અંગદાન એ આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગોનું દાન. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. માનવીનું તંદુરસ્ત જીવન આ બધા અવયવો સાબૂત હોય અને સ્વસ્થતાથી પોતાનું કામ કરતા હોય તેના પર આધારીત છે. વિજ્ઞાને આ અવયવોની ખરાબ અવસ્થામાં પણ માનવીનું જીવન યથાવત રહે તે માટે ઘણી શોધો કરી છે. કૃત્રિમ વ્યવસ્થાઓ (શ્વસન માટે Ventilator કિડનીની નિષ્ફળતા વખતે Dialysis Machine વગેરે) મશીનોની શોધો તો કરી છે પરંતુ જીવંત અવયવો જો મળી જાય અને જેના અવયવો કામ નથી કરતા એવી વ્યકિતમાં તેનું પ્રત્યારોપણ થાય તો એ વ્યકિત (દર્દી)ને નવું જીવન મળી શકે છે. આ માટે જરૂર પડે છે માનવીનાં અંગોની. આ અંગોની સતત ખેંચ હોય એ સ્વાભાવિક છે. કેટલાંક દર્દીઓને તેમનાં સગા—સ્નેહીનાં અંગ મળી જતાં હોય છે, પણ આ મુખ્ય અંગોની ગંભીર માંદગીવાળા હજારો દર્દી એવાં અંગો માટે તરસતાં હોય છે. બીજી તરફ માર્ગ અકસ્માત, બ્રેઇન હેમરેજ કે અન્ય રીતે તંદુરસ્ત વ્યકિતના મગજને ગંભીર ઇજાઓ પહોંચે ત્યારે ઘણા બધાં સંજોગોમાં વ્યકિતનું મગજ નકામું થઇ જાય છે. તબીબી ભાષામાં એ વ્યકિત Brain Dead (બ્રેઇન ડેડ) ગણાય છે. આવી વ્યકિતનાં કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં જેવા અંગો તદન સાબૂત અને જીવંત હોય છે. જો એ અંગો કાઢીને જેનાં આવા અંગો નિષ્ક્રીય થઈ ગયા છે, તેમનામાં પ્રત્યાર્પણ કરવામાં આવે તો તેમની જીંદગી બચી શકે છે. સેંકડો વ્યક્તિઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલુ વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે, નવપલ્લીત થઇ શકે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અંગદાન અંગે ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ આવે તે હેતુથી રાજકોટની દર્શન યુનિવર્સિટીમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્રના જાણીતા તબીબ ડૉ. સંકલ્પ વણઝારા દ્વારા ઓર્ગન ડોનેશન અંગેની સંપૂર્ણ તબીબી માહિતી આપવામાં આવી હતી. તેમજ સામાજિક કાર્યકર્તા મિતલ ખેતાણી દ્વારા સામાજિક દ્રષ્ટિકોણથી અંગદાનનું મહત્વ સૌને સમજાવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને અંગદાન અંગે સંકલ્પ લેવડાવ્યા હતા. પોતાની સોળ વર્ષની દીકરીનું અંગદાન કરાવેલ તેમજ ઓર્ગન ડોનેશન કાર્યક્રમના બ્રાન્ડ ઍમ્બેસેડર એવા શ્રીમતી ભાવનાબેન મંડલીએ લાગણીસભર શૈલીમાં સૌ વિદ્યાર્થીઓને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર આયોજન બદલ દર્શન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એમ. પી. સંઘાણી, ડીન ડો. જી.બી. સંઘાણી તેમજ પ્રો. એસ.આર. શર્મા અને પ્રો. વી.જે. ખડા સહિત સૌનો સહકાર મળ્યો હતો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *