
એનિમલ વેલ્ફેર બોર્ડનાં ગિરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીની રૂબરૂ રજૂઆત
મુખ્યમંત્રીશ્રીનો સાનુકૂળ પ્રતિભાવ
રાજયની તમામ પાંજરાપોળ/ગૌશાળાને કાયમી, દૈનિક પ્રતિ પશુ પ્રતિદીન સબસીડી આપવામાં આવે તેવી ઘણા વર્ષોથી માંગ ગૌશાળા—પાંજરાપોળોની હતી. પાંજરાપોળ ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જતી હોય. પાડા, વાછડા, ખૂબ મોટા પ્રમાણમાં આવી રહયાં છે, દાનની આવક ઘટી રહી છે. મોંઘવારી વધતી ગઈ છે. ગુજરાતની તમામ ગૌશાળા—પાંજરાપોળની વર્ષો જુની રજૂઆતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉમદા જીવદયા ભાવનાથી પ્રોત્સાહિત થઈને અને રાજ્યનાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલનાં સહકારથી ૫૦૦ કરોડ અને નિઃસહાય (રખડતાં) ગૌમાતા, ગૌવંશ માટે ૧૦૦ કરોડ જાહેર કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનાનો ઠરાવ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી. આ અંગે યોગ્ય કરવા જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ મળી સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના ગિરીશભાઈ શાહ તથા મિતલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પણ સાનુકૂળ પ્રતિભાવ આપી, તા. 1 એપ્રિલથી જ આ યોજનાનું અમલીકરણ થશે અને આ અંગે યથાયોગ્ય ઠરાવ પણ તાત્કાલિક પસાર કરવામાં આવશે જેની ખાતરી ગિરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીને આપી હતી.