Ø માનવીને કોરોનાથી બચાવ્યા તો પશુઓને લમ્પીથી બચાવવાં રહ્યાં
Ø દેશભરમાં લમ્પી વાઇરસથી ફેલાયેલા રોગચાળાએ પશુધનને ગ્રસ્ત કર્યું છે. આ રોગચાળાની અસરકારક રસી બનાવવામાં અને સર્વત્ર ઉપલબ્ધ કરાવવામાં અસાધારણ ઉતાવળ કરાવનો સમય તો ક્યારનો પાકી જ ગયો હતો. જોવાનું એ છે કે ટપોટપ મૃત્યુમુખે જઈ રહેલાં પશુઓ માટે આ કાર્ય હવે કેટલી ત્વરાથી થશે.
માણસને કોરોના વાઇરસે હેરાન કર્યા ત્યારે આખું વિશ્વ સફાળું બેઠું થયું હતું. લોકડાઉનના અભૂતપૂર્વ નિર્ણય હેઠળ આઠ અબજ માણસોને ઘેર બેસાડી દેવામાં આવ્યા હતા. પછી અકલ્પનીય ગતિએ વેક્સિન એટલે રસી વિકસાવવામાં આવી. એટલી જ ત્વરાથી એનું જંગી ઉત્પાદન થવા માંડ્યું. જે વૈશ્વિક રોગચાળો કદાચ દસેક વરસની કસોટી લાવ્યો હતો એનું નિવારણ લગભગ બે વરસમાં એટલું તો કરી જ દેવામાં આવ્યું કે વિશ્વ ફરી દોડતું થઈ ગયું. માણસ માટે આટલી કાળજી લેનારા મતલબી માણસોને એક પ્રશ્નઃ આવી દરકાર પશુઓની કેમ નથી કરાતી? આ પ્રશ્ન એટલે કે આજે દેશમાં અને બીજા અનેક દેશોમાં પણ લમ્પી વાઇરસે અભૂતપૂર્વ કટોકટી સર્જી છે. આ વાઇરસ માણસોને ભારે નથી પડી રહ્યો એટલે એના પ્રત્યે ઉદાસીનતા દર્શાવાઈ રહી છે. દેશનું પશુધન ટપોટપ મૃત્યુમુખે ધકેલાઈ રહ્યું છે પણ નીંભર માણસ, આળસુ સરકાર અને બેદરકાર અધિકારીઓના પેટનું જાણે પાણી હલી રહ્યું નથી. આ કેવી રીતે ચલાવી લેવાય? માત્ર બે રાજ્ય, ગુજરાત અને રાજસ્થાનમાં આ વાઇરસે ફેલાવેલા ભયંકર રોગચાળામાં, હજારો પશુઓ ઓલરેડી મૃત્યુ પામી ચૂક્યાં છે. આ આંકડો થોડા દિવસ પૂર્વેનો છે. પછીના આંકડા આવવાના બાકી છે. પોતાની દુનિયામાં રાચતા માણસો કદાચ જાણતા જ નથી કે લમ્પી વાઇરસ છે શું. એમના માટે અમુક વિગતો જણાવવી યથાસ્થાને રહેશે. લમ્પી વાઇરસનો રોગ પશુની ત્વચા પર વાર કરે છે. કેપ્રિપોક્સવાઇરસ તરીકે ઓળખાતા આ વાઇરસનું આક્રમણ નિશ્ચિત જીવાણુ, માખીઓ, દૂષિત પાણી તથા ખોરાકથી થાય છે. જીવાણુ પશુનું રક્ત ચૂસી લે છે. પશુની ત્વચા પર થતા આક્રમણને લીધે બીમારી લમ્પી સ્કિન ડિસીઝ કે એલએસડી તરીકે ઓળખાય છે. સમાન લક્ષણવાળાં પશુઓ, છોડો વગેરેનો એક વર્ગ જિનસ કહેવાય છે. એ વર્ગમાંથી આવતા આ વાઇરસે હાલમાં હાહાકાર મચાવ્યો છે. પશુને આ બીમારી વળગે ત્યારે જણાતાં લક્ષણોની વાત કરીએ. બીમાર પશુમાં સખત તાવ, આંખ અને નાકમાંથી વધુ પડતું પાણી અને ચીકણો પદાર્થ ઝરવો, રાળ ઝરવી, આખા શરીર પર ચાઠાં થવાં, વજન ઘટી જવું, દૂઝણા પશુની દૈનિક દૂધની માત્રા ઓછી થવી અને ખોરાક ખાવામાં તકલીફ થવી, વગેરે લક્ષણો સામાન્યપણે જોવા મળે છે. પાછલા દાયકાની વાત કરીએ તો મિડલ ઇસ્ટ, અમુક યુરોપિયન અને એશિયન દેશોમાં લમ્પીએ માથું ઊંચક્યું હતું. હાલમાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગલાદેશ અને આસપાસા ઘણા દેશોમાં લમ્પી પશુઓના જીવ લઈ રહ્યું છે. 2020 સુધીમાં આ બીમારીએ ભારત સહિત સાતેક દેશોમાં ઉપાડો લેવાની શરૂઆત કરી દીધી હતી છતાં, આશ્ચર્ય એ કે એની દરકાર કરવામાં આવી નહીં. હવે બીમારી તાઇવાન, ચીન, નેપાળ, ભુતાન, વિએતનામ, હોંગ કોંગ અને અન્ય દેશોમાં પશુઓ માટે જીવલેણ બની છે. એકંદરે વાત કરીએ તો દક્ષિણ અને દક્ષિણપૂર્વીય એશિયાના 23 દેશોમાં લમ્પી પ્રસરી ચૂક્યો છે. વિચાર એ પણ કરવા જેવો છે કે શાને લીધે આ બીમારી આટલી ઝડપભેર આખા દેશમાં ફેલાઈને પશુઓ માટે મરણતોલ ફટકો બની. એક અંદાજ મુજબ એ આપણા દેશ સુધી પાકિસ્તાનની વાટે પહોંચ્યો છે. બીજો અંદાજ છે કે ભારત અને બાંગલાદેશ તથા નેપાળ વચ્ચે થતો પશુવહેવાર એમાં નિમિત્ત બન્યો હોઈ શકે છે. સત્તાવાર રીતે ઓછો અને ગેરકાયદે ધોરણે વધુ એવો પશુવહેવાર ભારત અને આ દેશો વચ્ચે પ્રવર્તે છે. એક દેશનાં પશુ બીજા દેશમાં પહોંચે એ સાથે બીમારી પ્રવાસ કરે છે. બીજું કારણ છે દેશમાં તેજ ગતિએ વધી રહેલી રખડતાં પશુઓની સંખ્યા. સત્તાવાર પશુ જનસંખ્યામાં સ્પષ્ટ થયું છે કે દેશનાં 20 રાજ્યોમાં રખડતાં પશુઓની સંખ્યા છેલ્લા દાયકામાં ખાસ્સી વધી છે. માનવીએ પશુ પડતાં મૂકીને સાધનો અને ટેક્નોલોજી અપનાવ્યાં એટલે એને પશુઓની પરવા રહી નથી. જે બળદ ક્યારેક ખેતરોમાં જોતરાવાને લીધે, કે પછી માનવ અને ચીજોના વહન માટે વાહનોમાં લાગતાં હતાં એનો હવે માનવીને ખપ રહ્યો નથી. પરિણામ એ છે કે દેશનાં લાખો ગામડાંઓમાં લોકો બિનોપયોગી, ખાસ કરીને દૂધ નહીં આપતાં પશુને ભગવાન ભરોસે રઝળતાં મૂકતાં થઈ ગયાં છે. આ સમસ્યાનું નિવારણ શું? સૌથી તાતી જરૂર છે લમ્પીના ઇલાજ માટેની અકસીર રસીનું જથ્થાબંધ ઉત્પાદન. પછી એને દેશના ખૂણેખૂણે, પશુપાલકોને ઉપલબ્ધ કરાવવી. એ સિવાય બાકીનાં તમામ ઉદ્યમ મોળાં અને બિનઅસરકારક બની રહેવાનાં છે. ખરું જોતાં લમ્પીની રસી ક્યારની બની જવી જોઈતી હતી. જે રીતે કોરોનાવાઇરસની રસી બની, એનું જંગી ઉત્પાદન થયું અને એ જનજનને લગાડવામાં આવી એવું લમ્પીના મામલે થવું જોઈતું હતું. આ મામલે રાખવામાં આવેલી ઉદાસીનતાએ આ બીમારીને દેશનાં અનેક રાજ્યોમાં પ્રસરી જવાની છૂટ આપી. હવે જોકે એવા સમાચાર છે કે દેશની બે સંસ્થાઓએ લમ્પી વાઇરસને નાથવા સહિયારી રસી વિકસાવી છે. એ છે આઈસીએઆરની રસી લમ્પી-પ્રોવેક, જેને કેન્દ્ર સરકાર મોટા પાયે ઉત્પાદિત કરીને એક-બે મહિનામાં દેશભરમાં ઉપલબ્ધ કરાવવાનું પ્રયોજન ધરાવે છે. વાસ્તવમાં, આ કાર્યમાં પણ એવી જ ઉતાવળ રાખવાની જરૂર છે જેવી કોરોનાવાઇરસ માટેની રસીમાં રાખવામાં આવી હતી. આ કાર્યમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે ખભેખભા મિલાવીને કામ કરવાની જરૂર છે. પશુધન કોઈ એક રાજ્ય કે વ્યક્તિની જવાબદારી કે જરૂર નથી. પશુધન નહીં બચે તો આખો દેશ ખતરામાં આવી જશે. પશુઓના રસીકરણનું વિરાટ અભિયાન શરૂ કરતી વખતે એ કાળજી પણ રાખવાની રહેશે કે પશુઓ સુધી સાચી અને માન્યતાપ્રાપ્ત રસી પહોંચે, નહીં કે રસીના નામે પાણી કે કોઈક ભળતી ચીજ. આવું થયાના પહેલેથી નોંધાયેલા કિસ્સા આપણે ચેતવણીરૂપે ધ્યાનમાં રાખવા રહ્યા. ઉપરાંત, એલોપેથી દવાઓ તાત્કાલિક અને ઝડપી નિવારણ માટે જરૂરી છે. એની સાથે આપણે આયુર્વેદિક અને એલોપેથિક ઇલાજ વિશે મનોમંથન અને સંશોધન થવું જોઈએ. આવી દવાઓ કદાચ સસ્તી પણ હોઈ શકે છે અને જડમૂળથી બીમારીનો ખાતમો બોલાવવામાં વધુ મદદરૂપ પણ થઈ શકે. બીજો ઇલાજ છે પશુઓને રામભરોસે છોડી દેવાની જે વૃત્તિ અને પ્રથા ચાલી છે એનાપર લગામ તાણવા માટે યોગ્ય વિચારણા કરવી અને પગલાં લેવાં. વિશ્વ પરાવલંબનથી શક્ય છે અને આપણે પશુઓ પર નિર્ભર છીએ, એ સત્યને આપણે સમજવાની આવશ્યકતા છે. પરદેશી ચીજોની આયાત વિશે પણ પુનઃવિચારણા કરવી પડશે. લમ્પીના ફેલાવા માટે વિદેશથી આયાત થતાં પશુનાં ચામડાં, ઘાસ અને રાસાયણિક ખાતરો પણ જવાબદાર હોવાનું નોંધાયું છે. આપણે નૈસર્ગિક ખાતરનો ઇચ્છીએ તેટલો પુરવઠો ઊભો કરી શકીએ છતાં જો દેશમાં પણ રાસાયણિક ખાતરનું મોટા પાયે ઉત્પાદન કરીએ, અને વિદેશથી પણ એને આયાત કરીએ એ ક્યાંનો ન્યાય? એ ક્યાંની સમજદારી? આવું કરવાને પોતાના પગ પર કુહાડો મારવા સિવાય કઈ હરકત કહી શકાય? પશુઓના ઘાસચારા મામલે પણ વિચારણા અને ગોઠવણ કરવાનો સમય પાકી ગયો છે. ઘણી પાંજરાપોળો અને ગૌશાળાઓમાં પહોંચતા ઘાસચારામાં માટી, પેસ્ટિસાઇડ્સ નાઇટ્રેટ વગેરેની ભેળસેળ હોય છે. આવો ઘાસચારો પશુ માટે બેહદ ખતરનાક છે. હજારો ગૌશાળાઓ અને પાંજરાપોળો ઘાસચારાના મામલે આત્મનિર્ભર બની શકે છે. તો આપણે એમને શાને બહારથી આ ચીજો ખરીદવી પડે એ હદે ઓશિયાળાં બનાવ્યાં છે? સાથે જરૂરી છે ગામેગામના પશુપાલકો સુધી પશુધનની મહત્તા, સ્વદેશીકરણ અને સરળ, નૈસર્ગિક ચીજો પર વિશ્વાસ રાખી પશુપાલન વિશેના વિશ્વાસને જગાવવામાં આવે. ટેક્નોલોજી અને વિકાસ એની જગ્યાએ છે. જીવન અને વ્યવસ્થા એનાથી વધુ અગત્યનાં અને ઉપયોગી છે એ વાત ફરી ઉજાગર થવી જોઈએ. આપણે પશુઓને વાપરવાની ચીજ નહીં, સાચવવાની સંપત્તિ ગણીને પોતાનાં કરવાં પડશે. આ દેશમાં આમ પણ એ સંસ્કૃતિ હજારો વરસ ધબકતી રહી હતી. એના પણ પાણી ફેરવવાનું છેલ્લાં થોડાં વરસમાં શરૂ થયું છે. આ રીત હવે ફરી બદલવી પડે અને ફરી પશુઓને પોતાનાં કરવાં પડે. એ છે આપણી ખરી પ્રગતિ અને આપણી સાચી જીવનશૈલી. રાજસ્થાનના બાડમેર, જાલોર, જોધપુર, બિકાનેર, પાલી, ગંગાનગર, નાગૌર, સિરોહી અને જૈસલમેર સહિત કુલ 33માંથી 23 જિલ્લામાં લમ્પી વાઇરસે પશુઓના જીવનને ખતરામાં મૂક્યું છે. ગુજરાતના 17 જિલ્લામાં પણ વાઇરસે આક્રમણ કર્યું છે. એ જિલ્લા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત, કચ્છ તથા બનાસકાંઠાના છે. એકલા રાજસ્થાનમાં આ રોગચાળાએ અત્યાર સુધીમાં 14,000થી વધુ મૂંગા જીવોનો ભોગ લીધો છે. રાજ્યમાં 3,10,460 પશુઓ લમ્પીગ્રસ્ત છે અને એમાંના 2,68,649 સુધી સારવાર પહોંચી શકી છે. ગુજરાતમાં આ આંકડો 50,000થી વધુ પહોંચી ગયો હોવાનો અંદાજ છે. વાત રાજસ્થાન અને ગુજરાત પૂરતી મર્યાદિત નથી. આ વાઇરસથી પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર, ઉત્તરાખંડ, કેરળ, ઓડિશા, કેરળ સહિત અન્ય રાજ્યોમાં પશુઓ બીમાર છે અને મોટી સંખ્યામાં મૃત્યુ પણ પામી રહ્યાં છે. માત્ર 16 મહિનાના ટૂંકા ગાળામાં આ બીમારી દેશનાં 15 રાજ્યોમાં ફેલાઈ ગઈ અને પશુઓ માટે મુશ્કેલી બની એ શાસનની બેદરકારી દર્શાવે છે. લમ્પી વાઇરસ સૌને વિદિત અને દેશભરમાં પ્રસ્યો હોવા છતાં રાષ્ટ્રીય કે વૈશ્વિક સ્તરે એની રસી બનાવવા કોઈ નોંધનીય પ્રયાસ સમયસર નહીં થયો એ ખેદની વાત છે. અત્યારે પશુઓને આ બીમારીથી કંઈક અંશે સુરક્ષા પ્રદાન કરવા માટે ગોટપોક્સ નામની રસી વપરાય છે જે 60% જેટલી જ અસરકારક છે. લમ્પી વાઇરસની સમસ્યા જે રીતે ફેલાઈ એ નિર્દેશ કરે છે કે યોગ્ય અને તાત્કાલિક પગલાં ઉઠાવવામાં નહીં આવે તો એ દૂધારુ પશુથી આગળ વધીને અન્ય પશુઓ સુધી પહોંચી જશે, ગાયો, બળદ ભેંસ, પાડા પછી આ રોગચાળો બકરી અને હરણ સહિતનાં પશુઓને આંબી જશે. આવું થતાં શું દુષ્પરિણામ આવશે એનો વિચાર પણ થથરાવી મૂકે તેવો છે. લમ્પીગ્રસ્ત પશુને સાજા થવા સાતથી પંદર દિવસનો સમય લાગી શકે છે. રોગગ્સ્ત થયા પછી પશુમાં તાવનાં લક્ષણો એકાદ અઠવાડિયા પછી દેખાવા માંડે છે. જે પશુ ગ્રસ્ત થાય એને અન્ય પશુઓથી અલગ ના કરવામાં આવે તો એનો ચેપ અન્ય પશુઓને લાગી શકે છે. લમ્પીને નાથવામાં હજી વિલંબ થશે તો દેશમાં દૂધ અને દૂધ આધારિત ઉત્પાદનોનું પ્રમાણ ઘટી શકે છે. અમૂલ સહિતની કંપનીઓએ સ્વયં આની પુષ્ટિ કરી છે. ભારતના પશુધનને બચાવવા તાત્કાલિક ધોરણે આશરે 30 કરોડ પશુઓને લમ્પીની લગાડવાની જરૂર વિશે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરે એક અવસરે જણાવ્યું હતું. આ વાત એ સિદ્ધ કરવા પૂરતી છે કે લમ્પીને નાથવાની રસી બનાવવામાં ઉતાવળ કરવી એ આપણી ફરજ છે.
ગિરીશ જયંતીલાલ શાહ મેનેજીંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન અને સભ્ય,એડબલ્યુબીઆઈ, ભારત સરકાર