બ્રેઇન ડેડ વ્યકિતના હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે થતું અંગોનું દાન. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે બ્રેઇન ડેડ નાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગોનું દાન.
જૂનાગઢનાં ફેનિલ અશોકભાઇ રાજપરા (પટેલ) ઉ. વર્ષ.15 અને ધો. 9 માં અભ્યાસ કરી ધો. 10 માં પ્રવેશ કરવાની ઉંમરમાં બીમારીના કારણોસર બ્રેઇન ડેડ થયું હતું , પિતા ખેતીવાડીનો વ્યવસાય કરે છે. અશોકભાઇ પોતાના વ્હાલસોયા દીકરાનું કમળાની બીમારીમાં બ્રેઇન ડેડ થતાં અંગદાન કરવા ઇચ્છતાં હતા, પરંતુ કમળાને કારણે કિડની અને લીવર ફેલ થતાં એ શક્ય થઈ શકે તેમ નહોતું . પરંતુ પિતા અશોકભાઇ હાર્યા નહીં, અને તેના પુત્રનું સ્કીનદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સ્કીનદાન કરીને અન્યની જિંદગીમાં પોતાના પુત્રને જીવાડવા માટે સહમત થયા. રાજકોટ રોટરી સ્કીન બેન્કના ડૉક્ટરની ટીમ , ડો. અરુણભાઈ તેમજ મનોજભાઈ દ્વારા સ્કીનનું દાન લેવાયું તેમજ બંને આંખોનું દાન હોસ્પિટલ દ્વારા લેવામાં આવ્યું. ડો. મલય , ડો. તુષાર જીવનાણી તેમજ અન્ય ડોક્ટર્સ દ્વારા ફેનિલના પરિવારજનોને સ્કીન ડોનેશન માટે સમજાવ્યું હતું, અને પરિવારની સહમતી મેળવી હતી. સ્કીનદાનની સાથે જ ફેનિલની આંખોનું પણ દાન કરાયું હતું.
સૌરાષ્ટ્રમાં થયેલ સ્કીનદાન માં 15 વર્ષના બાળકનું સ્કીનદાનનો આ પ્રથમ કિસ્સો છે. અન્યની જીંદગીને બચાવવાની લાગણી ધરાવતા અશોકભાઇ એ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે. આ પ્રસંગે અંગદાન જાગૃતિના મિતલ ખેતાણી, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા તથા ભાવનાબેન મંડળી એ સ્કીનદાન સરળ બને તે માટે જહેમત ઉઠાવી હતી. અંગદાન અંગે જાગૃતિ લાવવા ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, હર્ષિતભાઈ કાવર સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9106379842 ,9427776665, 9825256578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા ઓર્ગન ડોનેશનની યાદીમાં જણાવાયું છે.
એકનું અંગદાન એટલે આઠને જીવતદાન
