- પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે તેજીથી આગળ વધારવામાં આવશે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
- ગૌમાતાનાં પંચગવ્યથી નિર્મિત ઘડિયાળથી રાજ્યપાલજીનું અભિવાદન
રાજભવન ખાતે યોજાયેલ ‘પ્રાકૃતિક કૃષિ’ પરિસંવાદની સમીક્ષા બેઠક યોજાયેલ હતી. જેમાં ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સભ્ય મિત્તલ ખેતાણી, શ્રીજી ગૌશાળાનાં રમેશભાઈ ઠક્કર, ગૌ પ્રેમી ઉદ્યોગપતિ વીરાભાઈ હુંબલ, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનાં દિલીપભાઈ સખીયા, દિનેશભાઈ પટેલ, કાર્યક્રમનાં સંયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભરતભાઈ ભુવા સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપી, આવું સુંદર આયોજન કરવા બદલ રાજ્યપાલ મહોદયનું અભિવાદન ગૌમાતાનાં પંચગવ્યથી નિર્મિત ઘડિયાળથી કર્યું હતું. આ સમીક્ષા બેઠકમાં જણાવાયું હતું કે કુદરતી ખેતી માટે દેશી ગાય જરૂરી છે. આ માટે ચાર-પાંચ ખેડૂતો મળીને દેશી ગાયો પાળે છે. રાજ્યની પાંજરાપોળ અને ગૌશાળાઓ પણ સારી ગુણવત્તાયુક્ત જીવામૃત અને ઘંજીવામૃત પૂરતા પ્રમાણમાં તૈયાર કરીને ખેડૂતોને ઉપલબ્ધ કરાવે તો તે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. સમાજ પ્રત્યે સમર્પણ સાથે, લોકોના સારા સ્વાસ્થ્ય માટે, પર્યાવરણના રક્ષણ માટે, દેશી ગાય આધારિત કુદરતી ખેતી દ્વારા ક્રાંતિ માટે, કુટુંબ-સમાજ-રાષ્ટ્રના કલ્યાણ થશે. કામધેનુ ગાય સમગ્ર વિશ્વની માતા છે, જે દયા અને પરોપકારનું પ્રતીક છે. ગાય એકમાત્ર એવું પ્રાણી છે જેનું ગૌમૂત્ર અને છાણ પવિત્ર હોવાની સાથે સાથે અત્યંત ઉપયોગી પણ છે. ખેડૂતો દેશી ગાયના ગૌમૂત્ર – ગોબરથી કુદરતી ખેતી કરી રહ્યા છે અને કોઈપણ ખર્ચ વિના સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. કુદરતી ખેતી એ ખેતીના નવા યુગની શરૂઆત છે.
હાલમાં ખેતીમાં રાસાયણિક ખાતરો અને દવાઓનો પુષ્કળ ઉપયોગ થાય છે. જેના કારણે મનુષ્યો અને જીવોમાં રોગોનાં પુરાવા વધી રહ્યા છે. તેમાંથી છુટકારો મેળવવા ખેડૂતો પંચગવ્ય અને દેશી ગાય પર આધારિત કુદરતી ખેતી તરફ આગળ વધ્યા છે. રાજ્યપાલશ્રીએ સંવાદ સાધતા જણાવ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેના વાતાવરણનું નિર્માણ થઈ ચૂક્યું છે. હવે પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે રાજ્યભરમાં તેજીથી આગળ વધારવામાં આવશે. રાસાયણિક ખેતીના પરિણામે કેન્સર, ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ વધી છે. ૬૦ જેટલા પશુ-પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે. માતાના દૂધમાં પણ યુરિયાના અવશેષો જોવા મળી રહ્યા છે. આમ, રાસાયણિક-જૈવિક ખેતીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ રહ્યું છે. નીતિ આયોગના રિપોર્ટમાં પણ ગ્લોબલ વોર્મિંગ વધારવામાં ૨૪ ટકા રાસાયણિક ખેતી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. યુરિયામાં નમકનું પ્રમાણ હોવાથી જમીનની જળસંગ્રહ ક્ષમતા ખતમ થઈ રહી છે. આમ, આ પરિસ્થિતિમાં લોકોનું આરોગ્ય અને પર્યાવરણ બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એક વિકલ્પ તરીકે બચે છે. રાસાયણિક ખેતીના લીધે જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારતા સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા, મિત્રકીટકો વગેરેનો નાશ થયો છે. તેના પરિણામે જમીન બિનઉપજાઉ બની રહી છે. ૬૦ના દાયકામાં જ્યારે જમીનનું ઓર્ગેનિક કાર્બન ૨.૫ ટકા જેટલું હતું. જે આજે ઘટીને ૦.૩ થી ૦.૫ ટકા સુધી પહોંચી ગયું છે ત્યારે યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો એક વર્ષમાં ૦.૮ ટકા સુધી ઓર્ગેનિક કાર્બન વધ્યો હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કાર્યને ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પાકૃતિક અને સેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. સી.કે. ટીંબડીયા, પાકૃતિક કૃષિ સંયોજક શ્રી પ્રફુલભાઈ સેંજલીયા સહીતનાં અગ્રણીઓ રાજભવન, ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.