
કામધેનુ સેવા સમિતિ બગસરા દ્વારા તા.08/01/2022, શનિવારના રોજ બપોરના 03:00 કલાકે સતવારા સમાજ વાડી, બગસરા ખાતે રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાની અધ્યક્ષતામાં “ મારૂ ગૌ ધન મારૂ ગૌરવ ” વિષય પર સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે. ઇફકો અને એન.સી.યુ.આઈ. ના ચેરમેન અને ગુજરાત રાજય ના પૂર્વ મંત્રી માન. શ્રી દિલીપભાઈ સંઘાણી ઉદઘાટક તેમજ અમરેલી જીલ્લાના સાંસદ માન.શ્રી નારણભાઇ કાછડીયા, ધારી- બગસરા ના ધારાસભ્ય માન.શ્રી જે.વી.કાકડીયા, અમરેલી જીલ્લાના ભાજપ પ્રમુખ માન. શ્રી કૌશીકભાઈ વેકરીયા અને ગાય આધારિત ખેતી ના પ્રણેતા એવા માન. શ્રી પ્રફુલભાઇ સેંજલીયા મુખ્ય અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર, બગસરા ના પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી આર્શીવચન આપશે.
આ સેમિનાર માં “ગાય આધારિત કૃષિ”, ગૌ સેવાના વિવિધ આયામો જેમકે સમગ્ર ભારતમાં નિઃસહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સમસ્યાના સમાધાન માટે દેશના દરેક તાલુકામાં ગૌ અભ્યારણ્ય, ગૌ આશ્રય ધામ, ગૌશાળા જેવા નામોથી અને સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓનું સમન્વય કરી તેમજ સામાજીક, સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પી.પી.પી. મોડલ, જનભાગીદારીનાં માધ્યમથી ગૌધામનું નિર્માણ સ્થાનીક સ્તરે જ કરવામાં આવે. જયાં સ્થાનીક મહિલાઓ, યુવાનો જોડાય અને રોજગારી પ્રાપ્ત કરે. તેમજ ગૌમૂત્ર, ગોબરના વેંચાણ થકી આવક પણ મેળવે અને સાથોસાથ આ ગૌશાળા પણ લાંબા ગાળે સ્વાવલંબી બને. વધુમાં આ ગૌધામમાં આશરો અપાયેલ રખડતી ગાયોને પુરતા પ્રમાણમાં આરોગ્યવર્ધક ખોરાક, સારવાર આપીને ફરીથી તેમને તંદુરસ્ત બનાવવામાં આવે અને જયારે અને જે ગાયો તંદુરસ્ત બને તેમને ફરીથી કૃષિ, પશુપાલન વિગેરે કાર્ય માટે સમાજને ભેટ આપવામાં આવે. આવા કેન્દ્રોમાં સારી નસ્લના ધણખુંટ પણ પ્રાપ્ત થાય. તેમજ ગાય ના ગોબર અને ગૌ મૂત્રમાથી બનવામાં આવતું જીવામૃત, ખાતર વગેરે ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગ કરે અને ગાયના પંચગવ્યોમાંથી બનાવવામાં આવેલ 300 થી વધારે ગૌ પ્રોડક્ટ્સ જેવી કે, મૂર્તિઓ , સ્વસ્તિક ચિન્હ, સમરાની કપ, પેપર વેટ, હવન સામગ્રી વગેરે તૈયાર કરવામાં આવે છે. આ ગૌ ઉત્પાદનોને વેચી અને આર્થિક પગભર બની પ્રધાનમંત્રીશ્રીના ‘આત્મ નિર્ભર’ ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને વેગ મળે, તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી અનેક બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
આ આયોજન ને સફળ બનાવવા માટે કામધેનુ સેવા સમિતિ બગસરા ના એચ.આર.શેખવા સાહેબ, ડો.ભાર્ગવ પંડયા, ડો.આનંદ કાંમલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેમિનારમાં ખેડૂતો,ગૌ પ્રેમીઓ,ગૌશાળા ના સંચાલકો, જીવદયા પ્રેમી તેમજ જાહેર જનતા ને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.