ગાય પ્રત્યે સન્માન વધારતો પ્રસંગ ભુજ તાલુકાનાં સુખપર ગામે જોવા મળ્યો છે, જ્યાં એક ગૌ પ્રેમી પરિવારની દીકરીનાં વિવાહને વધુ પવિત્ર બનાવવા ખાસ ગાયના ગોબરમાંથી વૈદિક લગ્ન ચોરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વૈદિક ચોરી બનાવવા ખુદ કન્યાએ ખાસ તાલીમ મેળવી હતી. હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયના દૂધ અને તેમાંથી બનતી વિવિધ ખાદ્ય સામગ્રીને અતિ ગુણકારી માનવામાં આવે છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોવાનું પુરાણોમાં નોંધાયેલું છે. એમાં પણ ગાય પ્રત્યેનો પ્રેમ દર્શાવતો એક અનોખો કિસ્સો ભુજના સુખપર ગામે જોવા મળ્યો હતો.
સુખપરનાં કાંતિભાઈ ધનજીભાઈ કેરાઈના ઘરે દીકરી નિશાના આજે ગુરૂવારે લગ્ન લેવાઈ રહ્યા છે. સપ્તપદીનાં સાત ફેરા માટે પવિત્ર લગ્નબંધનને વધુ પાવન બનાવવા કન્યા અને પરિવારનાં સભ્યો દ્વારા ગાયના ગોબરમાંથી વૈદિક ચોરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વૈદિક ચોરી બનાવવા ખુદ કન્યાએ ખાસ ત્રણ દિવસની તાલીમ મેળવી હતી. કાંતિભાઈનાં ઘરમાં છેલ્લા 10 વર્ષથી ઘરે 8 જેટલી ગાયોનું પાલન પોષણ પરિવારનાં દરેક સભ્ય દ્વારા ખુબ જ પ્રેમપૂર્વક કરવામાં આવી રહ્યું છે. વૈદિક ચોરીના નિર્માણ માટે ગોબર તો તેમના ઘરે જ ગાયના ગમાણમાંથી લીધું હતું. ચોરીના શણગાર તેમજ તોરણ અને લટકણીયા માટે ત્રિકોણ, વર્તુળ અને ગોળાકાર આકૃતિ બનાવાઈ છે. બાદમાં 18×15 ફૂટના સ્ટેજની અંદર 12×10ની ચોરીની ફ્રેમ તૈયાર કરાઈ છે. જેમાં ચારે તરફના સ્તંભ, નીચેનો ફ્લોર અને ઉપરની છત ગોબરમાંથી ઉભી કરી છે, જે સ્થળાંતરિત છે. નિર્માણ કાર્ય દરમિયાન સચોટ આકાર આપવા માટે કાંતિભાઈનાં સિવિલ એન્જિનિયર બંન્ને પુત્ર અને પુત્રીએ ખાસ તાલીમ મેળવી છે. તાલીમ મેળવવા માટે તેમના પુત્ર અને પુત્રીએ મેઘજીભાઈ હીરાણી સંચાલિત અંજારના નીલકંઠ ગૌ વિકાસ કેન્દ્ર ખાતે ત્રણ દિવસ રહીને તાલીમ લીધી હતી. જો કે ગઈકાલે માંડવાના અવસરે પધારેલા મહેમાનો અને અન્ય લોકોએ પણ વૈદિક ચોરી આપવા માંગો તે કિંમત ચુકવવાની વાત કરી હતી. કાંતિભાઈનાં જણાવ્યા અનુસાર આ ચોરી માત્ર ગાય પ્રત્યેનો સદ્દભાવ વધુ બળવત્તર બને તે હેતુસર જ બનાવાઈ છે. તેમણે તેમના મિત્રની દીકરીના લગ્ન પ્રસંગ માટે વિનામૂલ્યે આ ચોરી આપવાનું પણ કહ્યું હતું. કાંતિભાઈ દીકરીનાં લગ્નમાં ગૌમાતાનું પણ દાન આપશે.
લગ્ન માટે વૈદિક ચોરી બનાવવા ખુદ કન્યાએ ખાસ તાલીમ લીધી
