
- 511 અબોલ જીવોની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી
રાજકોટમાં છેલ્લા 18 વર્ષોથી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન કાર્યરત છે જે નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા છે. સંસ્થા ભારત સરકારનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ વિજેતા છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે.
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપનાં સથવારે કચ્છ ખાતે પશુ રોગ નિદાન – સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ‘ફૂટ એન્ડ માઉથ ડીસીઝ’ એ પશુઓમાં ખુબ જ ફેલાતો રોગ છે. આ રોગ ચેપી છે જે ખુબ જ ઝડપથી ફેલાય છે. જેમાં મુખત્વે તાવ, મોઢામાંથી લાળો પડવી, મોઢા, ખરી અને આંચળમાં ચાંદા(ઘાવ) પડી જાય છે. તેમજ રોગી પશુને ચાલવામાં તકલીફ પડે છે. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો પશુઓની હાલત ગંભીર થતી જાય છે. જે માટે ચોમાસા પહેલા પશુઓનું રસીકરણ કરવું ખુબ જ જરૂરી બને છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા કચ્છ જિલ્લાનાં માંડવી તાલુકાના પુનડીગામમાં 190 ગાય અને ભેંસ, 321 ઘેટા અને બકરા એમ 511 જેટલા અબોલ જીવોની નિ : શુલ્ક સારવાર કરવામાં આવી હતી. આ કાર્ય માટે એનીમલ હેલ્પલાઈનની ટીમનાં ડૉ. રવિ માલવિયા, જીજ્ઞેશ બોરખતરિયા, મહેશ ચાવડાએ પશુઓની સારવાર કરી હતી. આ કેમ્પને યોગ્ય રીતે પાર પાડવા માટે સંસ્થાનાં ટ્રસ્ટીઓ મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતાએ માર્ગદર્શન આપ્યું હતું.