પૂ.મહંતશ્રી ગોપાલાનંદજી બાપુ તથા પૂ.શ્રી મુકતાનંદજી બાપુ પ્રેરિત ‘મનવંદના ચેરીટેબલ ટ્રસ્ટ’, જુનાગઢ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સેવાકીય સંસ્થા છે. એ છેલ્લા 15 વર્ષથી માનસિક દિવ્યાંગ બાળકો માટે કાર્યરત છે. મનીષભાઈ અને વંદનાબેન  પુરોહિત, એક દંપત્તિ આ સંસ્થા ચલાવે છે. તેઓ નિસંતાન છે માટે તેઓ દિવ્યાંગ બાળકોની સેવા જ તેમના જીવનનો ધર્મ અને કર્મ બની રહ્યો છે. તેઓને આ બાળકો સાથે એક અલગ જ આત્મીયતા અનુભવાય છે. આવા બાળકો સારી રીતે કામ કરે અને પોતાના જીવનમાં ઓછામાં ઓછી પોતાની આજીવિકા કરી શકે માટે વંદના પુરોહિતએ આ બાળકો માટે સ્પે. બી. ઍડ. પણ કર્યું. મનવંદના  ટ્રસ્ટ દ્વારા સેરેબલ પાલ્સી (સી.પી. ચાઇલ્ડ), ઓટીઝમ ડાઉન સિન્ડ્રૉમ, અતિ ગંભીર માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકોને સાચવવામાં આવે છે. તેમની મુખ્ય પ્રવૃતિઓ માનસિક દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક તાલિમ, રમત-ગમત, સામાજીક પુર્નવસન સંગીત, આર્ટ એન્ડ ક્રાફટ જેવી તાલીમ આપવાનો છે. જેથી આવા બાળકોના માતા પિતાને મદદરૂપ થઈ શકાય. મૂળ જૂનાગઢના  મનીષ પુરોહિતે(52) લગ્ન બાદ પોતાના બાળકને જન્મ આપવાને બદલે સમાજમાં તરછોડાયેલા બાળકોના પિતા બનવાનો નિર્ણય લઇ આજે મા-બાપ વગરના માનસિક રીતે દિવ્યાંગ બાળકોના પિતા બનીને તેમને ઉછેરી રહ્યા છે. મનીષભાઈ અને વંદનાબેન પુરોહિતે 1995માં લગ્ન કર્યા બાદ તેઓ નિસંતાન રહ્યા અને દિવ્યાંગ બાળકોનો ઉછેર જ તેમનું જીવન બની ગયું, આ બાળકો જ તેમનો પરિવાર બની ગયા.  તેમની સંભાળ માટે મનીષભાઇ અમદાવાદની નોકરી છોડીને જૂનાગઢ રહેવા જતા રહ્યા. તેઓ પોતે પણ કહે છે કે, “પિતૃત્વ પ્રાપ્ત કરવા બાયોલોજિકલ પિતા બનવું જરુરી નથી, પિતાનું વાત્સલ્ય બાળક કેવું છે તે જોઇને નથી વરસતું.” તેમના બાળકો પણ પાલક પિતાને હવે પપ્પા કહીને બોલાવે છે. વંદનાબેન અને મનીષભાઈ માટે આ કાર્યના પ્રેરણાસ્ત્રોત પૂ.મહંત શ્રી ગોપાલાનંદજી બાપુ અને પૂ.શ્રી મુકતાનંદજી બાપુ બન્યા. તેમના આશીર્વાદથી મનવંદના ટ્રસ્ટને જુનાગઢ જિલ્લામાં તેમના ચાપરડા ખાતે આવેલા આશ્રમમાં પૂજ્ય મુક્તાનંદજી બાપુએ આ બાળકો માટે રહેવા તેમજ વિવિધ પ્રવૃતિઓ માટે જમીનનું એટલે કે ભૂમિદાન કર્યું હાલ એ પવિત્ર ભૂમિ પર રહેવા માટે છાત્રાલયનું બાંધકામ પૂરું થઈ ગયેલું છે અને અમો આ પ્રકારના હાલ વીસ (૨૦) જેટલા બાળકોને આ છાત્રાલયમાં કોઈપણ પ્રકારના શુલ્ક કે ફી વગર અમારા સંતાનની માફક સાચવવામાં આવે છે. જેમાં બાળકોને સવારે ચા-દૂધ, નાસ્તો બપોરે ભોજન,સાંજે નાસ્તો અને રાત્રે ભોજન અને દૂધ આપવામાં આવે છે. કપડાં અને અન્ય જરૂરીયાતની ચીજોનું પણ વિતરણ કરવામાં આવે છે તેમજ બાળકોની તબિયત બગડે કે કોઈ બાળકને રોજીંદી દવા આપવાની હોય તો તેના માટે ડોક્ટર્સ અને દવા વગેરેનો ખર્ચ પણ પૂરો પાડવામાં આવે છે.  આ તમામ સેવા કાર્યો માટે સંસ્થા કેવળ દાન પર જ નિર્ભર છે. આ સંસ્થામાં બાળકો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને આ સંસ્થાનો હેતુ માત્ર સેવાનો જ છે. સંસ્થાને અપાતું અનુદાન 80જી(5) હેઠળ કરમુક્ત છે. સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અપીલ કરાઈ છે. આ માટે વધુ માહિતી માટે મનિષભાઈ પુરોહિત(મો. 9574477877) અને વંદનાબેન પુરોહિત(મો. 95743 77877)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *