ટી.ઓ. તરફથી સેન્ટ્રલ મોટર વેહીકલ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૧૫ મુજબ આપવામાં આવતું સ્પેશ્યલ લાયસન્સ , આર.ટી.ઓ. તરફથી ગુજરાત મોટર વેહકીલ રૂલ્સ-૧૯૮૯ ના કુલ-૧૨૩ મુજબ વાહનમાં પ્રાણીને સમાવવાની કેપેસીટી દર્શાવતું સર્ટિફિકેટ , ટ્રાંસપોર્ટ ઓફ એનીમલ્સ રૂલ્સ-૧૯૭૮ ની જોગવાઈઓ મુજબ કોમ્પીટન્ટ અધિકારી તરફથી પ્રાણીના મેડીકલ ફીટનેસ માટે અપાતા શીડયુલ મુજબના સર્ટિફિકેટ. (ગૌવંશ તથા ભેંસવર્ગ માટે શીડયુલ–એચ, ઘેટાં-બકરાં માટે શીડયુલ-જે મુજબનું સર્ટિફિકેટ), ટ્રાંસપોર્ટ ઓફ એનીમલ્સ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૦૧ ના કુલ-૯૬ મુજબ તાલુકાના સરકારી વેટરનરી ડોકટરનું ટ્રાંસપોર્ટના તમામ નિયમોનું પાલન થવા સબંધી સર્ટિફિકેટ, ધી ગુજરાત એનીમલ પ્રીઝર્વેશન (એમેન્ડમેન્ટ) એકટ–૨૦૧૧ અન્વયે ગૌવંશ પ્રાણીના ટ્રાંસપોર્ટેશન માટે કોમ્પીટન્ટ અધિકારી તરફથી આપવામાં આવેલ વેલીડ પરમીત જેવા દસ્તાવેજોની ચકાસણી કરવા વિનંતી કરાઇ છે. ધી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડઝ (લાયસન્સીંગ એન્ડ રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન્સ-૨૦૧૧ ના રેગ્યુલેશન-૩.૪ મુજબ ૧૨ કલાકથી વધુ મુસાફરી હોય ત્યારે પ્રાણીઓના ટ્રાંસપોર્ટેશન ફકત રેલ્વેથી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેથી અન્ય રાજયોમાં એકસપોર્ટની પરમીટ વાહનને બદલે ફકત રેલ્વે મારફતે ઈસ્યુ કરવા સરકાર કક્ષાએ નિર્ણય લેવાય તે જોવા વિનંતી કરાઇ છે.પ્રાણીઓના એકસપોર્ટમાં કાનૂની જોગવાઈઓનું પાલન થાય તથા અનિયમિતતા દૂર થાય અને ગેરકાયદે થતા એકસપોર્ટને રોકવા અહિંસા મહાસંઘનાં પંકજભાઈ બુચ દ્વારા ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરાઇ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *