મહારાષ્ટ્રનાં રાજયપાલ ભગતસિંહ કોશિયા તથા કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલાજીનાં શુભ હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાવ્યો.

સમસ્ત મહાજને સૌપ્રથમ મુંબઈ શહેર ‘એનિમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સથી’ અબોલ જીવોની ઉત્કૃષ્ટ સારવારના મામલે નોખો અનુભવ કરાવ્યો હતો. આ સેવા હવે અગીયાર એમ્બ્યુલન્સ સાથે આખા શહેરમાં રાઉન્ડ ધ કલોક અને બેહદ અસરકારક રીતે મળવાની છે. રાષ્ટ્રસંત પૂ. નમ્રમુની મહારાજ સાહેબની કૃપા—પ્રેરણાથી મુંબઇમાં સમસ્ત મહાજન દ્વારા માંદા—ઘાયલ અબોલ જીવોને ત્વરિત સારવાર મળે તે માટે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીના શુભ હસ્તે રાજભવના ખાતે એનીમલ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલાજી, મહારાષ્ટ્રના પશુપાલન મંત્રીશ્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ તથા જૈન સમાજનું ગૌરવ મહારાષ્ટ્ર રાજયના કૌશલવિકાસ પ્રધાન શ્રી મંગલ પ્રભાત લોઢા ઉપસ્થિત રહયાં હતાં.
કલ્પના કરો કે મુંબઈના કોઈક રસ્તા પર એક પશુ ઘાયલ પડયું છે. લોકો એની પાસેથી પસાર થઈ રહયા છે પણ કરતા કશું નથી. આવું અમાનવીય કે અકરૂણામય વર્તન કરવું ના પડે એવી કોઈક ગોઠવણ થાય તો ? શકય છે કે ઘણા વટેમાર્ગુઓ ઘાયલ પશુને કંઈક તો મદદ કરવા ચાહશે. સમસ્ત મહાજને એમના માટે એનીમલ હેલ્પલાઈનનો અને ઘાયલ પશુની સારવારનો અકસીર માર્ગ શોધ્યો છે. એ છે ‘એનીમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સ’. દેશમાં કદાચ મુંબઈ પહેલું એવું શહેર બની રહયું છે. જયાં ઘાયલ અને માંદા અબોલ જીવોનો જીવ બચાવવા, તેમની પીડા દુર કરવા હવે ગણતરીની પળોમાં અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ થઈ રહી છે.
આ એમ્બ્યુલન્સ સામાન્ય નથી. એ ‘કરૂણારથ’ છે. એની ખાસિયતો અનેક છે. એક સંપૂર્ણ એનીમલ હોસ્પિટલની ગરજ સારે એવી તમામ સગવડોથી એ સુસજજ છે, ઓકિસજન સિલિન્ડર, કોન્સન્ટ્રેશન અને થિયેટર, એનેસ્થેસિયા, ફ્રિજ, ગિઝર, અગ્નિરોધક સાધનો સહિત દવા અને તમામ આવશ્યક વૈદકીય ઉપકરણો સાથે ઉપલબ્ધ છે સાથે જ અનુભવી પશુચિકિત્સક તથા એનીમલ હોસ્પિટલ ઓન વ્હીલ્સનો વિશેષ હેલ્પલાઈન નંબર પણ કાર્યરત છે કોઈપણ વ્યકિત એના પર ફોન કરીને ઘાયલ કે માંદા પશુની જાણકારી આપે એ સાથે આ એમ્બ્યુલન્સ સારવારાર્થે પહોંચી જશે. બસ, પછી ઘટના સ્થળે જ અબોલ જીવોની તત્કાલ વિનામુલ્યે સારવાર થઈ શકશે.
વધુમાં સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય ગીરીશભાઈ જણાવે છે કે, ફેબ્રુઆરી ૨૦૨૨ માં સમસ્ત મહાજને પહેલીવાર ‘એનીમલ હોસ્પિટલ ઓન વ્હીલ્સ’ની શરૂઆત કરી દીધી હતી. ત્યારે માત્ર એક એમ્બ્યુલન્સ હતી અને પછી ઉમેરાઈ બીજી એમ્બ્યુલન્સ, હવે એમાં એક સાથે ૯ એમ્બ્યુલન્સ ઉમેરાશે. એનીમલ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૧ થવાથી કોઈ ઘાયલ કે માંદા પશુઓને સારવારના અભાવે જીવ ગુમાવવાનો વારો નહી આવે, મુંબઈ મેટ્રોપોલીટન વિઝનના કોઈપણ ખૂણે અબોલ જીવ માટે સારવાર ત્વરાથી ઉપલબ્ધ થઈ શકશે. એ માટે મુંબઈને અગીયાર વિભાગમાં વહેંચીને દરેક વિભાગમાં એક-એક એમ્બ્યુલન્સ તૈનાત રખાશે તેથી સારવારનું કાર્ય તેજગતિથી થઈ શકે.
સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ એક અત્યંત મૃદુ અને જીવદયાપ્રેમી છે. સમસ્ત મહાજનની સ્થાપના થઈ ૨૦૦૨માં એ દિવસને આજની ઘડી. હીરાના જાણીતા વેપારી હોવા છતાં ગીરીશભાઈ એમનો મહતમ સમય પરોપકારલક્ષી કાર્યોમાં ખર્ચે છે. બે એક દાયકામાં એમણે વિવિધ સેવાલક્ષી કાર્યોનો વ્યાપ બેહદ વધાર્યો છે. એ માટે એમણે દેશભરમાં સમસ્ત મહાજનની ઓફિસ, કોઓર્ડિનેટર્સ અને કાર્યકર્તાઓનું વિશાળ નેટવર્ક ઉભું કરીને એ સુનિશ્ચિત કર્યું છે તે દેશના કોઈ પણ ખૂણે સંસ્થાએ સેવાલક્ષી કામ કરવું હોય તો વીજળીવેગે થઈ શકે. એ તો ઠીક, નેપાળમાં ભયાનક ધરતીકંપ આવ્યો એ વખતે સંસ્થાએ ત્યાં પણ અપ્રતિમ સેવાકાર્ય કરીને આપણા આ પાડોશી દેશ સુધી સેવાકાર્યોનો વ્યાપ વિસ્તારી દીધો.
ગીરીશભાઈ વધુમાં કહે છે કે ‘કુદરતની વ્યવસ્થામાં માનવી, અબોલ જીવ અને વનસ્પતિઓ દરેકનું વિશેષ મહત્વ છે. આપણી સંસ્કૃતિ અને આપણાં શાસ્ત્રોએ વિજ્ઞાન પહેલાં એ સિધ્ધ કર્યું છે. સમસ્ત મહાજનના ઉપક્રમે અમને જયારે અને જયાં એક અથવા બીજી રીતે આમાના કોઈને પણ સહાયરૂપ થવાનું સૌભાગ્ય મળે એને હું પરમાત્માની કૃપા અને મારા માનવજીવનની સાર્થકતા ગણું છું.’ સમસ્ત મહાજનની અન્ય અનેક સેવાઓની વાત કરતાં પહેલા આપણે ‘એનીમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સ’નાં કન્સેપ્ટ અને ઉપયોગીતાને સમજી લઈએ. હવે મુંબઈમાં આવી હોસ્પિટલ ચલાવતી 11 કાર્ય કરવા માંડશે. રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબના બાવનમાં જન્મદિવસની માનવતા મહોત્સવ તરીકે ઉજવણી થવાના અવસરે હાલમાં જ કચ્છના પુનડીમાં સમસ્ત મહાજનને ૧૧ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.
સમસ્ત મહાજનની પ્રવૃતિઓ પર નજર કરીએ તો સને-૨૦૦૨માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી એ સતત સેવાકાર્યો કરી રહી છે. સંસ્થાનાં પરોપકારલક્ષી કાર્યોનો વ્યાપ સમજવા માટે આપણે એની સેવાઓને મુખ્યત્વે ૧૦ પ્રકારમાં વિભાજીત કરીએ તો એ છે કે મુંબઈમાં ભૂખ્યાને ભોજન પુરું પાડવું, અત્યારસુધીમાં પાંચ લાખથી વધારે લોકોને પ્રસાદ–ભોજન કરાવ્યું છે.ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આદિવાસી બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવી, વરસાદી જળના સંચયથી પાણીની સમસ્યાનું કાયમી નિવારણ કરવું. સંસ્થાએ આ કાર્ય વિરાટપાયે કરીને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અનેક ગામોની પાણીની સમસ્યાનું કાયમી નિવારણ કર્યું છે. તે જ રીતે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં ૫૦૦ થી વધારે ગામોમાં તળાવનું કાર્ય કરવામાં આવ્યું છે. સૂકી અને બિનઉપજાઉ જમીનને નવપલ્લવિત કરીને નંદનવન કરવી અને વિશાળ પાયે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુધારમાં યોગદાન આપવું. સમસ્ત મહાજને આ કાર્ય થકી ૫૦,૦૦૦ એકરથી વધુ જમીનને નવપલ્લવિત કરી છે. વિશાળ વૃક્ષારોપણ કરીને દેશની હરિયાળી ક્રાંતિમાં યોગદાન આપવું. આ કાર્ય અપ્રતિમ રીતે કરવા બદલ સંસ્થાને ઈન્દિરા પ્રિયદર્શિની એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક લાખ દેશી વૃક્ષોની વાવણી તથા તેમના ઉછેર જતન સાથે સંસ્થાએ એક આગવું સીમાચિહન સ્થાપ્યું છે. નૈસર્ગિક અને માનવસર્જિત આપદાથી પીડીત લોકોની સહાય કરવી. કાશ્મીરથી કન્યાકુમારી અને આગળ જણાવ્યું તેમ નેપાળમાં પણ સંસ્થાએ ધરતીકંપ, પુર, ઈમારત ધસી પડવી, ભયંકર આગ લાગવી એવા અનેક દર્દનાક બનાવો દરમ્યાન એટલી લોકસેવા કરી