
વિશ્વભરમાં શાકાહારનો પ્રચાર અને માંસાહાર તરફથી શાકાહાર તરફ વળતાં લોકો દ્વારા સ્વાભાવિક રીતે ભારત અને ખાસ કરીને ગુજરાતનાં રાજકોટ શહેરમાં ઈંડાની અને અન્ય નોનવેજ ખાદ્ય પદાર્થોને દૂર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે; આ જ ચર્ચાએ જ આ લેખને ઇજન આપ્યું જ છે. વાત નીકળી જ છે તો આહાર પદ્ધતિનો એ મુદ્દો પણ વિસ્તૃતમાં જ ચર્ચી લઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપરથી ઈંડા અને અન્ય માંસાહારની ગેરકાયદેસર રીતે રુચિ ભંગ કરતી રેકડીઓ/લારીઓ દૂર કરવાનું અભિયાન શરૂ થયું છે તે સરાહનિય કરતા પણ જરૂરી છે કે નહી એ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે, જેના મૂળમાં છે શાકાહાર અને માંસાહારની ચર્ચા મિત્રો આપણો દેશ ભારત ખેતી પ્રધાન દેશ છે ત્યારે શાકાહાર જ મંદીથી બહાર નીકળવાનો માર્ગ છે એ નિર્વિવાદિત સત્ય છે, મૃત શરીરને આરોગવાથી વિશ્વમાં રોગીષ્ટોની વધી રહેલ સંખ્યાને ધ્યાને લેતા શાકાહાર માંદગીઓથી છુટકારો મેળવવાનો અને માંસાહારીઓમાં વકરતા અને વિસ્તરતા વિકારના પગલે દૂષિત માનસીકતાથી નિવારણનો માર્ગ પણ માત્ર અને માત્ર શાકાહાર જ છે. કદાચ કોરોનાનો જન્મ ચીનનાં વુહાન શહેરમાં ચામાચીડિયાઓ આરોગવાથી થયો, એથી મોટું માંસાહારથી થનાર નુકશાનનું પ્રમાણ માનવજાત સમક્ષ પ્રસ્તુત કરવાની જરૂર નથી લાગતી! મિત્રો આ મુદ્દો માત્ર જો ખોરાકની પદ્ધતિ અંગેનો હોય તો ચર્ચા સ્થાનિક સ્તરે રાજકીય સ્વરૂપે શરૂ થાય અને રાજકીય સ્વરૂપે છે બંધ થઈ જાય. શાકાહારીઓની દલીલ હોય છે કે માંસાહાર એ મનુષ્ય માટે અખાદ્ય છે જેને પ્રકૃતિનું પણ સમર્થન પ્રાપ્ત છે, કેમ કે મનુષ્ય એક પ્રાણી છે તો દરેક પ્રાણીઓમાં શાકાહારી અને માંસાહારી અને તૃણાહારી એવા સંબોધનો છે; ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ મનુષ્ય નામનું પ્રાણી ઓફોસિયલી શાકાહારી છે કે માંસાહારી! તો આવો જોઈએ શાકાહારી અને માંસાહારી પ્રાણીઓનાં ખાદ્યની પદ્ધતિઓનું પ્રાકૃતિક અવલોકન. શાકાહારી પ્રાણીઓ જ્યારે પાણી પીવે છે ત્યારે ઘૂંટી ઘૂંટીને પીવે છે જ્યારે માંસાહારી પ્રાણીઓ પાણી ને ચાટી ચાટીને પીવે છે તથા રાત્રિના સમયે એટલે કે અંધારામાં જોઈ શકે છે, જ્યારે શાકાહારી પ્રાણીઓ અંધારામાં જોઈ શકતા નથી; જેના દ્રષ્ટાંતો જોઇએ તો કેટ ફેમિલી એટલે કે બિલાડી, દીપડા, સિંહ, વાઘ, વરુ શિયાળ વિગેરે રાત્રે પણ અંધારામાં જોઈ શકે છે, જ્યારે શાકાહારી પ્રાણીઓ એટલે કે ગાય, ભેંસ, બકરા, હાથી, જીરાફની અંધારા જોઈ શકે તેવી શારીરિક રચના જ નથી હોતી. આ સંદર્ભમાં મનુષ્ય સ્વભાવિક રીતે એટલે કે પ્રકૃતિના નિયમ મુજબ પણ શાકાહારી પ્રાણી છે એવુ કુદરતી સ્વરૂપે જ ફલિત થાય છે. ચાર્લ્સ ડાર્વિનનાં સિદ્ધાંતને સાચો માનીએ તો વાનરથી કાળક્રમે બનેલ મનુષ્યો વાનર સ્વરૂપે તો શાકાહારી જ હતા; પરંતુ માનવીએ શિકાર કરીને ખાવાનું શરૂ કર્યું; માટે પ્રકૃતિની મનાઈ હોવા છતાં માંસાહાર અપનાવ્યો. વધુ એક દલીલ એવી પણ પ્રચલિત છે કે રણપ્રદેશો અને સમુદ્ર કિનારે રહેતા લોકોએ ખેતી ન કરી શકતા હોવાને કારણે માંસાહારને અપનાવ્યો અને એવુ પણ કહેવાય છે કે જો પૃથ્વી ઉપરના બધા જ મનુષ્યો માત્ર શાકાહાર આરોગે તો આ ગ્રહ ઉપર શાકાહારની એટલે કે ફળફળાદિ, શાકભાજી તેમજ અનાજની ગંભીર અછત ઊભી થાય! શું ખરેખર આવું છે એ મોટો પ્રશ્ન છે અને એ પ્રશ્નનો ટૂંકો અને ટચ જવાબ એ છે કે જો ‘માંસાહાર નાં ઉપયોગ માટે વપરાતો શાકાહાર બંધ થાય તો આપોઆપ શાકાહારની અછતનાં પ્રશ્નનું નિર્મૂલન થઈ જાય…!!’ઇઝરાઇલ અને કચ્છ જેવા રણ પ્રદેશોમાં પણ ખેતીની પદ્ધતિઓ પ્રચલિત છે ત્યારે શું ખોરાક માટે જીવ હત્યા જ એકમાત્ર વિકલ્પ છે! સૌથી શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી હોય છે; અવલોકન કરીએ તો માલૂમ પડશે કે સૌથી શક્તિશાળી પ્રાણીઓ જેવા કે હાથી, ગેંડા, હિપોપોટેમસ, ગોરીલા, ભેંસ, ગાય તેમજ સૌથી ઊંચું પ્રાણી જીરાફ પણ શાકાહારી છે; માટે જ પ્રચંડ શક્તિ અને વિચક્ષણ બુદ્ધિની પ્રાપ્તિ માટે માંસાહાર જરૂરી છે એ વાતનો તો બિલકુલ છેદ જ ઉડી જાય છે.
માંસાહારી પ્રાણીઓ નોન વેજની મીજબાનીઓ નથી ગોઠવતા; કે મરી મસાલા ઉમેરી વનાગીઓ નથી બનાવતા; પરંતુ મનુષ્ય માટે કાચું માંસ ખાવું શક્ય નથી જે દર્શાવે છે કે, માંસ એ આપણો માણસોનો ખોરાક છે જ નહી! આપણે ત્યાં સાગરખેડૂ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે; યાર આ ‘સાગરખેડૂ’ એટલે શું; ઝીંગા, માછલીઓ તેમજ અન્ય દરિયાઈ જીવોની ખેતી એટલે શું! સરકાર જ આ શબ્દનો પ્રયોગ કરી પરોક્ષ રૂપે સંહારકની ભૂમિકા ભજવે છે જે દુર્ભાગ્યપૂર્ણ માનસીકતા છે.
જીવીત મરઘાઓ, ઘેંટાઓ અને ભેંસોનાં હેરફેર તેમજ તેમના સંગ્રહની વ્યવસ્થાઓનું અવલોકન કરીએ તો પણ ખ્યાલ આવશે કે તેમની આરોગ્યરક્ષા પણ બિલકુલ નથી રાખવામાં આવતી; મરઘાંઓને ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે અને એ જ સ્થતીમાં તેઓ મળમૂત્ર કરે છે. આપણે તો ફળ ફળાદી અને શાકભાજી પણ સાફ કરીને ઉપયોગમાં લઈએ છીએ; ત્યારે રોગીષ્ટ, વૃદ્ધ અને કુપોષણનાં શિકાર દેહને આહાર તરીકે આરોગતા જીવ કેમ ચાલે ભાઈ..!!
કુત્રિમ રીતે બ્રીડીગ અને ફારમિંગ એટલે બિલકુલ ન બંધ બેસતો શબ્દ. ખેતી દ્વારા અપ્રાકૃતિક રીતે હટ્ટા કટ્ટા બનાવીને ઉછેરાતા મરઘાઓ, ઘેટાંઓ અને બકરાઓને જન્મતા વેત જ અસહ્ય પીડાઓ વેઠાવીને કતલખાને લઈ જવામાં આવતા હોય છે; આમેય ૯૦ % માંસાહારને રવાડે ચડેલાઓને જો ઘેટાં, બકરાઓની કતલ લાઈવ દેખાડવામાં આવે તો ૧૦૦% ગેરંટીથી કહી છું કે શોખથી નોન વેજનાં રવાડે ચડેલાઓ જીવનભર પરમાટી એટલે કે માંસ ખાવાનું બંધ કરી દેશે. આમેય કતલખાનાઓ ન તો નિયમ મુજબ ચાલે છે કે ન તો માંસાહાર પ્રતિબંધિત હોય એ દિવસોમાં બંધ રહે છે; સરકાર પણ આ બાબતે વધુ જાગૃત બની નિયમોના પાલન કરાવે અને ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવે એ જરૂરી છે.
અન્ય એક બાબત પણ ચર્ચવી જરૂરી છે કે, આપ સૌએ તો એ અવલોકન પણ કર્યું જ હશે અને જાણતા જ હશો કે, મનુષ્યનાં મૃત્યુ બાદ તેના મૃત શરીરનો નિકાલ કરવા માટે ઉતાવળ કરવામાં આવે છે; કેમકે શરીર માંથી જીવ નીકળી જાય એટલે એ સડવા લાગે અને જો તેને સાચવવું પડે તેમ હોય તો પણ ડીપ ફ્રીઝમાં અને માત્ર થોડા સમય સુધી જ સાચવી શકાય! જ્યારે લારીઓ અને રેકડીઓમાં પીરસાતું માંસ કે ઈંડાઓ કેટલા સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રંધાય છે તેની કોને ખબર છે!! ક્યારેક રંધાતા પહેલા કાચું માંસ કે ફોડેલું ઈંડુ નાકથી નજીક લાવીને સૂંઘી તો જુઓ; તો પણ ગેરંટીથી કહું છું તમારામાંથી મોટાભાગનાંઓ બીજીવાર નોનવેજનું ફરીથી નામ નહી લો.
મુદ્દો ઉછળ્યો જ છે તો શાકાહારીઓ (મનુષ્યો) શાકાહારી બને એ માટે સામાજીક દૃષ્ટિકોણથી પ્રગતિ થવી જ જોઈએ!
-હિરેન કોટક, કોલમિસ્ટ, વિશ્લેષક અને રાજનીતિજ્ઞ (મો.૯૫૩૭૪૦૦૦૦૦)
