જેમના હૈયે જગતના સર્વ જીવોનું હિત રચેલું હતું તેવા હૃદયસ્થ પૂજ્ય મુનિરાજ શ્રી હિતરુચિ વિજયજી મ.સા.ના સંસારી ભત્રીજા અને ડાયમંડ બજારનાં મોભી કહી શકાય તેવી કંપની મે. વિનસ જ્વેલ્સના શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના 23 વર્ષીય મુમુક્ષુરત્ન સેતુકભાઈ અનિલભાઈ શાહ પાલીતાણામાં જૈન દીક્ષા 26-1-2023, ગુરુવારના ગ્રહણ કરવાના છે. તેઓશ્રીનો બહુમાન સમારંભ પોષ વદ -1, શનિવાર અંગ્રેજી તારીખ 7-1-2023ના રોજ સાંજે 5થી 7 ગવર્નર હાઉસ ખાતે યોજાસે. જેમાં આમંત્રણ પત્રિકા દ્વારા વિશેષ આમંત્રિતોની હાજરીમાં આશાસ્પદ નવયુવાન દિક્ષાર્થી શ્રી સેતુકભાઈનું બહુમાન પર્યટન વિભાગ, મુંબઈ, મહારાષ્ટ્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
પર્યટન મંત્રી મંગલપ્રભાતજી લોઢાજીએ જણાવ્યું હતું કે, તીર્થોની પવિત્રતા અને સુરક્ષાનું કાર્ય સરકારના સમન્વયથી સારી રીતે થઈ શકે છે અને શ્રી જિનશાસન નામના આવા મહાતીર્થની આરાધના, પ્રભાવના અને રક્ષા કરવા માટે પોતાના આત્મકલ્યાણના મુખ્ય હિત સાથે દીક્ષા ગ્રહણ કરી રહેલા આ મુમુક્ષુ રત્નનું બહુમાન કરવાનો અમને અવસર પ્રાપ્ત થયો છે એ અમારા મંત્રાલયનું અને મહારાષ્ટ્ર સરકારનું સૌભાગ્ય છે. મહામહિમ રાજ્યપાલ ભગતસિંહજી કોશ્યારીજીની શુભ ઉપસ્થિતિમાં તેમ જ સંન્યાસ આશ્રમ, વિલેપાર્લાના મહામંડલેશ્વર શ્રી વિશ્વેશ્વરાનંદજીની હિતશિક્ષાથી આ કાર્યક્રમ વધુ શોભાયમાન થશે. જગત આખું જ્યારે સુખની શોધમાં ઝૂરી રહ્યું છે ત્યારે વીર પ્રભુએ 2500 વર્ષ પહેલાં પોતાની દેશનામાં ફરમાવ્યું છે કે સંયમ અને સુખ બન્ને અભિન્ન છે અને સંસાર અને દુઃખ પણ અવિભાજ્ય છે એટલે જ પ્રભુની 21,600 દેશનાના સારસ્વરૂપે કહી શકાય કે પ્રભુ ફરમાવે છે કે હે! માણસ તું માણસ થા, મુનિ થા અને મોક્ષે જા. મોક્ષમાં જવા માટે મનુષ્ય જન્મ એ પાસપોર્ટ છે પરંતુ સંયમ જીવન એ મોક્ષમાં જવા માટે તેનો વીઝા છે. માનવમાંથી મુનિ બનવા થનગની રહેલા 23 વર્ષીય યુવાન ચિ. સેતુકભાઈ ધારે તો પોતાનો ધીકતો વ્યવસાય વિકસાવવા વિચક્ષણ અને કાર્યક્ષમ હતા પરંતુ આત્માનું સાચું સુખ અહિંસા, અનેકાંત અને અપરિગ્રહરૂપી સંયમ જીવનમાં છે. એ પ્રતીતિ થતાં તેઓ આવી ભરયુવાનીમાં સાચા સુખના માર્ગે સ્વકલ્યાણ અને પરકલ્યાણ માટે તલપાપડ થયા છે. કાર્યક્રમ માત્ર આમંત્રિતો પૂરતો જ મર્યાદિત છે અને 5થી 5:40 અલ્પાહાર અને 5:40થી 7:00 વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે જેમાં શ્રી મંગલજીના કલ્યાણકારી આવકાર પછી શ્રી વિશ્વેશ્વરાનંદજી ઉદબોધન કરશે અને શ્રી કોશ્યારીજી હિતશિક્ષા ફરમાવશે. કાર્યક્રમ સમયસર શરૂ અને સમાપન થશે. પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે
મુમુક્ષુરત્ન સેતુક અનિલભાઈ શાહનો બહુમાન સમારંભ