છે જેના વિશે વિગતવાર લખવા તો એક પુસ્તક ઓછું પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કર્યો એ દિશામાં પણ સંસ્થા સંનિષ્ઠપણે સેવારત છે. અત્યાર સુધીમાં સમસ્ત મહાજને શહેર અને ગામડાંઓમાં નિયમિતપણે સ્વચ્છતા અભિયાન યોજીને લોકોમાં આ વિશે જાગૃતિ પ્રસરાવવા સાથે સ્વચ્છ ભારતની દિશામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ગ્રામીણ વિકાસની વાત આવે ત્યાં સમસ્ત મહાજન એક સૌથી શિરમોર સંસ્થા છે. ગામડાંના સર્વાંગી વિકાસ સાથે દેશની ખરી પ્રગતિ પ્રગાઢપણે સંકળાયેલી છે એવી દુઢ માન્યતા ગિરીશભાઈની છે. સૂકી જમીન નવપલ્લવિત કરવી, દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, ગૌશાળાઓ અને પાંજરાપોળોનો વિકાસ, જળસંચય અને ગ્રામ્યજનોના લાભમાં અન્ય સેવાઓ કરીને સમસ્ત મહાજને દેશનાં ઘણાં રાજયોમાં અનેક ગામડાંઓને નવો નિખાર આપી લોકોના, અબોલ જીવોના જીવનને નિખારવા સાથે પર્યાવરણસેવા કરી છે. ઉપર જણાવેલી બાબતો સાથે ગ્રામ્ય વિકાસનું અભિયાન ચાલે છે. એના લીધે જે ગામમાં સમસ્ત મહાજન પ્રવૃત થાય છે એની ખરા અર્થમાં કાયાપલટ થાય છે. ભાગ્યે જ કોઈ સંસ્થા જે રીતે ગ્રામ્યવિકાસ કરતી હશે એમ સમસ્ત મહાજન કરે છે, જેને લીધે રાજય સરકારો અને કેન્દ્ર સરકારે શુધ્ધા સંસ્થાની અનુમોદના કરવા સાથે અને જરૂર પડયે સાથ સહકાર આપ્યો છે. એનિમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સ એટલે સંસ્થાએ ૨૦૨૨માં શરૂ કરેલું એક ઉત્કૃષ્ટ ઉપક્રમ, જેની આપણે ઉપર ચર્ચા કરી જ છે. આ સેવા અંતર્ગત સંસ્થાએ પાછલા છ મહિનામાં ૧,૫૦૦ થી વધુ અબોલ જીવોના જીવ બચાવ્યા છે અથવા એમની પીડા દુર કરી એમને સ્વસ્થતા બક્ષી છે. ઐકદરે, આપણે ખરેખર સદભાગી છીએ કે આપણે ત્યાં પરદુ:ખ અનભવવાળા સેવારત્નો અને એમના વડપણ અને સબળ માર્ગદર્શનમાં કાર્ય કરતી સમસ્ત મહાજન જેવી અનન્ય સંસ્થા છે. મુંબઈમાં સમસ્ત મહાજન નવી ૧૧ એનીમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સ શરૂ કરીને આ શહેરને કરૂણા અને સેવાથી છલકાવવા વધુ એક યોગદાન આપી રહયું છે ત્યારે એની કરીએ પ્રશંસા ઓછી છે. અગીયાર નવી એનીમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સ સેવાને સાકાર કરવામાં યોગદાન આપનારા દાતાઓ એસ.પીએમ. પરીવાર પુનડી (કચ્છ), જી.એન.દામાણી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીમતી અરૂણાબેન કીર્તીભાઈ (મહેતા પરીવાર), માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ (શેઠ પરીવાર), માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી (બાદશાહ પરીવાર), સ્વ.શ્રી જયોતીન્દ્ર મહેતા (અમેરીકા) ના સ્મરણાર્થે, સ્વર્ગસ્થ શ્રી કમળાબેન દોશી (અમેરીકા)ના સ્મરણાર્થે, મેસન–પરાગ મહેતા, ડો. મીરાંબેન જસવંતરાય મોદી (અમેરીકા), શ્રીમતી જયશ્રીબેન મુકુંદભાઈ મહેતા (જયમડી) ના સ્મરણાર્થે, સોનલ અને કિશોર અજમેરા (ઓરિયો) ના સ્મરણાર્થે (અજમેરા ચેરીટેબલ ટ્રસ્ટ—નવી દિલ્હી) આ સમગ્ર કાર્યનો શ્રેય યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ ચંદ્રશેખર વિજયજી પ્રેરિત સમસ્ત મહાજન અને રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમૂની મહારાજ સાહેબની કૃપા-કરૂણાથી અર્હમ અનુકંપાને અર્પણ કરવામાં આવી હતી.એનીમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સ–એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નં. ૯૧૫૨૯૯૫૩૯૯ – ૯૧૫૨૯૯૫૬૯૯ પર કોન્ટેકટ કરવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *