
- શાકાહાર, શુદ્ધ, સર્વશ્રેષ્ઠ આહાર
ભારત દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં, જૈન સમાજમાં અને બીજા ઘણા સમાજોમાં પણ માંસાહારની મનાઈ છે. ઘણા લોકો સ્વાદેન્દ્રિયને સંતોષવા માટે જ માંસાહાર લેતા હોય છે તેથી શરીર અને મન બંનેને ઘણું નુકસાન થાય છે. મોટા પ્રમાણમાં ઝડપથી, સસ્તુ માંસ મળે તે માટે પ્રાણીઓને ઝડપથી શરીર વધે તેવો ખોરાક ખવડાવાય છે. ઘાસને બદલે દાણા ખવડાવાય છે. એક કિલો માંસ મેળવવા માટે 15- 20 કિલો ખોરાક ખવડાવવો પડે છે. આ પ્રક્રિયા માટે પશુ, પક્ષીઓને અમુક પ્રકારના સ્ટીરોઈડસ પણ અપાય છે જે આર્ટીફીશિયલ કેમિકલ્સ માનવ શરીરમાં દાખલ કેન્સરમાં પરિણમી શકે છે.
પશુ, પક્ષીઓને ખવડાવવા માટે જે વધારે અનાજ ઉગાડવું પડે છે, તે માટે વધારાની જમીનને માટે ઘણા જંગલોને કાપવામાં આવ્યા છે. વૃક્ષોને કાપવાથી આબોહવા અને વરસાદને અસર થઇ છે. આજકાલના બહુચર્ચીત ગ્લોબલ વોર્મિંગમાં તેનો પણ મોટો ફાળો છે.
સામાન્યરીતે લોકોની એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે માંસાહારીના શરીર મજબૂત હોય જે યોગ્ય નથી. સોયાબીન, ચણા જેવા કઠોળમાં માંસાહાર જેટલું જ પ્રોટીન હોય છે જયારે માંસાહારમાં તો પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ પણ ફ્રીમાં મળતું હોય છે જે લોહીમાં ભળીને હાર્ટએટેક અને પેરાલીસીસ જેવા રોગો સર્જે છે. ઉપરાંત આપણે જયારે જરૂરત કરતાં વધારે પ્રોટીન ખાઇએ છીએ, ત્યારે તે ન વપરાયેલા પ્રોટીનને આપણી કીડનીએ બહાર ફેંકી દેવું પડે છે. આ વધારાની કામગીરી કરતાં કીડનીને નુકશાન થાય છે.
માંસમાં સોલ્યુબલ ફાઇબર નહિવત્ છે, તેથી તેનો આંતરડામાંથી જલ્દી નિકાલ થઇ શકતો નથી. સિંહ-વાઘ જેવા માંસાહારી પ્રાણીઓના આંતરડા ટુંકા હોય છે, તેથી તેનો મળ જલ્દી પસાર થઇ જાય છે, પણ માનવ અને ગાય-ભેંસ-બકરા વગેરેના જન્મજાત શરીરો શાકાહાર માટે બનેલા છે તેથી માણસનાં આંતરડાની લંબાઇ અનેકગણી વધારે હોય છે. તેમાં જો આ માંસવાળો ખોરાક લાંબો વખત પડી રહે તો તે કોહવાય છે અને શરીરને નુકશાન કરે છે. માંસાહારીઓને વારંવાર કબજીયાતની તકલીફ થતી હોય છે અને પેટ ખરાબ થાય એટલે એ થી જ તમામ રોગો ઉદ્ભવતા હોય છે. માંસાહારી પ્રાણીઓના દાંત અને પગના નખ શિકારને ચીરીને ખાવા માટે બનેલા છે. માણસને કોઇ તેવા દાંત કે નખ નથી. માણસ તો છરી વગર શાકભાજી કે ફળ પણ સુધારી શકતા નથી. માણસ માટે શાકાહાર જ શ્રેષ્ઠ આહાર છે. શાકાહારથી શરીરમાં સ્ફૂર્તિ જાગે છે.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)