
માંડવીમાં વિજયા દશમીએ દિક્ષામૂહુર્ત પ્રદાન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. માંડવીના આઝાદ ચોક, ભીડ બજાર અને કે. ટી. શાહ રોડથી શિતલ પાર્શ્વ જિનાલય સુધી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે સામૈયું કાઢવામાં આવ્યું હતું. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત કલ્પતરૂસૂરિશ્વરજી મ.સા.એ. દિક્ષાર્થીઓ નિશાબેન ગડા (સામખિયાળી), શ્રેયાબેન (ડિસા), રાજુભાઇ (રાજકોટ), શિવમકુમાર (રાજકોટ) અને યજ્ઞાબેન વિપુલભાઇ શાહ (ગાંધીધામ)ને દિક્ષા પ્રદાન કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામ, સામખિયાળી, રાજકોટ, ડિસા અને ચેન્નાઇથી લગભગ પાંચ જૈન સંઘના 200 જેટલા ભાવિકો જોડાયા હતા. પ્રારંભમાં સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહે સામૂહિક ગુરૂવંદના કરી હતી. ભગવંત કલ્પતરૂસૂરિશ્વરજી મ.સા.એ મંગલાચરણ ફરમાવી સંયમ જીવનનું મહત્વ સમજાવ્યું હતું. ચાતુર્માસના લાભાર્થી પરિવાર માતુશ્રી ઝવેરબેન દેવજીભાઇ મહેતા (ડગાળાવાળા) હસ્તે રૂપલબેન ભરતભાઇ મહેતા અને રીયા કેરીન મહેતાના સહયોગથી અનુષ્ઠાનો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઇ દેવજીભાઇ મહેતાએ કર્યું હતું.
મુમુક્ષુ રાજુભાઈ શાહ વર્ષોથી જીવદયાની પ્રવૃતિમાં સંકળાયેલા છે. મોરબીમાં પાંજરાપોળની જવાબદારી તેમણે સંભાળી હતી અને તેના વિકાસમાં તેમની ભૂમિકા પ્રશંસનીય રહી હતી તેઓ ઘણા વર્ષોથી જિનાજ્ઞાનુસાર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. દૈનિક આરાધના તેમનો જીવનક્રમ બન્યો હતો. રાજકોટનાં જૈન અગ્રણી, સમસ્ત મહાજન રાજકોટ શાખાના સંચાલક, જીવદયાપ્રેમી તથા ધર્માનુરાગી રાજુભાઈ અમૃતલાલ શાહ ભગવાન મહાવીર સ્વામીના પંથે જવાનો નિર્ણય કરતાં સંઘમાં ધર્મોલ્લાસ છવાયો છે.